
- ધર્મપૂર્વી સંસ્કૃતિ એટલે કે જ્યારે ધર્મના હતા તે પહેલાથી ચાલતી આવતી પૂજા વિધિ, રીત રિવાજ, જીવન જીવવાની શૈલી એટલે આદિવાસી સંસ્કૃતિ.
- આદિવાસી સમાજે પ્રકૃતિનું જતન કર્યું છે અને વિશ્વને બચાવવું હોય તો કાલ્પનિક રીત રિવાજ છોડી વાસ્તવિક જીવનમાં જે પ્રકૃતીનાં રીત રિવાજ છે
દરેક સંસ્કૃતીની એક વિરાસત હોય છે અને એ વિરાસત નો વારસો એટલે સંસ્કૃતિ. પ્રકૃતિનો અપરંપાર મહિમા વર્ણવતો વારસો એટલે આદિવાસી સંસ્કૃતિ. આ સંસ્કૃતિના અવશેષો એટલે જીવતી જાગતી આંખો વડે પ્રત્યક્ષ અનુભવ કરાવડાવે એવી સુંદર આદિવાસી ઓનાં દેવ સ્થાનક,જયાં કોઈ પણ પ્રકારની દેખા દેખી બાહ્ય આડંબરની ગતિ વિધી જોવા મળતી નથી. ખૂબજ સહજ અને સાદગી જોવા મળે છે. એટલા માટે જ આજે આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય પ્રાકૃતિક અને સાંસ્ક્રુતિક વારસાની વિરાસત આજે લુપ્ત થતી જતી હોય એવું કેટલેક અંશે જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. યુવા પેઢીને આજે કુદરતી પ્રકૃતિની ભવ્યતા જોવાની દ્રષ્ટિ કેળવાતી નથી. એમને માટે ભવ્ય મંદિર હોય, ઝાંખમ ઝોળ નજારો હોય મોજ મજા માણી આનંદ ઉત્સવ ઉજવાય એવા તહેવારો ગમે છે.
આદિવાસી તહેવારો અને દેવસ્થાનોનો પ્રચાર પ્રસાર થયો નથી કે પ્રચાર પ્રસારમાં આદિવાસી સમાજ માનતો નથી એટલા માટે આજે આ ભવ્ય દૈવી સાંસ્ક્રુતિક વારસો લુપ્ત થઈ રહ્યો છે.
આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતી જ સર્વસ્વ છે.અને તેમના માટે પ્રકૃતીજ ભગવાન છે. અને એટલા માટે પ્રકૃતિથીજ નિર્મિત અને -કૃતિનું જ યશ ગાન ગાતા એમના દેવસ્થાનો છે.જે દેવસ્થાનોમાં મુખ્યત્વે હિ૨વા દેવ,નારણ દેવ, બ૨મદેવ, માવલી માતા, ભોવાની માતા, હનવત દેવ, ગોવાળ દેવ,અન્ન ધાન્ય ની દેવી કણી કંસરી, પશુ પક્ષી ધન ધાન્યની દેવી ઇહમાય કોઠારીન, અને પિતૃ દેવની પિઢી ,જેમાં મુજે દેવ, બહેરામ દેવ, ખંડેરાવ, હનવત દેવ અને ભોવાની અથવા તો પિતૃદેવના પાળિયા જોવા મળે છે.આ બધા દેવો તેમનાં પ્રથમ આરાધ્ય દેવી દેવતા છે. અને એ બધા દેવોના મહિમા મંડનમાં પ્રકૃતિ આધારિત જ કથાઓ છે. અને એ દેવકથા ભગત ભૂવાઓ ગાય છે.
આદિવાસી સમાજને સામન્ય રીતે અંધશ્રદ્ધા વહેમ અને અજ્ઞાનતા વશ પૂજા વિધિ કરતો સમાજ, ખાતો પીતો સમાજ માનવામાં આવે છે.અને કેટલાક આદિવાસી સમાજના લોકોએ માની પણ લીધું છે.પરંતુ સાવ એવું નથી આ બધી પરંપરા એમની ઓળખ છે. એ વિધી
વિધાન કરે છે એ ખૂબ ૨હસ્યમય શક્તિ ઉપાસના છે. આ રીત રિવાજ સાથે એ જળ જંગલને જમીન સાથે જોડાયેલો રહે છે.એ આસ્થા અને શ્રદ્ધાનાં દેવસ્થાનો એમની ઓળખ બની છે. એમના કારણે આદિવાસી સમાજે પ્રકૃતિનું જતન કર્યું છે અને વિશ્વને બચાવવું હોય તો કાલ્પનિક રીત રિવાજ છોડી વાસ્તવિક જીવનમાં જે પ્રકૃતીનાં રીત રિવાજ છે તે જાળવવા પડશે.
