1. News
  2. News
  3. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોલીસની મોટી કાર્યવાહી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા, USની નાગરિકોને એડવાઈઝરી

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોલીસની મોટી કાર્યવાહી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા, USની નાગરિકોને એડવાઈઝરી

Share

Share This Post

or copy the link

Car Blast In Delhi’s Red Fort : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે. ઘટનામાં આઠ લોકોના મોત અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. બીજીતરફ I-20 કાર માલિકીની અટકાયત કરવામાં આવી છે.

DELHI BLAST LIVE UPDATES :

બદરપુર બોર્ડથી દિલ્હીમાં એન્ટર થઇ હતી હુમલામાં વપરાયેલી કાર

દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી i20 કાર અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશી હતી. પોલીસ કારનું CCTV મેપિંગ કરી રહી છે.

દિલ્હીમાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાંના સવારના દૃશ્યો

દિલ્હીમાં ગત રાત્રિએ કારમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ એફએસએલ અને સુરક્ષાદળોની ટીમ વહેલી સવારે તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી પુરાવાઓ એકઠાં કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોલીસની મોટી કાર્યવાહી, UAPA અને BNSની કલમો હેઠળ કેસ દાખલ

રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ UAPA, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે UAPA, વિસ્ફોટક અધિનિયમ અને BNS ની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

દિલ્હી બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

દિલ્હી બ્લાસ્ટને પગલે અમેરિકાના દૂતાવાસે ભારતમાં રહેતા તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી હતી. દૂતાવાસે તેની વેબસાઈટ પર જણાવ્યું કે 10 નવેમ્બર 2025 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાં અનેક લોકોના ઘાયલ અને મોતની જાણકારી મળી છે. હાલ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. અમારી નાગરિકોને સલાહ છે કે તે લાલ કિલ્લા, ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહે અને સ્થાનિક મીડિયા દ્વારા સતત અપડેટ મેળવતા રહે અને સાવચેત રહે.

બ્લાસ્ટના થોડીવાર પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

દિલ્હી બ્લાસ્ટની ઘટનાના થોડીવાર પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક i20 કાર ટ્રાફિકમાંથી પસાર થતી દેખાઈ રહી છે. કારની અંદર જે વ્યક્તિ બેઠો છે તે આતંકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેણે કાળા રંગનો માસ્ક પહેર્યો હોય તેવું લાગે છે. આ સીસીટીવી ફૂટેજ બ્લાસ્ટમાં મહત્ત્વપૂર્ણ કડી સાબિત થઇ શકે છે. આ કાર ચાલક ડૉ. ઉમર મોહમ્મદ હોવાનું કહેવાઈ રહ્યું છે જે ડ્રાઈવિંગ સીટ પર બ્લેક માસ્ક પહેરીને બેઠો હતો.

I-20 કારના માલિક સલમાનની અટકાયત

વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે, તે I-20 કાર સલમાન નામના વ્યક્તિના નામે નોંધાયેલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર માલિક સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન સલમાને કહ્યું છે કે, તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર હરિયાણાની HR નંબરની હતી, જેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં ગુરુગ્રામના સરનામે થયું હતું. સફેદ રંગની આ કારમાં CNG કીટ લાગેલી હતી. પોલીસ હવે RTOના રેકોર્ડ્સ દ્વારા કારના વેચાણ અને ટ્રાન્સફરની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે વિસ્ફોટ સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો હાલનો સાચો માલિક કોણ છે.

ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

તમામ એંગલથી તપાસ કરાશે, આઠના મોત : ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા કહ્યું, કે ‘હ્યુન્ડાઈ i20 કારમાં સાંજના 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ. અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આવતીકાલે ગૃહમંત્રાલયમાં હાઈલેવલ મીટિંગ

અમિત શાહે વધુમાં કહ્યું, કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA ટીમ, SPG ટીમ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આવતીકાલે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

શું દિલ્હીમાં બ્લાસ્ટ આતંકવાદી ઘટના હતી?

આ બ્લાસ્ટ આતંકવાદી ઘટના છે કે નહીં તે અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું, કે અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ઘટનાસ્થળથી લેવામાં આવેલા સેમ્પલની FSL અને NSG દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી કશું પણ કહેવું અઘરું છે.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે એક્સ પર શોક વ્યક્ત કરતાં કહ્યું, કે ‘આજે સાંજે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં પરિજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. મેં ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય અધિકારીઓ પાસે જાણકારી મેળવી સ્થિતિની સમીક્ષા કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી હોસ્પિટલ પહોંચ્યા

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ LNJP હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર પૂછ્યા.

રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતાં કહ્યું, કે ‘દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટના સમાચાર અત્યંત દુ:ખદ અને ચિંતાજનક છે. દુ:ખના સમયમાં હું પરિજનોને ગુમાવનારા પરિવાર સાથે ઊભો છું અને સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.’

કેજરીવાલે તપાસની માંગ કરી

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કરતાં કહ્યું, કે ‘લાલ કિલ્લા પાસે બ્લાસ્ટના સમાચાર અત્યંત ચિંતાજનક છે. પોલીસ અને સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે બ્લાસ્ટ કેવી રીતે થયો અને આ બ્લાસ્ટ પાછળ કોઈ કાવતરું છે કે નહીં. દિલ્હીની સુરક્ષામાં બેદરકારી સાંખી ન શકાય.’

દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું, કે આજે સાંજે 6.52 વાગ્યે ધીમી ગતિથી આવતી એક ગાડી રેડ લાઈટ પર ઊભો રહી અને તે બાદ તેમાં બ્લાસ્ટ થયો. આસપાસની ગાડીઓને પણ નુકસાન થયું. NIA સહિતની તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી છે. મેં ગૃહમંત્રી સાથે પણ સમગ્ર ઘટના અંગે વાત કરી છે.

દિલ્હીમાં અનેક સ્થળો પર તપાસ શરૂ

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે દિલ્હીમાં અનેક સ્થળો પર દરોડા શરૂ કર્યા છે. કાર બ્લાસ્ટ થતાં 200 મીટર સુધીની ગાડીઓમાં આગ લાગી હતી. અનેક સ્થળો પર તપાસ શરૂ કરી દેવાઈ છે. દિલ્હીમાં જે સ્થળે બ્લાસ્ટ થયો તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. NIA અને NSGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ પણ ઈજાગ્રસ્તોને લઈને ઍમ્બ્યુલન્સ LNJP હોસ્પિટલ પહોંચી રહી છે.

અનેક રાજ્યોમાં હાઈઍલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી પાસે બ્લાસ્ટની અંગે જાણકારી મેળવી છે. બ્લાસ્ટ બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસને હાઈઍલર્ટ કરી દેવાઈ છે.

દિલ્હીના ફાયર વિભાગે સત્તાવાર જાણકારી આપતાં કહ્યું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે કારમાં બ્લાસ્ટનો કોલ આવ્યો હતો. જે બાદ ત્રણથી ચાર અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી ગયા. ફાયર વિભાગની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.

સમગ્ર દિલ્હીમાં હાઇઍલર્ટ:

લાલ કિલ્લા પાસે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર

લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોલીસની મોટી કાર્યવાહી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા, USની નાગરિકોને એડવાઈઝરી
Comment

Your email address will not be published. Required fields are marked *