
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઠંડીના મોજા અનુભવાઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ સવાર-સાંજમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ઉત્તર-પૂર્વ દિશાના પવનો સક્રિય હોવાથી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે અને આવનારા દિવસોમાં વધુ વધારાની પૂરી શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર મહિનામાં ઠંડીનું જોર વધુ જોવા મળશે. ખાસ કરીને ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર ભારતમાં પણ શીત લહેર ફૂંકાઈ રહી છે, જેના પડઘા ગુજરાતના ઉત્તર-પૂર્વ વિસ્તાર સુધી પહોંચશે. રાજસ્થાન સરહદને અડીને આવેલા જિલ્લાઓ—પાટણ, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલ—માં આ સપ્તાહે લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઠંડી વચ્ચે વાદળછાયા વાતાવરણ અને માવઠાની પણ શક્યતા વ્યક્ત થઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં બપોર બાદ આકાશમાં વાદળોની સપાટી જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપ ન હોવા છતાં ડિસેમ્બર દરમિયાન અને ત્યાર બાદ 10 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા જેવું માવઠું થાય તેવી સંભાવના છે.
રાજ્યના શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, જ્યારે નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત અમરેલીમાં 13.8, રાજકોટમાં 14.3, ભુજમાં 14.8 અને કંડલામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.