
!! દુર્ગાષ્ટમી એ નવ દુર્ગા પૂજન !!
ખેરગામ જગદમ્બા ધામે ભક્તિ, શક્તિ અને સંસ્કારનો સંગમ
મહા નવરાત્રીના પાવન પર્વ અને દુર્ગાષ્ટમીના શુભ દિવસે ખેરગામ સ્થિત સુપ્રસિદ્ધ જગદમ્બા ધામમાં ભક્તિ, આસ્થા અને શક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો. આ પાવન અવસરે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ ‘દાદા’ તથા પૂજ્ય પ્રફુલભાઈ શુક્લના પાવન હસ્તે નવ દુર્ગા સ્વરૂપે નવ કુંવારી કન્યાઓનું વૈદિકવિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા જગદમ્બાના નવ સ્વરૂપોની આરાધના કરી નારી શક્તિના સન્માન અને સંસ્કારનો સંદેશ આપવામાં આવે છે. ખેરગામ જગદમ્બા ધામ ખાતે યોજાયેલા નવ દુર્ગા પૂજનમાં નવ કુંવારી કન્યાઓને માતા દુર્ગાના સ્વરૂપે આસન પર બિરાજમાન કરી, તેમના ચરણ પાદુકા ધોઈ, કુમકુમ, અક્ષત, પુષ્પ, ધૂપ-દીપથી પૂજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભોજન પ્રસાદ અને ભેટ આપી કન્યા પૂજનની પરંપરા ભક્તિભાવપૂર્વક નિભાવવામાં આવી.

આ પ્રસંગે પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાએ ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, “નવરાત્રી માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મશુદ્ધિ અને નારી શક્તિના સન્માનનો પાવન અવસર છે. નવ કન્યાઓમાં માતા દુર્ગાનું જીવંત સ્વરૂપ દર્શાય છે. સમાજે દીકરીને બોજ નહીં, પરંતુ શક્તિ તરીકે સ્વીકારવી જોઈએ.”

પૂજ્ય પ્રફુલભાઈ શુક્લએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “દુર્ગાષ્ટમી એ અધર્મ ઉપર ધર્મની વિજયનું પ્રતિક છે. જયારે નારીનું સન્માન થાય છે, ત્યારે સમાજમાં સંસ્કાર અને સમૃદ્ધિ આપોઆપ આવે છે.”
આ શુભ પ્રસંગે કોકિલાબેન વ્યાસ (ધરમપુર) તથા રેખાબેન શુક્લ (કેનેડા) તરફથી નવ દુર્ગા સ્વરૂપે બિરાજમાન કન્યાઓને વિશેષ શણગાર અને ભેટો અર્પણ કરવામાં આવી હતી, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની. માતાજીના જયઘોષ, શંખનાદ અને “જય ભવાની, જય અંબે”ના નાદથી સમગ્ર જગદમ્બા ધામ ભક્તિમય બની ઉઠ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તગણ અને માતાજીના ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ માતા જગદમ્બાના દર્શન કરી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ખેરગામ જગદમ્બા ધામે દુર્ગાષ્ટમીના દિવસે યોજાયેલ નવ દુર્ગા પૂજન ભક્તિ, શક્તિ અને સંસ્કારનો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો.
જય ભવાની, જય અંબે.