
- કોલક નદી પર રૂ. ૧૫.૬૦ કરોડના ખર્ચે મેજર બ્રિજ નિર્માણ અને રૂ.૧ કરોડના ખર્ચે અરનાલા સામરપાડા રોડનું રિસર્ફેસિંગ થશે
- પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચ્યું છે – નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નાનાપોઢા તાલુકાના અરનાલા ખાતે રૂ. ૧૬.૬૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજ અને રોડ રિસર્ફેસિંગના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. ધગડમાળ – અરનાલા – પાટી – સુખાલા રોડ કોલક નદી પર રૂ. ૧૫.૬૦ કરોડના ખર્ચે મેજર માર્ગ મકાન વિભાગ (પંચાયત) હસ્તક નિર્માણ થશે તેમજ રૂ. ૧ કરોડના ખર્ચે અરનાલા સામરપાડા રોડનું રિસર્ફેસિંગ કાર્ય પણ કરવામાં આવશે. આ બન્ને કાર્યો થવાથી આસપાસના ગામોના અનેક લોકોને અવરજવરમાં રાહત થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી વિકાસની રાજનિતીની શરૂઆત કરી છે. તેમણે સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૪થી ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. તેમજ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની પણ શરૂઆત કરાવી હતી. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો પ્રગતિમાં છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દેશનું પ્રતિનિધિત્વ સંભાળ્યું ત્યારથી ભારતનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમાં સ્થાનેથી હવે ચોથા સ્થાને પહોંચ્યું છે.
કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તેમજ માર્ગ મકાન વિભાગ (પંચાયત)ના કાર્ય પાલક ઈજનેર ભાવેશ પટેલે ખાતમુહૂર્ત થયેલા કાર્યોની રૂપરેખા આપી હતી.આભર વિધી શૈલેષભાઇ પટેલે કરી હતી.
કાર્યક્રમમાં પ્રમુખજિલ્લા પંચાયત વલસાડ મનહરભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, પારડી ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ,નિવૃત્ત અધિક કલેક્ટર જે.ડી. પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઇ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય શૈલેષભાઇ પટેલ, રાજુભાઇ આહીર, અરનાલા સરપંચ સરિતાબેન પટેલ,ગામના અગ્રણી ઓ અસ્પીભાઈ શેઠ,રોહિનભાઈ સૂઈ, રાજુભાઇ આહીર, ફરામભાઇ સૂઈ, વિપુલભાઈ ભોયા, રમેશભાઈ ગાવીત,જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, અરનાલા અને આસપાસના ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















