
ખેરગામ ખાતે ચાલી રહેલી પ્રફુલભાઈ શુક્લની 885મી દેવી ભાગવત કથામાં આજે એક વિશિષ્ટ પ્રસંગે જાયન્ટ ગ્રુપ ખેરગામનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેરગામ પંથકમાં શૈક્ષણિક તથા આરોગ્ય સેવા ક્ષેત્રે સતત કામગીરી કરીને સમાજમાં પ્રેરણાસ્રોત બનેલા જાયન્ટ ગ્રુપના મુશ્તાન સીર વ્હોરા અને ડૉ. પંકજભાઈ પટેલને કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસરે અમેરિકા સ્થિત દલાસના દાનવીર દિલીપભાઈ ચંદ્રકાંત મોદી દ્વારા ટેલિફોનિક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ખેરગામના ધાર્મિક તથા સામાજિક કાર્ય માટે હંમેશા સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો.
કથાના ભાગરૂપે યોજાયેલા નવચંડી યજ્ઞમાં ભરતભાઈ જીવણભાઈ પટેલ, હિતેશભાઈ રાણા અને લીલાબેન પટેલે યજ્ઞમાં સહભાગી બની પવિત્ર આહુતિ અર્પણ કરી. યજ્ઞ પૂર્ણ થયા બાદ 108 દીવડાની મહા આરતી ભક્તિભાવથી સંપન્ન થઈ, જેમાં ભક્તોએ માતાજીના સ્તુતિગાન સાથે દિવ્ય અનુભવ કર્યો.
આરતી બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈંકડો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. સમગ્ર કાર્યક્રમમાં ખેરગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને માતાજીના આશીર્વાદનો લાભ લીધો.
જગદમ્બા ધામ ખાતે આ કથામહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સેવા અને મૂલ્યોને ઉજાગર કરતો પવિત્ર પ્રસંગ સાબિત થયો.