
ધરમપુરથી લગભગ ૪૫ કિલોમીટર દૂર, મહારાષ્ટ્રની સરહદે આવેલ અંતરિયાળ મુરદડ ગામમાં માનવતાની સુગંધ ફેલાવતો એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન માશૅ ગ્રુપ (રાજા પાન) સૈયદપુરા, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ હતો – ગ્રામ્ય અને અનાથ વિદ્યાર્થીઓને જરૂરી સહાયતા પહોંચાડવી અને તેમના ચહેરા પર આનંદના રંગો ખીલવવા.
આ અવસરે મુરદડ પ્રાથમિક શાળા તથા સાવિત્રીબાઈ ફુલે અનાથ અને જરૂરીયાતમંદ બાળકોની છાત્રાલય ખાતે અભ્યાસ કરતા કુલ ૧૫૦ વિદ્યાર્થીઓને ટ્રેક શૂટ તથા ક્રિમવાળા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખુશીના અવિસ્મરણીય પળો સર્જાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માટે પ્રયત્નશીલ એવા આ વિદ્યાર્થીઓ માટે આ નાનકડું દાન પણ વિશાળ પ્રેરણાનું કારણ બન્યું.
આ પ્રસંગે માશૅ ગ્રુપ (રાજા પાન) સૈયદપુરા, સુરતના પ્રમુખ શ્રી પીયુષભાઈ મોદી સાહેબ, સાથે શ્રી અશોકભાઈ પવાર, શ્રી દેવુભાઈ ભોયા સાહેબ, અને શ્રી જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેન્કસૅ ગ્રુપ સુરતના સહયોગથી બાળકોને ટ્રેક શૂટ અને બિસ્કિટ વિતરણ કરવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો. સમાજના વંચિત વર્ગના બાળકો સુધી આનંદ અને સહાયતા પહોંચાડવા માટે તેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
શાળા તથા છાત્રાલયના સંચાલનમંડળ, ખાસ કરીને શાળા આચાર્યશ્રી અને સંસ્થા સંચાલક શ્રી નિલેશભાઈ નીકુળ્યા સાહેબ, તથા તમામ શિક્ષકમંડળ અને કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી. તેમની આયોજનક્ષમતા અને સેવાભાવના કારણે સમગ્ર વિતરણ કાર્યક્રમ સુગમ રીતે પૂર્ણ થયો.
આ પ્રસંગે બાળકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. નવા ટ્રેક શૂટ પહેરીને બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ, તેમજ મહેમાનોના સ્નેહથી ભરપૂર વાતાવરણમાં કાર્યક્રમ યાદગાર બની ગયો. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બાળકો માટે આ પહેલ આશાની કિરણ સમાન સાબિત થઈ છે.
આ કાર્યક્રમ દ્વારા માશૅ ગ્રુપ સુરતે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજના વંચિત વર્ગના બાળકોને સહાયતા પહોંચાડવા માટે આવાં પ્રયત્નો અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ છે. માશૅ ગ્રુપ અને બેન્કસૅ ગ્રુપની આ સેવાયજ્ઞ અભિનંદનને પાત્ર છે.