જે આ આદિવાસી સમાજ પોતાની પરંપરા જાળવીને વિશ્વ સમુદાયને સંદેશો આપી રહ્યો છે.આ આદિવાસી દેવ સ્થાનકની પૂજા કરવા માટે દ૨૨ોજ નહિ પરંતુ વાર તહેવારે વ૨સે અથવા તો દર પાંચ દસ વર્ષે અનુકૂળતા એ એની પૂજા વિધિ કરવામાં આવે છે અને આ પૂજા વિધિ કરવાનો આશય ઘરમાં ગામમાં સુખ શાંતિ રહે ગામમાં ખેતીવાડી સમૃદ્ધ બને પશુ પક્ષી નિરોગી રહે એવા આશય સાથે પૂજા કરવામાં આવે છે. જેથી ના૨ણ દેવના આ સ્થાનકને ગાવદેવ અને ભોવાનીનાં સ્થાનકને ગાવદેવી તરીકે પણ પ્રકૃતિનો મુખ્ય દેવ એટલે નારણદેવ અથવા પાનદેવ કહેવામાં આવ્યો છે.
ઓળખવામાં આવે છે.
સામન્ય રીતે બરમદેવ ની પૂજા અર્ચના ઘર કુટુંબ પ્રમાણે કરાતી જોવા મળે છે. પાળિયા, ચેડા, પણ વ્યક્તિ ઘર કુટુંબનાં સભ્યો પૂજા અર્ચના કરતા જોવા મળે છે. પીઢી પિતૃ દેવોની પૂજા અર્ચના પણ ઘર કુટુંબ પ્રમાણે કરાતી હોય છે. પરંતુ ભોવાનીમાતા અથવા નારણદેવ-
ગાવદેવની પૂજા વિધિ સમગ્ર ગામ મળીને પૂજા અર્ચના કરે છે.
આદિવાસી સંસ્કૃતિ એટલે ધર્મપૂર્વી સંસ્કૃતિ એટલે કે જ્યારે ધર્મના હતા તે પહેલાથી ચાલતી આવતી પૂજા વિધિ, રીત રિવાજ, જીવન જીવવાની શૈલી એટલે આદિવાસી સંસ્કૃતિ. આ વાતને પ્રમાણિત કરતું સ્થાન એટલે સુખાલા ગામનાં કુકણ ફળિયામાં આવેલું પ્રાચીન દેવ સ્થાનક, જેનુ નામ છે નારણદેવ કે નારનદેવ અથવા પોળશદેવ કે પાનદેવ તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારના દેવ સ્થાનક ધરમપુરમાં આવેલ પીપરોળ ગામમાં આવેલું દેવ સ્થાનક જેને અભિનાથદેવ અથવા વરસાદી દેવ, પાનદેવ તરીકે ઓળખવામાં આવે છે. જયાં આજે પણ સ્થાનિક લોકોનાં ભગતો પૂજા અર્ચના કરે છે. જેને કામડી ભગત તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં પરંપરાગત રીતે ચાલી આવેલ રૂઢિ પરંપરા મુજબ શેરીમાળનું રાઉત કુટુંબ દ્વારા આ અભિનાથ દેવને નવરાત્રીમાં દશેરાના દિવસે પાઘડી બાંધવામાં આવે છે. તેમજ પ્રકૃતિદત રીતી રિવાજ કરવામાં આવે છે.
