1. News
  2. એન્ટરટેઇનમેન્ટ
  3. પ્રેમી અને પતિ બન્નેનાં પ્રેમમાં આટલો વિરોધાભાસ કેમ ??

પ્રેમી અને પતિ બન્નેનાં પ્રેમમાં આટલો વિરોધાભાસ કેમ ??

Share

Share This Post

or copy the link

કવિતા એક સીધીસાદી નાના શહેરની યુવતી હતી,પણ તેનાં મામાને શહેરમાં મોટો ધંધો હતો અને તેમને કોઈ સંતાન નહોતું.એટલે કવિતા ને તે દિકરી માનતા હતા. બધાનું માનવું હતું કે, તેમના નિધન બાદ કવિતા ને જ તેની મિલકત મળશે. કવિતા નાં મામા, એટલે શ્રીકાંત શ્રોફ હતાં. તેમની ઓફિસમાં ઘણા બધાં યુવાનો કામ કરતા હતાં, એમાંના ઘણા ને કવિતા સાથે લગ્ન કરવાની લાલચ હતી. પરંતુ કૃણાલ ખૂબ જ દેખાવડો અને હેન્ડસમ હતો, એટલે શ્રીકાંત શ્રોફ મનોમન એવું ઈચ્છતા હતાં કે એની સાથે તેની ભાણીનાં લગ્ન થાય.આ બાજુ કૃણાલની પણ મનોમન ઈચ્છા હતી, કે આ બધી જાયદાદ તેના નામે થઇ જાય. એટલે પોતે પ્રેમ જાળ બિછાવી અને કવિતાને ફસાવવાનું કાવતરું કર્યું, કવિતા સાવ ભલી ભોળી હતી, તે કૃણાલની જાળમાં આવી ગઈ, અને સાથોસાથ કવિતા નાં મામા શ્રીકાંત શ્રોફ‌ પણ તેની વાતમાં આવી ગયા. તેમણે પોતાની ભાણીના સુંદર ભવિષ્યનું સારું વિચારીને તાત્કાલિક લગ્ન પણ કરી આપ્યા. લગ્ન પછી થોડો વખત બધું પ્રમાણમાં સરખું ચાલ્યું. શ્રીકાંત શ્રોફ પણ તેનાથી ઈમપ્રેસ હતાં, એટલે જમાઈ થતા થોડો પાવર પણ વધ્યો, મીટીંગો પણ વધી, અને બહારગામના પ્રેઝન્ટેશન માટે પણ તેને મોકલવાનું શરૂ થયું. કૃણાલને ધંધાની અમુક પોલિસી વિશે પણ જ્ઞાન થવા લાગ્યું. ઉપરાંત હવે તે એવું વિચારવા લાગ્યો કે શ્રીકાંત શ્રોફનું આયુષ્ય તો લાંબુ છે, એટલે એકને એક શહેરમાં કોઈ એમ દાવ નહીં પડે. જુવાની ને માણવા કંઈક જુદું જ કરવું પડશે, એમ વિચારી બેંગ્લોરની મિટિંગ ગોઠવી આમ પણ વેલેન્ટાઈન ડે બે દિવસમાં આવે છે એટલે…. સાથે મજા કરીશ.

