“એક કર્મચારી – એક રક્તદાતા” ના સૂત્ર સાથે માનવતાનું મહાયજ્ઞ
વલસાડ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના નેતૃત્વમાં તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વિશાળ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ અભિયાનને વિશેષરૂપે “ચાલો નાનાપોંઢા – નમો કે નામ રક્તદાન” નામ આપવામાં આવ્યું છે.
📍 સ્થળ: એન.આર. રાઉત હાઈસ્કુલ, નાનાપોંઢા
📅 તારીખ: મંગળવાર, 16-09-2025
⏰ સમય: સવારે 08:30 કલાકે
આ રક્તદાન મહાયજ્ઞનો મુખ્ય હેતુ સમાજના અજ્ઞાત દર્દીઓને જીવનદાન આપવાનો છે. સિકલસેલ, થેલેસેમિયા, હિમોફીલિયા જેવા દર્દીઓ, ઓપરેશન દરમ્યાન તેમજ સગર્ભા સ્ત્રીઓમાં પ્રસુતિ સમયે રક્તની ભારે જરૂરિયાત ઉભી થાય છે. આવા સમયે મળતું રક્ત અનેક જીવોને બચાવે છે. આ કારણે રક્તદાનને “મહાદાન” કહેવાય છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, કપરાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ, આરોગ્ય કર્મચારી મંડળ, મહેસુલ વિભાગ, પંચાયત વર્ગ મંડળ, શાળા સંચાલક મંડળ સહિતના મંડળો અને સંઘો જોડાયા છે. સાથે સાથે સંયુક્ત મોરચા સાથે જોડાયેલા શૈક્ષણીક, સહકારી તથા સેવાભાવી સંસ્થાઓને પણ સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
જાહેર અપીલ કરવામાં આવી છે કે દરેક કર્મચારી ફરજીયાત એક રક્તદાતા સાથે આ મહાયજ્ઞમાં જોડાય. કર્મચારી માટે આ માત્ર ફરજ જ નહીં પરંતુ માનવતા પ્રત્યેનો પવિત્ર કર્તવ્ય છે.
આ અભિયાન દ્વારા વલસાડ જિલ્લાના ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય પૂરી પાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.