તેવી જ રીતે કપરાડા તાલુકામાં આવેલું કોલક નદીનું ઉદભવ સ્થાન કોલવેરા ગામમાં પણ વરસાદીદેવ પાનદેવનું પ્રાકૃતિક દેવ સ્થાન આવેલું છે. આ દેવ સ્થાનકની વિશેષતા એ છે કે એમની ઉપર કોઈ બાંધકામ કરેલું છાપરું બાંધવામાં આવતું નથી.સંપૂર્ણ રીતે પ્રકૃતિનાં પાંચ તત્વ જમીન, આકાશ, હવા, પાણી, અગ્નિની છત્ર છાયા નીચે આવેલું હોય છે અને આ દેવ સ્થાનક વચ્ચે સામ્યતા એ વાતની ધરાવે છે કે એમની સંપૂર્ણ કથા પ્રકૃતી આધારિત છે. સૃષ્ટીનું સર્જન વિસર્જનની કથા ગાઇ છે એ વારલી- નાયકા જાતિના હોય છે.અને તેમને દેવી પુત્ર કે કામડી ભગત કહેવામાં આવે છે. સંપૂર્ણ પ્રકૃત્તિની ગોદમાં આવેલ આ સ્થાનકો ખરેખર લોકોને એક જબરજસ્ત સંદેશો આપે છે કે દેવ સ્થાનને માનવ સર્જિત મંદિરની કોઈ જરૂર નથી
એમનાં માટે તો આ પંચતત્વની પ્રકૃતિ જ મંદિર છે. એમને અન્ય કોઈ સુવિધાની જરૂર નથી,જરૂરિયાત માત્ર મનુષ્યને છે અને એ દેવ સ્થાનકની આન- બાન – શાન જાળવવા આદિવાસી સમાજ કોઈ પણ પ્રકારની છેડ છાડ કરતો નથી, કોઈપણ દિવસ આ પ્રાકૃતિક દેવને નુકશાન થાય તેવી ગતિ વિધી કરતો નથી. એમની આસપાસ જે પણ પહાડ, પથ્થર, ઝાડ, જંગલ હોય એનું જતન કરે છે.
એવી જ રીતે સુખાલા ખાતે આવેલા આ નારણદેવ સ્થાનક પાસેનો ઇતિહાસ પણ એવો જ છે. સુંદર પ્રાકૃતિક સંપદા વચ્ચે બિરાજેલ આ દેવ સ્થાનકને વિશેષ કરીને અહીંના સ્થાનિક લોકો પોળશદેવી કે પોળશદેવ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ વરસાદનાં દેવનું સ્થાનક છે.
વિશ્વનો આધાર વરસાદ ઉપર રહેલો છે. પહેલાનાં સમયમાં વરસાદ આધારિત
ખેતી થતી વરસાદ જ સર્વનો આધાર હતો એટલા માટે વરસાદ ને વરસાવવા માટે અહી પૂજા વિધિ કરવામાં આવતી હતી. સામાન્ય રીતે જેનુ મહત્ત્વ વધુ હોય તેને આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે.જેને મોઠાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતનું પ્રમાણ ડાંગમાં આવેલાં વરસાદનો દેવ છે. જેને લોકો મોઠાદેવ તરીકે ઓળખે છે. જે મુખ્ય દેવ હોય તેને નારણદેવ તરીકે પણ ઓળખે છે.અહી વિષેશ નોંધનીય બાબત છે કે જે નારણદેવની વાત કરવામાં આવી છે તે નારાયણ દેવ નહિ પણ નારન કે નારણ એટલે આદિવાસી સમાજમાં જે દેવનું વિષેશ મહત્વ હોય એવો દેવ જે નારણદેવ અર્થાત આદિવાસી લોકો ખેતી વાડી સાથે સંકળાયેલા છે. પશુ પાલન સાથે સંકળાયેલા લોકો છે. માટે એમને વરસાદની ખૂબ જરૂર હોય વરસાદ વગર
કોઈ આધાર નથી. જેથી પ્રકૃતિના પાંચ તત્વમાં વિશેષ સ્થાન જળદેવને(પાનદેવ) આપવામાં આવ્યુ છે.
