1. News
  2. News
  3. જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે – પ્રફુલભાઈ શુક્લ

જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે – પ્રફુલભાઈ શુક્લ

Share

Share This Post

or copy the link

ઉનાઈમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન આજના દિવસે વક્તા પ્રફુલભાઈ શુક્લે પોતાના ભાવસભર પ્રવચનમાં જણાવ્યું કે, “જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન જાતે જ રાખે છે. પ્રભુ કહે છે કે મારા ભક્તને જો કોઈ દુઃખ આપે તો તે મને બાણ સમાન લાગે છે.” આ વાક્યે સમગ્ર શ્રોતામંડળમાં ભક્તિભાવનું સુવાસિત વાતાવરણ સર્જી દીધું હતું.

કથાના ત્રીજા દિવસે રૂપેશભાઈ ઠાકોરભાઈ ભક્ત પથરાડીયા અને કૌશિકભાઈ અમરતભાઈ પટેલના દૈનિક મનોરથ પદે નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ પૂજનવિધિ સાથે ભગવાન નૃસિંહ દેવનું અભિષેક અને આરતી કરવામાં આવી હતી. શ્રદ્ધાભાવથી ભક્તોએ “નૃસિંહ ભગવાનની જય”ના નાદ સાથે સમગ્ર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું.

આજેના પોથી પૂજન વિધિમાં નરેશભાઈ રામાનંદી અને રાકેશભાઈ દુબે મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા. ઉનાઈ માતા મંદિરના પૂર્વ વહીવટદાર ઢીમ્મર સાહેબનું સ્વાગત મુખ્ય વ્યવસ્થાપક હરિશભાઈ પરમારે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ભક્તમંડળો અને સ્થાનિક સેવાભાવી યુવાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

આ સમગ્ર ભાગવત કથા મહોત્સવનું આયોજન ઉનાઈ માતા મંદિર પરિસરમાં ધામધૂમપૂર્વક ચાલી રહ્યું છે. કથાના સંચાલન અને વ્યવસ્થાપનમાં સ્થાનિક સેવક મંડળના સક્રિય સભ્યો કાર્યરત રહ્યા છે. કથાના ત્રીજા દિવસના યજમાન તરીકે GJ દેશી ન્યુઝ અને વોઇસ ઓફ આદિવાસીના એડિટર શૈલેશભાઈ પટેલના પરિવારે ભાગવત યજ્ઞનો દૈનિક મનોરથ સંપન્ન કર્યો હતો. તેમની ભક્તિભાવપૂર્ણ સેવા અને યજ્ઞમાં આપેલ યોગદાનની સર્વત્ર પ્રશંસા થઈ હતી.

પ્રફુલભાઈ શુક્લે પોતાના પ્રવચન દરમિયાન સમજાવ્યું કે માનવજીવનનું સાચું સૌંદર્ય ભક્તિમાં છે. ભક્તિ એ એવી શક્તિ છે, જે માણસને પરમાત્મા સાથે જોડે છે. જ્યારે ભક્ત મનથી ભગવાનને અર્પણ થઈ જાય છે, ત્યારે ભગવાન તેના જીવનનું માર્ગદર્શન કરે છે. ભગવાનની ભક્તિથી જ મનની શાંતિ, આધ્યાત્મિક આનંદ અને સાચું સુખ પ્રાપ્ત થાય છે.

કથાના અંતે સૌ ભક્તોએ સમૂહ આરતીમાં ભાગ લીધો હતો અને પરમાત્માના ચરણોમાં શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી.

આવતીકાલે, બુધવારે કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભક્તિ અને આનંદભેર ઉજવવામાં આવશે. સમગ્ર ઉનાઈ અને આસપાસના ભક્તોને આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે – પ્રફુલભાઈ શુક્લ
Comment

Your email address will not be published. Required fields are marked *