
કપરાડાના રૂ. ૬.૮૫ કરોડના કુલ ૯.૩ કિમીના ત્રણ રસ્તા કામોનું ખાતમુહૂર્ત
આદિવાસી ક્ષેત્રનો સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્વ – મંત્રીશ્રી કનુભાઈ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડા તાલુકામાં કપરાડા પંચાયત માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગ કચેરીનું આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ તેમજ પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કપરાડા તાલુકામાં રૂ. ૬.૮૫ કરોડના ખર્ચે તૈયાર થનારા ૯.૩ કિમીના કુલ ત્રણ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

માર્ગ મકાન કચેરીના લોકાર્પણ અવસરે અભિનંદન પાઠવી નાણાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી માત્ર વિકાસની રાજનીતિ જ કરી છે.આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્વ હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે, આદિવાસી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અલાયદા બજેટ અંતર્ગત વનબંધુ કલ્યાણ યોજના પણ અમલી બનાવી હતી. આ વિસ્તારોમાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે આદિજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રે ખ્યાતિ મેળવનારા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું છે. સાથે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી ક્ષેત્રમાં બે લાખ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે.

આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપરાડા તાલુકામાં સરકારી સેવાને વધુ સુગમ, સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે કચેરીની સ્થાપના થવાથી લોકોની મુશ્કેલીઓઓ દૂર થશે સાથે વિકાસની ગતિ વધુ તેજ બનશે. કપરાડા તાલુકામાં કુલ ૧૪૦૭.૧૨ કી.મીના ૪૮૧ રસ્તાઓ છે. રસ્તા અને પુલોના કોઈ પણ કામ માટે ધરમપુરની પેટા વિભાગીય કચેરીએ જવું પડતું હતું. કપરાડા તાલુકાને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગીય કચેરી ફાળવતા કામગીરીમાં વહીવટી સરળતા રહેશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે અનેક સક્રિય પ્રયત્નો કરી રહી છે. કપરાડા મોડલ તાલુકો કેવી રીતે બને તે દિશામાં પણ અનેક કાર્યો થઈ રહ્યા છે.
કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ નવી કચેરીના નિર્માણ બદલ અભિનંદન પાઠવી, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સદાય તત્પર રહેશે એમ, પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું . માર્ગ મકાન વિભાગ (પંચાયત) નાયબ કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલે સ્વાગત પ્રવચન અને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હિરાબેન માહલા , પ્રાંત અધિકારી ધરમપુર, કપરાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ ભરતભાઇ જાદવ, કપરાડા વિધાન સભા બી એલ એ- 1 જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો ગુલાબભાઈ રાઉત, દક્ષાબેન ગાયકવાડ, મિનાક્ષીબેન ગાંગોડા, તાલુકા પંચાયત સદસ્યો,ભાજપના અગ્રણીઓ, સરપંચો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.