જરૂરીયાતમંદોની સેવા કરી વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈએ અનોખી રીતે ૬૦મો જન્મદિવસ ઉજવ્યો.
બીનવાડામાં સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં જરૂરીયાતમંદ ૯ લાભાર્થીઓને સિલાઈ મશીન, વ્હીલચેર અને રોજીરોટી માટે કેબિન આપી મદદરૂપ થયા.
- જરૂરીયાતમંદોને ઉપયોગી થઈએ એ જ જીવનમાં સાચી સેવા છેઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ.
- ઉમિયા સોશિયલ ગૃપે પણ પ્રેરણા લઈ જરૂરીયાતમંદો માટે સ્વનિર્ભર પ્રોજેક્ટ શરૂ કર્યોઃ કેપ્ટન અશોકભાઈ પટેલ.
- પત્રકાર કયારેય નિવૃત્ત થતો નથી, સેવાકીય કાર્યો કરવાથી તેનુ મન વધુ મક્કમ બને છેઃ ઉત્પલભાઈ દેસાઈ.
વલસાડ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને સંદેશના બ્યુરોચીફ ઉત્પલભાઈ દેસાઈએ પોતાના ૬૦માં જન્મ દિવસની અનોખી ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી હતી. ધર્મપત્ની વૈશાલીબેન દેસાઈ અને પરિવારના સભ્યો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિ રહ્યા હતા.
વલસાડ તાલુકાના બીનવાડા ગામમાં સંકટ મોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જરૂરીયાતમંદોને ૬ સિલાઈ મશીન બે વ્હીલ ચેર અને એક કેબિનનું વિતરણ કરી ઉત્પલભાઈએ સેવાની મહેક પ્રસરાવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું કે, ‘‘જનસેવા એ જ પ્રભુ સેવા’’ છે. આપણે જરૂરીયાતમંદ લોકોને ઉપયોગી થઈએ જ સાચી સેવા છે. જે ઉત્પલભાઈ છેલ્લા ૨૬ વર્ષથી કરી રહ્યા છે. તેમના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા લીધી છે. વિધવા અને નિરાધાર મહિલાઓને આવાસ હોય કે, ગરીબ બાળકોને ભણવામાં મદદ હોય કે, સ્વરોજગારીના સાધનો અને કીટનું વિતરણ કરી લોકોને રોજગારી આપી સ્વનિર્ભર બનાવવાની ઉત્પલભાઈની સેવાકીય પ્રવૃત્તિની મહેક સમગ્ર પંથકમાં પ્રસરી છે. ત્યારે તેઓ તંદુરસ્ત, દીર્ઘાયુ અને આનંદમય જીવન જીવે એવી શુભેચ્છા પાઠવુ છું.
વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્પલભાઈ જે રીતે પોતાના જન્મદિવસે જરૂરીયાતમંદોને મદદરૂપ થઈ સ્વનિર્ભર બનાવી રહ્યા છે તેમાંથી અમે પણ પ્રેરણા લઈ ઉમિયા સોશિયલ ગૃપના દરેક સભ્ય અથવા તેમના પરિવારના સભ્યના જન્મ દિવસે જરૂરીયાતમંદોને રોજગાર આપવા માટે સ્વનિર્ભર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પોતાના માટે તો બધા જ જીવતા હોય છે પરંતુ અન્ય લોકો માટે જે મદદરૂપ થાય તેનું જીવન સાચા અર્થમાં સાર્થક થયું કહેવાય. જેની મિશાલ ઉત્પલભાઈએ પુરી પાડી પત્રકાર જગતમાં નવો ચીલો ચાલુ કર્યો છે.
વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈએ જણાવ્યું કે, સેવાકીય પ્રવૃત્તિની પ્રેરણા મને મારા માતાપિતા તરફથી વારસામાં મળી છે. સેવાના કાર્યો કરવાથી આનંદ તો મળે જ છે સાથે મન પણ મક્કમ બને છે જેનાથી અનેક સેવાકીય કાર્યો કરવાનું બળ મળે છે. હકીકતમાં જોઈએ તો પત્રકાર કયારેય નિવૃત્ત થતો નથી. ૬૦ વર્ષ બાદ પણ તે પોતાની કલમથી સમાજની સેવા નિરંતર કરતો રહે છે. અનેક જરૂરીયાતમંદો કે જેઓ માંગીને જીવે એના કરતા પગભર થઈને ખુમારી સાથે જીવન જીવે તે માટે તેઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આ સેવાયજ્ઞ વર્ષ ૧૯૯૭થી ચલાવી રહ્યો છું. અનેક લોકોને પગભર થયેલા જોઈને આનંદ અનુભવુ છું.
