થોભો, રાહ જુઓ ને ટકાઉ માણસ બનો
માતા પિતાઓ સામાન્ય રીતે એવું માનતા થઈ ગયાં છે કે તેમના સંતાનો જે માંગે તે આપી શકવાની તેમની સધ્ધરતા છે એટલે તેઓ સારાં માબાપ કહેવાય.
‘અમારાં છોકરાંને અમે કોઈ ચીજની ખોટ પડવા દીધી નથી. એ જે માંગે તે આપ્યું છે.’આવું બોલતાં-બોલતાં તો માતાપિતાની આંખમાં સફળતા અને ગર્વની ખુમારી રેલાવા માંડે.ને જો આવી વાત સાંભળનાર કોઈ એવાં માતાપિતા હોય કે તેઓ પોતાનાં સંતાનોની હર એક માંગને પહોંચી વળે તેમ ન હોય તો તેઓ શર્મિંદા થઈ આંખ ઢાળી દે છે. તમે કયા પ્રકારનાં માબાપ છો? અથવા તમે હજુ અભ્યાસ કરનાર વિદ્યાર્થી હો તો કહો કે તમારાં માતાપિતા ઉપરોક્ત બે પ્રકારમાંથી કેવાં છે ?
મારે કહેવાનું એ છે કે જો તમે માબાપ હો તો તમારાં સંતાનોને થોડું ટટળાવતાં શીખો.
અમુક વસ્તુ કે સુવિધા વગર ચલાવી લેવાની કે તેના આછાપાતળા વિકલ્પથી કામ કરી લેવાની સ્થિતિ ઊભી કરી આપો.બાળકને જે એકદમ અનિવાર્ય અને તાત્કાલિક લાગતું હોય તેવી બાબતોમાં થોડું મોડું થાય તેવી ગોઠવણ ખાસ કરો.દા.ત.સ્કૂલેથી આવીને બાળક કહે કે,’મારી સ્કૂલબેગ ફાટી ગઈ છે.હવે નવી બેગ લેવા આજે જ જવું છે. અથવા તો મારે ચિત્રપોથી લેવી છે, કાલે જ એક ચિત્ર દોરીને લઈ જવાનું છે.જો નહીં લઈ જાઉં તો શિક્ષક બહુ જ ગુસ્સે થાય તેવા છે.’ આવી માંગણીઓને તરત જ સંતોષવાને બદલે એને શાંતિથી, પ્રેમથી સમજાવીને કહો કે,’હા,સ્કુલબેગ નવી લઈશું જ પણ આ બેગ રિપેર થતી હોય તો કરાવી લઈએ. અથવા હમણાં થોડા દિવસ તું અગાઉની જૂની બેગ કે બીજો કોઈ સાદો ખભે લટકાવવાનો થેલો લઈને જજે. તને થોડીક મુશ્કેલી પડશે પણ તાત્કાલિક કે એકાદ અઠવાડિયામાં નવી બેગ લઈ આવવાનો વિચાર નથી.’ બાળકને ગુસ્સો આવશે, રડશે, થોડી કચકચ કરશે, સંભળાવશે. પણ મચક ના આપશો. એકાદ બે કલાક પછી કે રાત્રે તમે જ આ મુદ્દો કાઢીને કહો કે તારી ચલાવી લેવાની શક્તિ કેટલી છે તે મારે જોવું-સમજવું હતું. આવો સંવાદ બરાબર માંડજો. પોતાની માંગણીઓને રોકી રાખવી, તેમ કરવાથી તેના કારણે ઊભા થતા માનસિક આવેગો અને વિચારોનો ઊંડે ઊંડે અનુભવ કરવાની શક્યતા એમાંથી ઊભી થાય છે.પોતાની લાગણીઓને રોકી રાખવાની ને એનો સાક્ષાત્કાર કરવાની તક નાનપણથી ન મળે તો વ્યક્તિ પર વસ્તુઓ અને સુવિધાઓ સવાર થઈ જાય છે.
વ્યક્તિ પર વસ્તુઓ રાજ કરે છે, વ્યક્તિ ગુલામ બની જાય છે. અને તેથી ભવિષ્યમાં પોતાને જોઈતી ગમતી ઈચ્છિત વસ્તુઓ કે સુવિધાઓ નહીં મળે તો ખૂબ જ હતાશા અને નિષ્ફળતા અનુભવવા માંડશે.તેમજ તે પોતાને અને પોતાના સંતાનને બધી જ સાધન સુવિધાઓ મળે તે માટે એક્સ્ટ્રા કામ કરશે કે ખોટા માર્ગે પૈસા બનાવવાનું શરૂ કરી દેશે. તમે તમારી આજુબાજુ એવા ઘણા લોકો જોતા હશો કે જેઓ સંતાનો માટે ગમે તે કરી છૂટવા તૈયાર હોય અથવા તો ઘરના લોકોને સુખી રાખવા ને જલસા કરાવવા બીજી આવક તો શોધવી પડે ને? એવું બોલતા-માનતા હોય.
સંશોધન એવાં પણ છે કે નાનપણમાં ઓછી વસ્તુ કે સુવિધાથી ચલાવી લેનાર લોકોનો E.Q.- સાવેગિક બુદ્ધિઆક (Emotional Quotient)વધારે હોય છે. તેઓને હતાશા ઓછી આવે, આત્મહત્યાના વિચારો ન આવે અને તેઓ નિષ્ફળતાનો સામનો સ્વસ્થતાથી કરી શકે છે. તે ઉપરાંત વસ્તુ સુવિધાના અભાવમાં કઈ રીતે ચલાવી લેવું તેનો ઉકેલ શોધવાથી તેઓમાં પ્રોબ્લેમસોલ્વિગ- સમસ્યાઉકેલ ક્ષમતાનો વધારો થાય છે.તેમનામાં સૂઝ,કોઠાસૂઝ અને વૈકલ્પિક વિચારણાનો પણ વિકાસ થાય છે.
તમે પૈસાદાર હો તો તેનો ગેરલાભ તમારાં સંતાનોને ન મળે તેની કાળજી લેવા માટે પણ તેમને થોડું ટટળાવજો જેથી તેઓ માનસિક રીતે નબળાં ન થઈ જાય.ને જો તમે મધ્યમવર્ગના હો તો વધારાના ઢસરડા કરીને કે કંઈ આડુઅવળું ફિક્સિંગ કરીને તમારાં સંતાનોને ખુશ કરવાનો નુકસાનકારક પ્રયત્ન ન કરશો.
ઉત્ક્રાંતિની આગેકૂચમાં એ જ જીવોને સ્થાન મળ્યું છે કે જેમને કંઈક ઓછું કે મોડું મળતું હતું અથવા મેળવવા માટે હાડમારી વેઠવી પડી હતી. જે જીવોને જોઈતું બધું જ મળતું રહ્યું એ આજે જોવા મળતા નથી.