ભલી ભોળી કવિતા આ બધી વાતથી અજાણ હતી, અને પતિને સાચો પ્રેમ કરતી હતી. કોઈ કોઈ વાર તેને પતિનું વર્તન સમજાતું નહોતું. પરંતુ બધું જ ભૂલી તે રોજ સવારથી રાત સુધી તેની પસંદગી પ્રમાણે જ જીવતી હતી. તેને બેંગ્લોરમાં કોઈ જાતની તકલીફ ન પડે, એ માટે થઈને તેનું પેકિંગ કરતી હતી, ઇસ્ત્રી કરેલાં કપડાઓ બેગમાં ગોઠવતી હતી, એમાંથી લેડીઝ રૂમાલ નીકળે છે, એકમાંથી ઈયરિંગ નીકળે છે, તો ક્યાંક લિપસ્ટિકનો ધોવાયા છતાં ડાઘ દેખાય છે.એક સ્ત્રી માટે આનાથી વધુ દુઃખદ બીજું શું હોય શકે.પરતુ એ બધું નજર અંદાઝ કરી એણે એકદમ વ્યવસ્થિત રીતે પેકીંગ કર્યું, અને યાદ કરી કરીને પતિની આદત મુજબ બધું જ ગોઠવી દીધું.આમ પણ હવે એની પાસે પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવાં, આની સિવાય ક્યાં કોઈ માર્ગ હતો, કારણ કે કૃણાલ તો કામની વ્યસ્તતા ને નામે પોતાનો કામ ભાવ અન્ય જગ્યાએ રોપતો હતો. આજે કવિતા ને વારંવાર એ 14 ફેબ્રુઆરીનો દિવસ યાદ આવતો હતો,જ્યારે તેમના લગ્ન થયા નહોતાં. કૃણાલ તેને લેવા લાલ કલરની ગાડી લઈને આવ્યાં હતાં, અને શહેરથી દૂર એક મોંઘી હોટલમાં ડિનર માટે બહાર લઈ ગયાં હતાં. જ્યાં તેમણે બધાની સામે કેટલું પ્રેમથી પ્રપોઝ કર્યું હતું, અને પોતે શરમાઈ ને તેની બાહોમાં સમાઈ ગઈ હતી, અને હવે તો… એક ગરમ નિસાસો .. હવે તો કૃણાલનું મોઢું પણ ઘણી વાર તો અઠવાડિએ કે પંદર દિવસે જોવા મળે છે. કવિતા વિચારતી હતી કે ક્યો પ્રેમ સાચો! પ્રેમી કૃણાલનો!! કે પતિ કૃણાલનો !! પ્રેમ માં લગ્ન કરવાથી આટલો વિરોધાભાસ કેમ દેખાય છે? શું પ્રેમી પતિ બની જાય પછી પત્ની નાં પ્રેમનું! લાગણી નું! કે સમર્પણ નું કોઈ મુલ્ય નથી હોતું?? ઘરકી મૂર્ગી દાલ‌ બરાબર! પણ પોતાના પ્રેમમાં તો જરા પણ ઓટ કે ખોટ આવી નથી, ઊલટાનું સમર્પણ ને તડપ બંને વધ્યા છે.

કૃણાલ નાં જતા કરુણા આજે ટીવી શો જોતી હતી, અને તેમાં પણ ઘરેલું કાવાદાવા વાળી સિરિયલ આવતી હતી, એટલે પ્રથમ વાર જ તેને એવો વિચાર આવ્યો કે, તેનો પતિ પણ તેની સાથે ક્યાંક બેવફાઈ તો નહીં કરતો હોય ને? અને મામાની મિલકત માટે તો આ બધું કાવત્રુ નહીં હોય ને? એણે વિચાર્યું કે મામાને આની વાત મારે કરવી જોઈએ, નહીં તો વગર કારણે મામા કોઈક દિવસ પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશે, અને પોતાની ભાણીને ઘરમાં રાખ્યાનો એને અફસોસ થાય! પોતાની સાથે પોતાના જીવનસાથીને ગમે તે કરવાની છૂટા ન જ હોવી જોઈએ, પરંતુ તે તો હજી પણ ચલાવી શકાય. પરંતુ મામા સાથે અન્યાય થવા ન દેવાય! આમ વિચારી અને તેણે મનોમન નક્કી કર્યું કે, આજે તે ઑફિસે જઈને મામા ને બધી જ વાત કરશે, અથવા તો એક દિવસ ઘરે જશે, અને ત્યાં બધી વાત કરશે. પોતાના આ નિર્ણયથી તેને એકદમ જીવનમાં અજવાળું થયું હોય તેવું લાગતું હતું, તેને થયું કે ખુદ્દારી કે ખુમારી હજી જીવંત છે,બાકી તો રોજ એક બેબસની જેમ જ જીવાય છે. અને પોતાના નિર્ણય પ્રમાણે તે ઓફિસ જાય છે. મામા ને બધી વાત કરે છે, અને આપણી મિલકત માટે જ કૃણાલ એ લગ્ન કર્યા છે, એવી પોતાને શંકા છે, એવું પણ જણાવે છે. મામા ભાણેજ મનોમન એક યુક્તિ વિચારે છે, અને કવિતા એ પણ હવે ઓફિસમાં આવવાનું એવું નક્કી કર્યું, અને મહત્વની પોસ્ટ કૃણાલની બદલે કવિતાને આપી દીધી.