સ્વાગત પ્રવચન મહારાજ જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલુભાઈ શુકલાએ વેદ મંત્રોચ્ચાર સાથે કરી ઉત્પલભાઈને જન્મદિવસે આશીષ વચન આપી તેમના સેવાયજ્ઞને બિરદાવ્યો હતો. આ પ્રસંગે બીનવાડા ગામના શ્રી સાઈનાથ સેવાભાવી મંડળના પ્રમુખ યોગેશભાઈ ઉર્ફે યોગીભાઈ પટેલ, પત્રકાર મિત્રો ફિરોઝ સિંધી, બ્રિજેશ પાંડે, કમલેશ હરિયાવાલા, કાદર હાસમાની, નિેલેશભાઈ મોદી, દિવ્યેશ પાંડે- અરૂણા પાંડે,મયુર જોષી, કેયુર મિસ્ત્રી, સરોધી ગામના સામાજિક કાર્યકર રાજેશભાઈ પટેલ, હારૂનભાઈ સોલંકી, પાથરી દત્ત મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઈ દેસાઈ, અંગીરષભાઈ દેસાઈ, અનાવિલ સમાજના અગ્રણી ભાસિન દેસાઈ, જિલ્લા માહિતી કચેરીના અક્ષય દેસાઈ, જિજ્ઞેશ સોલંકી અને મહેશ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૭થી શ્રી ઉત્પલભાઈ દેસાઈ પોતાના જન્મ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિની સુવાસ પ્રસરાવી કરી રહ્યા છે. આ વર્ષો દરમિયાન તેમણે અનેક લોકોને રોજગારીના સાધનો, 4 વિધવા મહિલાઓને સ્વખર્ચે આવાસ બનાવી આપ્યા, ગરીબ બાળકોની સ્કૂલ ફી- રમત ગમતના સાધનો, છેલ્લા ૭ વર્ષથી દર મહિને જરૂરીયાતમંદોને અનાજની કીટ અને મેડિકલ સહાય તેમજ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલચેર સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી તેઓના જીવનમાં ખુશી રેલાવી સાંપ્રત સમયમાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે.
ધરમપુરની મહિલાને કેબિન બાદ હવે સિલાઈ મશીન મળતા પરિવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બન્યા.
ધરમપુરના સમાજ સેવક પૂર્વજા ઋષિત મસરાણીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧માં ઉત્પલભાઈએ એમના જન્મ દિવસે જરૂરીયાતમંદ વર્ષાબેનને એક કેબીન આપી હતી. જેમાં તેઓ ટામેટા વેચી બે દીકરાને ભણાવી રહ્યા છે. સાથે તેઓએ સિલાઈ કામ પણ શીખી લેતા તેમને મશીનની જરૂર હતી તે પણ આજે ઉત્પલભાઈએ આપતા હવે વર્ષાબેન વધુ મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ બન્યા છે. ઉત્પલભાઈની મદદથી આજે અનેક પરિવારો છે કે જેઓ આત્મનિર્ભર બની જીવન જીવી રહ્યા છે. તેમનું જીવન ખરેખર અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે.
લાભાર્થીઓની યાદી.
સિલાઈ મશીનના લાભાર્થીઓમાં (૧) વર્ષાબેન મેરાઈ ઉ.વ. ૪૦, (૨) દર્શના પટેલ ઉ.વ. ૩૦, (૩) જેની ટેલર ઉ.વ. ૨૫ (૪) મોહિની પટેલ ઉ.વ. ૨૮ અને (૫) ચેતના મેરાઇ ઉ.વ.૪૨ (તમામ રહે. ધરમપુર)નો સમાવેશ થાય છે. જ્યારે વ્હીલચેરના લાભાર્થીમાં ગીતાબેન કિશોરભાઈ પટેલ (ઉ.વ.૬૦) રહે. લીમડા ચોક, ભોમાપારડી અને પ્રાંશુ ઉપાધ્યાય ખુશવા (ઉ.વ. ૧૨) રહે. તિથલ રોડ, વલસાડનો સમાવેશ થાય છે. જ્યારે વિમલ અશોકભાઈ નાયકા કેબિનના લાભાર્થી છે.