
– ક્રિસમસ પહેલા પર્યટક દેશમાં નિયમો બદલાયા
– પ્રતિબંધિત સમયે કોઇ દારૂનું સેવન કરતા ઝડપાય તો રૂ. 27 હજારનો દંડ ફટકારાશે
બેંગકોક: ભારતીયો માટે નજીકના પર્યટન દેશોમાં થાઇલેન્ડનો પણ સમાવેશ થાય છે. જોકે ક્રિસમસ નજીક આવી રહી છે એવામાં થાઇલેન્ડે દારૂનું સેવન કરવાના નિયમો બદલ્યા છે. હવેથી થાઇલેન્ડમાં બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન જાહેરમાં દારુ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
થાઇલેન્ડે ક્રિસમસ પહેલા નિયમો બદલ્યા છે, આ નિયમો પર્યટકો અને સ્થાનિકો બન્નેને લાગુ રહેશે. થાઇલેન્ડમાં જો કોઇ વ્યક્તિ જાહેરમાં બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન દારુનું સેવન કરતા ઝડપાયો તો તેને સ્થાનિક કરંસી મુજબ ૧૦,૦૦૦ અને ભારતીય રકમ મુજબ આશરે ૨૭ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
નિયમ મુજબ જો કોઇએ બપોરે ૧.૫૯ વાગ્યે બીયર ખરીદી હોય અને તેને ૨.૦૫ વાગ્યે પીવે તો પણ નિયમોનો ભંગ ગણાશે. જોકે થાઇલેન્ડ સરકારના આ નિર્ણયને કારણે રેસ્ટોરંટના માલિકોની મુશ્કેલી વધી શકે છે. કેમ કે મોટાભાગના પર્યટકો બપોરના ભોજનની સાથે બીયર કે અન્ય નશીલો પદાર્થ પીવાનું પસંદ કરતા હોય છે.
થાઇલેન્ડમાં અત્યાર સુધી બપોરથી સાંજ સુધી દારુ વેચવા પર પ્રતિબંધ હતો જ હવે તેના પીવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે પર્યટકો કે સ્થાનિકો રાત્રે અથવા બપોર પહેલા દારુનું સેવન કરી શકે છે.