
૨૬ જાન્યુઆરી ૨૦૨૬
દર વર્ષે ૨૬ જાન્યુઆરી આવે ત્યારે સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈ જાય છે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, ગામડાં અને શહેરોમાં ઉજવાતો ગણતંત્ર દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભારતના લોકશાહી આત્માનો મહાન ઉત્સવ છે. આ એ દિવસ છે જ્યારે ૧૯૫૦માં ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂકીને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે પોતાની ઓળખ મજબૂત કરી.
ગણતંત્રનો અર્થ માત્ર શાસનવ્યવસ્થા નથી; ગણતંત્રનો સાચો અર્થ છે – લોકો દ્વારા, લોકો માટે અને લોકોના હિતમાં શાસન. આપણું બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે, પરંતુ સાથે સાથે દરેક નાગરિક પર કેટલીક ફરજો પણ નક્કી કરે છે. અધિકાર અને ફરજ – આ બંનેનું સંતુલન જ સાચી લોકશાહીનું આધારસ્તંભ છે.

ભારતનું બંધારણ ડો. બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં તૈયાર થયું. આ બંધારણમાં જાતિ, ધર્મ, ભાષા, લિંગ અને પ્રદેશના ભેદભાવ વગર સૌને સમાનતા આપવામાં આવી. આજના સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની વૃત્તિઓ દેખાય છે, ત્યારે બંધારણમાં રહેલી સમભાવ અને સહઅસ્તિત્વની ભાવના આપણને માર્ગદર્શન આપે છે.
ગણતંત્ર દિવસ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા સહેલાઈથી મળેલી નથી. લાખો સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાનું જીવન બલિદાન આપ્યું છે. ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓના સપનાઓમાં એક એવું ભારત હતું જ્યાં ન્યાય, સમાનતા અને ભાઈચારું હોય. આજે આપણે વિચારવું પડશે કે શું આપણે તેમના સપનાઓને સાચા અર્થમાં જીવંત રાખી રહ્યા છીએ?
આજનો યુગ ઝડપી વિકાસનો છે. ટેક્નોલોજી, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ્સ, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ દેશને આગળ ધપાવી રહી છે. પરંતુ વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાર્થક બને જ્યારે સમાજનો અંતિમ માણસ પણ તેના લાભથી વંચિત ન રહે. ગામડાં, આદિવાસી વિસ્તાર, શ્રમિક વર્ગ અને ગરીબ પરિવારો સુધી વિકાસ પહોંચે – એ જ સાચો ગણતંત્ર દિવસનો સંદેશ છે.
ગણતંત્ર દિવસ માત્ર પરેડ જોવાનો કે રજા માણવાનો દિવસ નથી. આ દિવસ આપણને આત્મમંથન કરવા પ્રેરિત કરે છે. શું આપણે આપણા ફરજો નિભાવી રહ્યા છીએ? ટ્રાફિક નિયમોનું પાલન, જાહેર સંપત્તિનું રક્ષણ, સ્વચ્છતા, સમયપાલન, મતદાન – આ બધું નાનાં લાગતાં કામો જ મોટા રાષ્ટ્રની રચના કરે છે.
આજના સમયમાં સૌથી મોટો પડકાર છે – સામાજિક સમરસતા. ભાષા, જાતિ, ધર્મના નામે સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગણતંત્ર દિવસ આપણને શીખવે છે કે ભારતની તાકાત તેની વિવિધતામાં છે. “વિવિધતામાં એકતા” માત્ર સૂત્ર નથી, પરંતુ આપણું જીવનદર્શન છે.
યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. યુવાનો પાસે ઊર્જા છે, વિચાર છે અને ટેક્નોલોજીનો જ્ઞાન છે. જો યુવાનો બંધારણના મૂલ્યોને સમજીને આગળ વધશે, તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. દેશ માટે કંઈક કરવાનું મોટું કામ હંમેશા સીમા પર જ થતું નથી; ઈમાનદારીથી પોતાનું કામ કરવું પણ દેશસેવા જ છે.
ગણતંત્ર દિવસ પર આપણે સંકલ્પ લેવો જોઈએ કે ભ્રષ્ટાચાર, અસમાનતા અને અન્યાય સામે અવાજ ઉઠાવશું. સમાજમાં જ્યાં અન્યાય થાય ત્યાં મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ છે. બંધારણે આપેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ સકારાત્મક અને સંવેદનશીલ રીતે કરવો – એ જ જવાબદાર નાગરિકની ઓળખ છે.
આજે જ્યારે આપણે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ઉજવી રહ્યા છીએ, ત્યારે તિરંગા સામે માથું નમાવીને એક સંકલ્પ લેવો જરૂરી છે – સમભાવ, સમરસતા અને સંવિધાનના માન સાથે જીવવાનો. દેશનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી; તે દરેક નાગરિકની જવાબદારી છે.
આવો, આ ગણતંત્ર દિવસે આપણે સૌ મળીને એવો ભારત બનાવવાનો સંકલ્પ કરીએ જ્યાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ અપમાનિત ન થાય અને દરેક નાગરિક ગૌરવ સાથે જીવી શકે. એ જ સાચી ગણતંત્ર દિવસની ઉજવણી છે.
જય હિંદ. જય ભારત.
—
સતિષ પટેલ
સમભાવ સંદેશ