
મુસાફર ભજન મંડળના ભાવિક આયોજન હેઠળ ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત કથાના બીજા દિવસે ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી આશિષભાઈ વ્યાસે ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક ચિંતન અને સત્યના માર્ગ પર વિચાર કરવા પ્રેરિત કર્યા હતા. ધર્મ, ઉપાસના અને જીવનના મૂળ તત્વ રૂપે “સત્ય, શિવમ, સુંદરમ”નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે — “સત્યમાં બધું જ છે, તમે જેને માનો એ જ સત્ય છે. ભગવાન શિવ એજ કલ્યાણ છે. સત્ય, શિવમ અને સુંદરમ — આ ત્રણે શબ્દોમાં આખું જીવન સમાયેલું છે.”
આશિષભાઈ વ્યાસે સમજાવ્યું કે શિવરાત્રી એ માત્ર જાગવાની રાત્રિ નથી, પરંતુ આત્મજાગૃતિની રાત્રિ છે. શિવનું તત્વ એ છે કે જ્યાં બીજાનું કલ્યાણ થાય, ત્યાં શિવત્વ જાગે છે. “બીજાનું કલ્યાણ જાગે ત્યાં શિવ છે,” એમ તેમણે કહ્યું.
તેમણે ઉમેર્યું કે નવરાત્રી એ આરાધનાની અને સાધનાની રાતો છે. નવ દિવસની આ ઉપાસના દરમિયાન નવ પ્રકારની શક્તિની આરાધના કરીને મન અને આત્માને શુદ્ધ કરવું એ જ સાચી નવરાત્રીની મહિમા છે. જન્માષ્ટમી અંગે તેમણે જણાવ્યું કે એ માત્ર ઉત્સવ નથી, પરંતુ ધર્મના પુનર્જાગરણ અને આનંદનો પ્રસંગ છે, જ્યાં શ્રીકૃષ્ણના જન્મ સાથે અધર્મ પર વિજયની શરૂઆત થાય છે.
જલારામ બાપાની સેવા પરંપરાનો ઉલ્લેખ કરતાં આશિષભાઈએ જણાવ્યું કે જલારામ જયંતી એ સેવા, દાન અને પરોપકારને સમર્પિત દિવસ છે. તેમણે કહ્યું કે “જલારામ બાપાએ બતાવેલો માર્ગ એ માનવતાનો માર્ગ છે — જ્યાં પોતાનું કશું નથી, બધું ભગવાનનું છે.”
તેમણે જીવનના તત્ત્વ વિષે કહ્યું કે “ભગવાન સત્ય છે. એના સત્રમાં બધું જ આવી જાય છે. આ સત્ય સમાન કોઈ પાપ નથી. જે સત્યને છુપાવે છે, તે પોતાને જ ખોટો સાબિત કરે છે.” વ્યાસજીએ સમજાવ્યું કે ધર્મ, ઉપાસના અને જીવનના દરેક ક્ષેત્રમાં સત્યનો આધાર હોવો આવશ્યક છે. તેમણે કહ્યું કે “ભગવાનનાં નામ ભલે અલગ હોય — કૃષ્ણ, રામ, શિવ કે જલારામ — પરંતુ સત્ય એક જ છે. એ જ પરમ તત્વ છે.”
પ્રવચનના અંતે આશિષભાઈએ ઉંડો તત્ત્વચિંતન કરાવતો સંદેશ આપ્યો — “આપણું શરીર આપણું નથી. આ તો ભાડાનું મકાન છે, બે દિવસ રહેવાનું છે. આત્મા શાશ્વત છે, પરંતુ શરીર નાશવાન છે. તેથી સત્યના માર્ગે ચાલવું એ જ પરમ ધર્મ છે.”
કાર્યક્રમના અંતે ભજન-કીર્તનના સ્વરોથી મંદિર પ્રાંગણ ગૂંજી ઉઠ્યું હતું. શ્રોતાઓએ એકાગ્રતા અને ભાવપૂર્વક ભાગવતના વચનામૃત સાંભળ્યા.
“સત્ય સમાન કોઈ પરમ ધર્મ નથી — એ જ આજની ભાગવત કથાનો મૂળ સંદેશ રહ્યો.”