
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહ – ૪૧ જવાનોને પુરસ્કાર એનાયત થશે મલખંમ શો રહેશે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ
પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો ૪૦મો સ્થાપના દિવસ ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ભવ્યતા અને ઉત્સાહપૂર્વક ઉજવાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી-પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ વલસાડ સ્થિત આરપીએફ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે યોજાશે, જ્યાં દેશભરના આરપીએફ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પશ્ચિમ રેલવેના ઈન્સ્પેક્ટર જનરલ તથા પ્રિન્સીપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નર અજય સદાણીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ સહિત આરપીએફના સર્વે તાલીમ કેન્દ્રોના પ્રતિનિધિઓ હાજર રહેશે. મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે અને સભાને સંબોધિત કરશે.
આ પરેડમાં આરપીએફની વિવિધ ટુકડીઓ – રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) પ્લાટૂન, મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન તથા આરપીએફ બેન્ડનો સમાવેશ રહેશે. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મંત્રીશ્રીના હસ્તે પ્રશંસનીય સેવા આપનાર કુલ ૪૧ આરપીએફ જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને જીવન બચાવ મેડલ સહિતના પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
આ સમારોહનું મુખ્ય આકર્ષણ ટીમ આરપીએફ દ્વારા રજૂ થનારો મલખંમ શો રહેશે, જે દેશભરમાં આરપીએફની શારીરિક તાકાત અને તાલીમની ઊંચી કસોટી દર્શાવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રીશ્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કરશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે આરપીએફને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ૧૯૮૫માં સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. અગાઉ આ સ્થાપના દિવસ મોટાભાગે દિલ્હીમાં જ ઉજવાતો હતો, પરંતુ હવે દેશના ૯ ટ્રેનિંગ સેન્ટરોમાં રોટેશન મુજબ ઉજવાય છે. ગુજરાતમાં પ્રથમવાર આ સમારોહ વલસાડ ખાતે યોજાવાનો ગૌરવનો પ્રસંગ છે.
વિનીત અભિષેકે ઉમેર્યું કે આરપીએફના આશરે ૭૫,૦૦૦ કર્મચારીઓ “યશો લાભસ્વ” – ગૌરવ પ્રાપ્ત કરો – સૂત્ર સાથે રેલવે મુસાફરો અને સંપત્તિના રક્ષણ માટે અવિરત સેવા આપી રહ્યા છે. આ સ્થાપના દિવસ દેશના રેલવે સુરક્ષા દળના સમર્પણ, બહાદુરી અને બલિદાનને સન્માનિત કરવાની અનોખી તક પૂરું પાડે છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના પીઆરઓ સુનિલ સિંહ અને વડોદરા ડિવિઝનના પીઆરઓ અનુભવ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.