1. News
  2. News
  3. વલસાડ જિલ્લામાં ભગવાન શ્રી બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર યાત્રાને સફળ બનાવવા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક !

વલસાડ જિલ્લામાં ભગવાન શ્રી બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર યાત્રાને સફળ બનાવવા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક !

Share

Share This Post

or copy the link

વલસાડ જિલ્લામાં આગામી તારીખ ૧૫મી નવેમ્બરના રોજ ભગવાન શ્રી બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યોજાનાર યાત્રા માટે આયોજનાત્મક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગને ભવ્ય અને સુસંગત રીતે ઉજવવામાં આવે તે માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી આદરણીય શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી તથા કાર્યક્રમના તબક્કાવાર આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભગવાન બિરસામુંડા જેવા મહાન આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીએ દેશ માટે કરેલા બલિદાનને યાદ કરીને, સમાજમાં તેમની વિચારધારાને પ્રસરાવવી એ સૌની ફરજ છે. આ યાત્રા માત્ર એક ઉજવણી નહીં પરંતુ આદિજાતિ સમાજની ગૌરવમય પરંપરાને પ્રગટ કરનાર એક જાગૃતિ અભિયાન બની રહેશે.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પણ કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા રાજ્યભરમાં આદિજાતિ સમાજના યોગદાનને નવી દિશા અને ઓળખ મળશે. વલસાડ જિલ્લા આદિજાતિ સંસ્કૃતિથી સમૃદ્ધ છે અને અહીંથી બિરસામુંડા જયંતી યાત્રાનો શુભારંભ થવો એ ગૌરવની બાબત છે.

બેઠકમાં વલસાડ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Ad..

બેઠક દરમિયાન યાત્રાના રૂટ, કાર્યક્રમ સ્થળ, સજાવટ, સુરક્ષા, પરિવહન, સ્વચ્છતા અને લોકસહભાગિતા જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાયો હતો. દરેક તબક્કે લોકભાગીદારી વધે તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવામંડળો અને ગ્રામપંચાયતોને પણ જોડવા અંગે ચર્ચા થઈ.

નાણાંમંત્રીશ્રીએ અંતે કહ્યું કે “ભગવાન બિરસામુંડા માત્ર આદિજાતિ સમુદાયના નહીં પરંતુ સમગ્ર ભારતના આદર્શ યોદ્ધા છે. તેમની જન્મજયંતી યાત્રા સમાજમાં એકતા, સ્વાભિમાન અને વિકાસનો સંદેશ આપશે.”

આગામી દિવસોમાં વિવિધ ઉપસમિતિઓ રચી વિગતવાર આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં થનારી આ ભવ્ય યાત્રા માટે સૌત્રે ઉત્સાહનું વાતાવરણ છે અને ભાજપ સંગઠન તેમજ વહીવટી તંત્ર બંનેએ મળીને તેને એક ઐતિહાસિક કાર્યક્રમ બનાવવાના સંકલ્પ સાથે તૈયારી શરૂ કરી દીધી છે.

વલસાડ જિલ્લામાં ભગવાન શ્રી બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાનાર યાત્રાને સફળ બનાવવા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક !
Comment

Your email address will not be published. Required fields are marked *