વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઈટ્સ, સર્વેશ્વર મહાદેવ મંદિરમાં આજે વિશ્વ વિખ્યાત કથાકાર પ.પૂ. પ્રફુલભાઈ શુક્લની 881મી રામકથાનો મંગલમય પ્રારંભ થયો હતો. પવિત્ર અને શાસ્ત્રીય વિધિઓની સાથે આ દિવ્ય પ્રસંગની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવી.
આ પૂર્વે, પ્રથમ દિવસે રામાયણના દશાંશ યજ્ઞનું આયોજન થયું, જેમાં કાગભુસુંડી રામાયણના પાઠ દ્વારા પવિત્ર હવન વિધિ સંપન્ન થઈ. સાથે સાથે, ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે કથાની મંગલમય પોથીયાત્રા પણ યોજાઈ હતી. સર્વેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી આ પોથીયાત્રામાં કલશધારી બહેનો, વાજાં-વાજંત્રીઓ અને હજારો ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો.
કથાના મુખ્ય યજમાન તરીકે USA, ફ્લોરિડાથી પધારેલા ભામીનીબેન જનેશભાઈ કાપડિયાએ પવિત્ર પોથી માથે ધારણ કરી. કથા પ્રસંગે દીપ પ્રાગટ્ય કાર્ય માં સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ (ભાગડાવાડા) અને ઉપસરપંચ શ્રી બકુલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું. પ્રથમ દૈનિક મનોરથમાં કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ (ભાગડાવાડા, કોસંબા) દ્વારા પવિત્ર પોથી અને તુલસીપીઠનું પૂજન કરવામાં આવ્યું.
કથાના તુલસીપીઠ પરથી પ.પૂ. પ્રફુલભાઈ શુક્લે મહત્ત્વપૂર્ણ વચન પ્રસ્તુત કર્યું, જેમાં તેઓએ કહ્યું કે, “રામ સમાજને જોડે છે, રાવણ સમાજને તોડે છે.” તેમણે સમજાવ્યું કે “જેનામાં માનવતાનું નિર્માણ થાય છે, તેમના માટે રામચરિતમાનસ કથા પવિત્ર માર્ગદર્શક છે.”
તેમજ તેઓએ ઉમેર્યું કે “ભગવાન શિવ વિશ્વાસ છે, જ્યારે માતા પાર્વતી એ વિશ્વાસ છે. સંસારમાં શિવ જેવો કોઈ ગુરુ નથી.” તેમનું આ ઉદ્ગાર શિવાના ગુરુત્વ અને સંસાર માટેની શાંતિમય ભવિષ્યદ્રષ્ટિ તરફ ઈશારો કરે છે.
આ પાવન પ્રસંગે ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રપ્રેમના ઉદ્દીપક એવા ‘ઉપકાર’ અને ‘ક્રાંતિ’ જેવી ફિલ્મોના સર્જક અને પ્રખ્યાત અભિનેતા મનોજકુમારજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. રામચરિતમાનસના મહાત્મ્ય પર પ્રકાશ નાખવામાં આવ્યો અને સાથે સાથે ગુરુ વંદનાના ભાવથી પવિત્ર પ્રાર્થનાઓ કરવામાં આવી.
આ પવિત્ર કથાના આયોજન અને સ્વાગતમાં વિભિન્ન સમાજસેવી અને ભક્તજનોની વિશેષ ભૂમિકા રહી. શ્રી જીતેનભાઈ સુરતી, નરેશભાઈ પ્રજાપતિ, જનેશભાઈ કાપડિયા, મુકેશભાઈ મિસ્ત્રી, અંબરીશભાઈ મિસ્ત્રી, દિલીપભાઈ ત્રિવેદી, રમણભાઈ રાઠોડ, જેન્તીભાઈ પટેલ, જીતેશભાઈ પટેલ, ઉર્વીલભાઈ દેસાઈ તેમજ અનેક ભક્તજનો દ્વારા પ.પૂ. બાપુનું હર્ષોલ્લાસભર સ્વાગત કરવામાં આવ્યું.
રામકથાના શ્રવણ માટે દૂર-દૂરથી ભક્તજનો ઉપસ્થિત રહ્યા, અને આ ભવ્ય રામકથાનું ધર્મપ્રેમી જનતાએ હર્ષભેર નિરખન કર્યું. શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર આ પાવન પ્રસંગનો લાભ લેવા માટે, સમગ્ર વિસ્તારના ભક્તજનોને સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.