14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે કૃણાલ પોતાની પ્રિય ગર્લફ્રેન્ડ સાથે વિતાવીને પાછો ફરે છે, અને ઘરે આવે છે તો કવિતાનાં તેવર એકદમ બદલાયેલા જોવે છે. ગઈકાલ સુધી જે ગામડાની ગવાર જેવી લાગતી હતી, તે આજે એકદમ અત્યાધુનિક મોર્ડન પહેરવેશમાં ઘરમાં આંટા મારતી હતી, અને બીજો દિવસ થયો, હજી તો પોતે ઊઠે તે પહેલાં ડ્રેસીંગ ટેબલ ઉપર તૈયાર થતી કવિતાને તેણે જોઈ. કવિતા એ કહ્યું કે હું ડ્રાઇવર લઇને ઓફીસ જવા નીકળું છું, તમે ઓટો કરીને આવી જજો! કૃણાલ તો એક નજરે જોઇ જ રહ્યો,કે આ એ જ જ કવિતા છે જેની સાથે મેં લગ્ન કર્યા હતાં તે છે! કે આ કોઈ બીજી છે!! મોર્ડન પહેરવેશમાં તે વધારે સુંદર લાગતી હતી.

કૃણાલ ઓફિસ પહોંચીને જુએ છે, તો પોતાની ચેમ્બરમાં કવિતા બેઠી હતી, અને તેની પાસે એક યંગ અને હેન્ડસમ યુવાન ઉભો હતો. કવિતા એ કહ્યું કે મામા એ મારું અહીં પોસ્ટીંગ કર્યું છે, ને આ મારો આસિસ્ટન્ટ મેનેજર છે, હવે આની માટે આપને કંઇ વધારે પૂછવું હોય તો, આપ મામા પાસે જઈને જાણકારી મેળવી લેશો, અને પછી પોતે કામમાં ડૂબી ગઈ હોય તેમ ફાઇલ ચેક કરવા લાગી. કૃણાલ માટે એક ઉપર એક આશ્ચર્ય ખડકાતા જતાં હતાં. તેને થતું હતું કે આ શું થઈ રહ્યું છે મારી સાથે! તેણે કંપનીના માલિક શ્રીકાંત શ્રોફ ને મળવા માટે નક્કી કર્યું, અને તેની ચેમ્બર પાસે ગયો, એટલે રોજ સલામ કરતો નોકર પણ આડો આવી ઊભો રહ્યો, અને કહ્યું એપોઇન્ટમેન્ટ વગર આપ અંદર જઈ શકશો નહીં, હજી મીટીંગ ચાલે છે! અને હાં મને કહ્યું છે કે કવિતા મેડમનાં નવા પ્રોજેક્ટ અંગે એક કંપની સાથે શેઠ વાત કરી રહ્યા છે. કૌશલ ને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને તેને થયું કે માફી માગવી એ જ અત્યારે સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.

