
દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુદૂરદર્શી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જી.એસ.ટી. (વસ્તુ અને સેવા કર) માં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેના પરિણામે સામાન્ય લોકો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગને અનેક રાહતો મળી રહી છે. આ પરિવર્તનને લઈ સમગ્ર દેશમાં આનંદ અને સંતોષનું વાતાવરણ સર્જાયું છે. આ સુધારાઓ માટે જનમાનસમાં વડાપ્રધાનશ્રી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત થઈ રહી છે.

આ જ પ્રસંગને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટી પારડી વિધાનસભા દ્વારા “ઘટ્યો જી.એસ.ટી. મળ્યો ઉપહાર – ધન્યવાદ મોદી સરકાર” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને તથા ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈની ગરીમામય ઉપસ્થિતિમાં પારડી ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, વેપારીઓ અને સ્થાનિક આગેવાનોની વચ્ચે વાત કરતાં નાણામંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે હંમેશા સામાન્ય જનતાના હિતને પ્રથમ સ્થાન આપ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા જી.એસ.ટી. સુધારાઓના કારણે વેપારીઓને ટેક્સ પ્રક્રિયામાં સરળતા મળી છે, તેમજ રોજિંદી જીવન માટે જરૂરી અનેક વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. જેના સીધા લાભથી દેશના દરેક વર્ગના લોકોને રાહત મળી રહી છે.
તેમણે ઉમેર્યું કે મોદી સરકારની દિશામાં “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” ના સિદ્ધાંત મુજબ નીતિઓ રચાઈ રહી છે. જી.એસ.ટી.માં આ પ્રકારના પરિવર્તનોથી નાના ઉદ્યોગો માટે નવા અવસર ઊભા થશે અને રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ વધુ ગતિ પામશે. તેમણે ઉપસ્થિત સૌને આ બદલાવને સકારાત્મક રીતે સ્વીકારી દેશના વિકાસમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નાણામંત્રીશ્રીએ જી.એસ.ટી. સુધારાઓના વિવિધ મુદ્દાઓનું સરળ ભાષામાં સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે કરચુકવણીની પ્રક્રિયાને ડિજિટલ અને પારદર્શક બનાવી નાના વેપારીઓને રાહત આપી છે. એક દેશ – એક કરની ભાવના મુજબ હવે દરેક રાજ્યમાં વ્યવહાર સરળ બનશે અને ગેરસમજ ઓછી થશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા સામાન્ય લોકોના હિત માટે કાર્યરત રહી છે. મોદીનાં નેતૃત્વ હેઠળ દેશના નાગરિકોને સીધા લાભ મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે. જી.એસ.ટી. સુધારાઓ એ પણ એવો જ એક પ્રયાસ છે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને લોકોના ખિસ્સા પરનો બોજ હળવો કરશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડનાર અન્ય આગેવાનોમાં વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, વાપી ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન (VIA) ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વાપી ભાજપ નોટિફાઇડ એરિયા પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લા, મંડળ તથા મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વેપારી વર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન તથા વંદે માતરમના સ્વર સાથે કરવામાં આવી હતી. બાદમાં કાર્યક્રમનું સંચાલન ઉર્જાવાન રીતે કરવામાં આવ્યું હતું. મંચ પર ઉપસ્થિત આગેવાનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને જી.એસ.ટી. સુધારાની પહેલ માટે ધન્યવાદ વ્યક્ત કરાયો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત વેપારીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું કે તાજેતરના ફેરફારોથી તેમના વ્યવસાયમાં સહેલાઈ આવી છે અને દૈનિક ટેક્સ પ્રક્રિયા વધુ પારદર્શક બની છે.
અંતમાં આભારવિધિ દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓએ નાણામંત્રી કનુભાઈ દેસાઈનો પુષ્પગુચ્છ આપી સન્માન કર્યો હતો અને મોદીનાં નેતૃત્વમાં વિકસતા ભારત માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ રીતે “ઘટ્યો જી.એસ.ટી. મળ્યો ઉપહાર – ધન્યવાદ મોદી સરકાર” કાર્યક્રમ પારડી વિધાનસભામાં લોકઉત્સવ સમાન માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત સરકાર પ્રત્યે અભાર વ્યક્ત કર્યો હતો.