
વાપી : શહેરના એક પેટ્રોલ પંપ સામે માપમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો થતાં વિસ્તારના લોકોમાં ચર્ચા ફેલાઈ છે. ગ્રાહકના જણાવ્યા મુજબ પંપ પર માપમાં ગેરરીતિ કરીને સામાન્ય લોકોને છેતરવામાં આવી રહ્યા છે, જેના કારણે પુરવઠા વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, ઘટના તા. 9 નવેમ્બર 2025ના રોજ સવારે 11.45 થી 11.55 વચ્ચેની છે. ફરિયાદકર્તા તેમની દીકરીને વિશાલ મેગા માર્ટ ખાતે યોજાયેલી પરીક્ષા માટે છોડવા ગયા હતા. પરીક્ષા પૂર્ણ થવાનો સમય આવતાં ઘરે પરત ફરતા પહેલાં તેમણે નજીકના એક પેટ્રોલ પંપ પર ₹100નું પેટ્રોલ ભરાવ્યું હતું.
ગ્રાહકના જણાવ્યા મુજબ, પેટ્રોલ ભરાવ્યા બાદ ગાડી સામાન્ય રીતે 65 કિ.મી. પ્રતિ લિટરનું એવરેજ આપતી હોવા છતાં માત્ર 15 કિ.મી. ચાલ્યા બાદ જ ગાડી અચાનક બંધ પડી ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટાંકી સંપૂર્ણ ખાલી હતી. આથી સ્પષ્ટ થાય છે કે પંપ પર પૂરતું પેટ્રોલ નાંખવામાં આવ્યું નહોતું.
ગ્રાહકે જણાવ્યું કે તે સમયે પંપ પર ત્રણ કર્મચારીઓ હાજર હતા. જ્યારે તેમણે પ્રશ્ન કર્યો ત્યારે કર્મચારીઓએ જવાબ આપ્યો — “કાકા, ગાડી જૂની છે, ” પરંતુ ગ્રાહકનો દાવો છે કે તેમની ગાડીની સ્થિતિ સારી છે અને તે હંમેશા યોગ્ય એવરેજ આપે છે.
આ ઘટના બાદ ગ્રાહકે જણાવ્યું કે આવી રીતે રોજના અનેક ગ્રાહકોને માપમાં ગેરરીતિ કરીને છેતરવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકો, જેમને ટેક્નિકલ જ્ઞાન ઓછું હોય, તેઓ આ છેતરપિંડીનો ભોગ બને છે. આવી ઘટનાઓ માત્ર નાણાકીય નુકસાન જ નહીં પરંતુ ગ્રાહકોમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરે છે.
ફરિયાદકર્તાએ પુરવઠા વિભાગને અપીલ કરી છે કે સંબંધિત પેટ્રોલ પંપની માપણી તાત્કાલિક હાથ ધરી CCTV ફૂટેજ તપાસવામાં આવે. જો માપમાં ગેરરીતિ સાબિત થાય તો સંબંધી પંપ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને અને સામાન્ય ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.
સ્થાનિક નાગરિકોએ પણ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે જો પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ન થાય તો ગ્રાહક સંરક્ષણ સંગઠનો આ મામલાને આગળ ધપાવશે.
વાપી જેવા ઉદ્યોગિક શહેરમાં, જ્યાં રોજના હજારો વાહનચાલકો પેટ્રોલ પંપનો ઉપયોગ કરે છે, ત્યાં માપમાં ગેરરીતિ જેવી બાબત ચિંતાજનક ગણાય છે. પુરવઠા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી જનતામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી બની ગયું છે.