એટલા માટે નારણદેવ એટલે કે સુખાલા ગામમાં આવેલા આ નારણદેવ – પાનદેવ- કે પોળશ દેવ જેવાં અલગ અલગ નામ થી ઓળખાય છે. પરંતુ મૂળતઃ એ અસલ પૌરાણિક દેવસ્થાન છે. જે વનસ્પતિ ઝાડી ઝાંખરામાં વસેલો દેવ છે. ચારે તરફ મબલખ ખેતીવાડીથી મોટા ખેતરો શોભી રહ્યા છે અને નિર્જન વિસ્તાર હોવા છતાં સુંદર પ્રાકૃતિક સંપદા વચ્ચે આ દેવ સ્થાનકની દંત કથા પણ સામાજીક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનીક દ્રષ્ટિકોણનાં અભીગમથી અલંકૃત છે. ખરેખર કુદરતી દેવસ્થાન હોય અને એમાં માનવની શ્રદ્ધા હોય અને સાથે પ્રકૃતીની મહેર હોય તો કેવો સંયોગ સધાય છે.તેની રસપ્રદ દેવસ્થાનની દંત કથા એટલે સુખાલા ગામમાં આવેલા નારણદેવની કથા.આ દેવ સ્થાનકની સત્ય કથા કઈક એવી છે, આદિવાસી સંસ્કૃતિમાં પણ પ્રકૃતિનાં બધા તત્ત્વોને દેવ સ્વરૂપે પૂજવામાં આવ્યા છે. પછી એ પથ્થર હોય કે ડુંગર હોય ઝાડ હોય અથવા જંગલ હોય, પ્રાણીમાં પણ વાધ હોય અથવા ગાય હોય આદિવાસી સંસ્કૃતિમાં વાઘને પણ વાઘદેવ તરીકે પૂજવામાં આવ્યો છે, તો ગાયને પણ ગાયમાતા તરીકે પૂજન કરી આ પશુ ધન ધાન્યનું પૂજન કરી આ સૌની રક્ષા કરવા વાઘને પણ વાઘદેવ સ્વરૂપે પૂજવામાં આવે છે. પ્રકૃતીનાં દરેક તત્વનો ઋણાનુબંધ ભાવ સાથે પૂજન કરવામાં આવ્યુ છે. જંગલમાં વસતા જીવજંતુ ખેતીવાડીમાં રહેતા નૈવિત જીવજંતુઓ પાકને નુક્સાન ના પહોચાડે એ માટે પણ નાગ જેવા ઝેરી જીવો માનવ ને નુકશાન ના પહોચાડે તે
માટે પૂજય ગણી તેનું નાગદેવ તરીકે પૂજન કરવામાં આવે છે. પ્રકૃતિના જીવો સાથે કેવું તાદાત્મ્ય સાધી જીવન જીવવાની જડીબુટ્ટી, જીવન જીવવાની શૈલી શિખવી છે..!
અગાઉ જણાવ્યું તે મુજબ આ દેવ સ્થાનકને નારણદેવ પાનદેવ અથવા પોળશદેવ શા માટે કહેવામાં આવે છે..?
આ નારણદેવનાં સ્થાનકની બાજુમાં મોટી મોટી ચારીઓ આવેલી છે.જેથી સ્વાભાવિક રીતે જ અહી વર્ષાઋતુમાં વરસાદ ખૂબ વરસતો હોય જેથી જળચર માછલીઓ પણ પાણીમાં ચઢતી હોય છે. અને જેથી આ માછલીઓ આ મોટી મોટી કયારીઓ ખેતરના પાણીમાં ફસાઈ કે ઘેરાઈ જતી હોય છે. જયારે આ ખેતરમાં ડાંગર રોપવા માટે કાદવ પાડવામાં આવે છે.તે વખતે આ કયારીમાં કે ખેતરમાં ખેડૂતનો નોકર હળ ચલાવે છે. જે વારલી – નાયકા જાતિનો હતો એમણે જોયું કે ખેતરનાં પાણીમાં એક મોટી માછલી ફસાઈ કે ઘેરાઈ ગયેલી હતી એ હળ ચલાવતો હતો તે મૂકી દે છે અને માછલી પકડવાની જાળી લઈ આ મોટી માછલી ને પકડવા જાળ નાખે છે.પરંતુ ત્યાં આશ્ચર્ય થયું કે આ મોટી માછલીને પકડે છે તો એના હાથમાં મોટો પથ્થર હાથમાં આવે છે. વારંવાર એ માછલી પકડવાની કોશિશ કરે છે પરંતુ તે પકડવા જતાં તેમનાં હાથમાં માછલીની જગ્યા એ પથ્થર હાથમાં આવે છે. જેથી આ નોકરે આ દૈવી પથ્થરને એક પોળશ નામના ઝાડનાં થડ પાસે મૂકી દે છે. આ પોળશનું ઝાડ એટલે કેસૂડાંનું ઝાડ અને આ કેસુડો એટલે વન્ય વનસ્પતિમાં સૌથી સુંદર મજાનું ઝાડ પછી એ ઔષધીય ગુણોથી યુક્ત હોય કે પછી ખેડૂતને ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા બાબત હોય અથવા તો એના પાંદડામાંથી વરસાદથી બચવા માટેના ઘોંઘડાં સીવવાં, એનાં પાંદડા માંથી ઘર સીવવા, અથવા મ૨ણ પ્રસંગે આદિવાસી સમાજમાં એ ઝાડનાં પાંદડાં માંથી ડિયા બનાવવાં,દીવો પ્રગટાવવા, દારૂ પીવા કે દેવ ને શાક પાડવામાં આવે છે.