રાત્રે કવિતા ઘરે આવે છે, ત્યારે કૃણાલ કિચનમાંથી ગરમાગરમ બે કોફીના મગ લઈને આવે છે, અને એક કવિતાને આપતા બોલે છે, કે ચાલ આપણે બે કોફી પીએ. કવિતા તેની આંખમાં જુએ છે કે ક્યાંક ફરેબ તો નથી ને!; છતાં અણગમાનો ડોળ કરીને કહે છે કે, ના હું બહુ થાકી ગઈ છું. ફરી ક્યારેય એમ કરી રૂમ તરફ આગળ વધે છે. કૃણાલ કવિતાનો હાથ પકડી લે છે, અને કાન પકડી માફી માંગે છે, અને કહે છે કે ખરેખર મારાથી બહુ જ મોટી ભૂલ થઈ છે. મારી નિયતમાં ખોટ હતી, આમ તો મે તારી સાથે લગ્ન મિલકત માટે કર્યા હતાં, પરંતુ તું મને પસંદ નહોતી એવું નહોતું! અને હું કોઈ બીજી ને પસંદ કરતો હતો, એવું પણ નહોતું, પણ જુવાનીમાં તો બધી જ પ્રકારના એશ કરવાના હોય, અને હાથમાં રૂપિયો હોય તો પછી શું કામ ન કરવાં? એ મત પણ ખરો! એટલે થોડું આવું બધું થયું, પણ તારું દિલ ખૂબ જ મોટું છે, અને તું મને એ માટે માફ કરી દઈશ, અને હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું એ વચન પણ ખરું.

શ્રીકાંત શ્રોફ એટલે કે કરુણાના મામા બંને જણાં ને પોતાના ઘરે જમવા માટે ઈન્વીટેશન આપે છે, અને બંને જણાં આવી જતાં, એમણે કૃણાલ સાથે ડાયરેક્ટ આ મુદ્દે વાત કરી લીધી, અને કહ્યું કે કરુણા નાના ગામમાંથી ભલે હોય, પરંતુ તે શિક્ષિત છે, અને પોતાના પગ પર ઊભી રહી શકે તેમ છે. મારો ધંધો પણ સંભાળી શકે તેમ છે, છતાં તેણે એવું વિચાર્યું નહોતું. પણ રુપિયા અને પદવીની પ્રતિષ્ઠા ને કારણે તમે ભટકી ગયા! કવિતા તમને ઘણી વખત સમજાવ્યા! આ ઉપરાંત પોતાના હિસ્સા નો પ્રેમ તમે કોઈ અન્ય સાથે બાંટો છો એની જાણ થવા એ ચૂપ રહી. એણે પોતાની તરફથી તમને સુધારવા નો પ્રયત્ન કર્યો! પણ તમારામાં કોઈ બદલાવ આવતો દેખાયો નહીં, એટલે અમે મજબૂરીથી આ પગલું ભર્યું છે. હવે નિર્ણય તમારે કરવાનો છે, કે તમને કઈ કવિતા વધારે પસંદ છે, ઘરે રહી અને તમારી રાહ જોતી, કે ઓફિસમાં તમારી બોસ બનતી! કૃણાલ એ કહ્યું કે આમ જુઓ તો એક રીતે સારું થયું, કે કવિતાના અંતરમાં ખુદ્દારી જાગી, અને તેણે પોતાની જાતને નવેસરથી તૈયાર કરી, અને તેનો આ લુક અને આ એટીટ્યુટ બંને મને ખૂબ પસંદ છે. અને અમે બંને સાથે જ ઓફિસે આવીશું! તેને પણ જીવનમાં કામયાબ થવાનો પૂરેપૂરો હક છે! એટલે એ રસોઈ કરી મને જમાડે એ તો મને ગમે જ, પણ એની માટે થઈને એણે પોતાના વ્યક્તિત્વ નિખારની આ તક જતી કરવી પડે એ બરોબર નથી. હવે થી હું અને કવિતા બંને જણાં સાથે ઓફિસ આવીશું, અને સાથે આ ધંધાને વધુ સફળ બનાવવા મહેનત કરીશું,આમ સુબહ કા ભૂલા શામ કો ઘર વાપસ આ જાયે તો ઉસે ભૂલા નહીં કહેતે, તેનાં જેવો ઘાટ થયો.

‌‌ લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

પ્રેમી અને પતિ બન્નેનાં પ્રેમમાં આટલો વિરોધાભાસ કેમ ??
Comment

Your email address will not be published. Required fields are marked *