આ કેસુડાના પાંદડાંની બાજ – પત્રાળી બનાવી આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવે છે.વૈજ્ઞાનીક અભિગમથી વિચારીયે તો પણ આ પોળસ, કેસૂડાંનું ઝાડ ખૂબજ ઉપયોગી છે. એ ઝાડોનાં થકી વરસાદ વધુ વરસવો થી લઇને એનાં પાંદડા ફૂલોનાં ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. આ ઝાડનાં સ્થાને આ દૈવી પથ્થરને મૂકવાથી કુદરતી રીતે જ વરસાદ, ટાઢ, તાપ ,તડકા થી એમનું જતન અને રક્ષણ થાય છે અને જેથી આ ઝાડ નીચે પથ્થરના સ્થાપનથી આ નોકર અને આ ખેતરનાં તે વખતના માલિકનાં વિવેક બુધ્ધિનાં દર્શન થાય છે.આજે પણ આ દેવ સ્થાનકની રક્ષા કુદરતી રીતે ઊગી નીકળેલા કરમદીનાં કાંટાળા વૃક્ષોનાં ઝાંખરાથી થઈ રહ્યુ છે અને એની કુદરતી સુંદરતા અને ભવ્યતામાં ઔર વધારો કરે છે. એ પણ એક પ્રકૃતિની અગમ્ય લીલા છે. તેનાં દર્શન પ્રત્યક્ષ રીતે હરેક મનુષ્ય અનુભવે છે.
આ નારણદેવની પૂજા વિધિ પ્રાચીન સમયથી જીરવલ ગામનાં કામડી ભગતો દ્વારા કરવામાં આવતી હતી. આજે પણ એમના દ્વારા પૂજા વિધિ અને આખી રાત જાગરણ કરી દેવકથા ગાવામાં આવે છે.આ દેવ કથામાં આખા સુખાલા ગામનાં કુકણા સમાજ, વારલી નાયકા સમાજ, ધોડિયાસમાજ, કોળી પટેલ સમાજના અબાલવૃદ્ધ સૌ સહભાગી બને છે. આ પોળશ દેવ (નારણદેવ) ની ઊજવણી કરવા માટે આખા સુખાલા ગામમાં ઘરે ઘરે પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ શંખનાદ કરી ઝોળી ફેરવવામાં આવે છે. જે ઝોળી ફાળામાં સૌ સુખાલા ગામના લોકો યથાશક્તિ દાન ફાળો આપે છે અને આ નારનદેવ પાનદેવની ઊજવણી કરવામાં આવે છે. અને આદિવાસી સમાજ સંસ્કૃતીની પરમ્પરા મુજબ ભોજન મહાપ્રસાદ પણ રાખવામા આવે છે.
આ પોળશદેવનાં સ્થાનકને ગાવદેવ પણ કહેવામાં આવે છે. જેથી અસલ વર્ષો પહેલા આ દેવ સ્થાનક પાસે જ હોળી પણ પ્રગટાવવામાં આવતી હતી અને આ હોળી બનાવવામાં અને પ્રગટાવવામાં અલગ અલગ સમાજની હિસ્સેદારી હતી. આ હોળી બનાવવામાં માટે સ્થાનિક હોવાનાં નાતે કુકણા સમાજનાં લોકોની હિસ્સેદારી હતી. વારલી નાયકા સમાજની હિસ્સેદારી તેનું પૂજન કરવાની હતી.આ મુજબ આ દેવસ્થાનક એકતા અખંડિતતા, સંપ, સહકાર, સહયોગ અને એક્તાની મિસાલ પૂરું પાડનાર દેવ સ્થાનક હતુ અને આજે પણ છે.
આજે વર્તમાન સમયમાં પણ કોળી પટેલ સમાજમાં લગ્ન થયા હોય તો વર કન્યાની હારમાળા લગ્ન થયા બાદ અહી આ દેવ સ્થાનક પાસે ઉતારી આ દેવના આશીર્વાદ લેવાનો રિવાજ છે. તેમજ આજે પણ લોકોને કોઈ મુશ્કેલી હોય સંકટ સમયે બાધા, માનતા, આખડી રાખી દેવનાં આશીર્વાદ લેવા માટે આવે છે. વર્ષો પહેલાં દિવાળી નાં પર્વમાં ઘેરૈયા નૃત્ય રમતા હતા અને આખા ગામમાં રમી અંતમા આ સ્થાનક પાસે આવી ઘેરૈયાનૃત્ય નૃત્યની પૂર્ણાહુતિ કરતા હતા. જેને ઘોર છોડવા કે ઘેર છોડવાની વિધિ કહેવામાં આવતી.
આ દેવસ્થાનક અગાઉ જણાવ્યું તે મુજબ પહેલાનાં જમાનામાં સમય સંજોગોનાં આધીન ખેતીવાડીનો સંપુર્ણ આધાર વરસાદ આધારિત હતો.જેથી ગામલોકો આ વરસાદી દેવને રીઝવવા કામડી ભગતોને બોલાવી દેવકથા ગાઈ સંભળાવી વરસાદને રીઝવવામાં આવતો હતો. તેમજ ખેતીવાડીનાં પાકને નુકશાન ના થાય તે માટેની કામના તેમજ પ્રકૃતિ સોળે કળાએ ખીલી મનુષ્ય પ્રાણીઓને તંદુરસ્ત રાખે બધી રીતે ગામમાં સુખ શાંતિ જાળવવા માટે અહી આ દેવનાં નામનું ગામવાસીઓ વરસાદ પડે અને ઘાસ ઊગી નીકળે એટલે ભગત બોલાવી નાંદરુંનું હવન (યજ્ઞ) કરતા, ત્યારપછી વરસાદ પડ્યો હોય એટલે પીરનીનું (વાવણી) હવન કરવામાં આવતું. ત્યારબાદ પ્રાણી સહી સલામત રહે એનું હવન કરવામાં આવતું. કારણ કે ખેતીવાડીનો સંપુર્ણ આધાર ગાય, બળદ, ભેંશ, જેવા પ્રાણી પશુધન સહીસલામત રહે તે માટે ત્યારબાદ, પાકને નુકશાન ના થાય તે માટે
ખેતીવાડીનાં નામનું હવન કરવામાં આવતું અને છેલ્લે પાંચમું હવન સર્વપિતૃ સહિત પ્રકૃતી સર્વેને ફળદાયી નીવડે તેવી શુભકામના સાથેનું હવન કરવામાં આવતું, આ પ્રમાણે પાંચ પ્રકારનાં હવન કરવાનું કારણ પ્રકૃતિ સૌને તંદુરસ્ત રાખે અને નીરોગીમય વાતાવરણ બને તે હેતુથી આ પોળશદેવ કે જે મૂળ પ્રકૃતિનાં દેવને રીઝવવા માટે ગામવાસીઓ હોમ હવન (યજ્ઞ) આદિવાસી રીતિ રીવાજ મુજબ કરતા અને આજે પણ એ રીતિ રિવાજ મુજબ હવન ક૨વામાં આવે છે.જે એક આદિવાસી સમાજ સંસ્કૃતીનો ભવ્ય સાંસ્ક્રુતિક વારસો છે.
આ પ્રમાણે આ પોળશદેવ, પાનદેવ, નારણદેવ કે નારનદેવ નામે ઓળખાતું આ દેવ સ્થાનક ખૂબજ પ્રાચીન સ્થળ છે. કુદરતી સૌંદર્યથી મઢેલું આ દેવસ્થાનક સર્વે ગામ લોકોને સુખ શાંતિ આપે અહીં આવી દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે, અને આ દેવસ્થાનને ઉજાગર કરવા માટે કુકણા સમાજ,વારલી -નાયકા સમાજ, ધોડિયા સમાજ, કોળી પટેલ સમાજે જે જહેમત ઉઠાવી તે સૌ સમાજ સહિત જેમણે પણ નામી અનામી સાથ સહકાર આપ્યો હશે તે સૌને વંદન.સૌને આ પોળશદેવ, પાનદેવ, નારણદેવ) બરકત આપે જીવનમાં સુખ શાંતિ આપે, ખેતીવાડીમાં, પશુ પાલનમાં, ઘરબારમા, ઘર દરબારમાં સુખ શાંતિ આપે અને સૌ લોકોની સમાજની આસ્થા જોડાયેલી રહે અને આનાદીથી ચાલતો આવેલો વારસો હંમેશ માટે ચાલતો રહે એ ભાવ સાથે પ્રકૃતિનાં ખોળે બિરાજેલા પ્રકૃતિ જાળવણીનો જ સંદેશ આપ્યો છે.
પોળશદેવ ને વંદન જોહાર.
AD..








