1. News
  2. News
  3. વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : વલસાડ જિલ્લાના વાપીમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹૧૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ

વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : વલસાડ જિલ્લાના વાપીમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹૧૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ

Share

Share This Post

or copy the link


“મહાનગરપાલિકા બનવાથી વધુ ગ્રાન્ટની ફાળવણીથી અનેક વિકાસ કાર્યોને વેગ મળ્યો છે” – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે વાપી મહાનગરપાલિકાના આશરે ₹૧૭ કરોડના ૧૧ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ વાપીના છરવાડા કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે ₹૧૬ લાખના ખર્ચે બનેલા આધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ મંત્રીશ્રીએ કર્યું હતું.

આ પ્રસંગે છરવાડા, છીરી તથા સલવાવ વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની ટાંકી, હેરિટેજ બ્રેકેટ, પંપિંગ મશીનરી અને પાઈપલાઈન જેવી સુવિધાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ આયુષ્યમાન આરોગ્ય કાર્ડના લાભાર્થીઓને મંત્રીશ્રીએ પોતાના હસ્તે કાર્ડ વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ “વિકાસ શપથ” ગ્રહણ કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “કોઈપણ વિસ્તારના વિકાસ માટે સમર્પિત અને કાર્યક્ષમ અધિકારીઓની ભૂમિકા અગત્યની રહે છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરને વધુ ગ્રાન્ટની ફાળવણી થઈ છે, જેના કારણે વિવિધ પ્રોજેક્ટોને વેગ મળ્યો છે. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના સંકલનથી સમયસર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે શહેરના પાયાના પ્રશ્નો – જેમ કે રસ્તા, પાણી અને સફાઈ – માટે સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે.”

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક સુવિધાઓ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી કોઈ નવો વેરો વધારવામાં આવશે નહીં. પીવાના પાણીની યોજનાઓ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહી છે તેમજ સ્વચ્છતા કામગીરી પણ વધુ સુધારાઈ રહી છે, જે શહેરના નાગરિકો માટે આનંદદાયક બાબત છે.

કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી, ડેપ્યુટી કમિશનર આશ્થા સોલંકી તથા અશ્વિન પાઠક, વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, મનપાના માજી કારોબારી અધ્યક્ષ મિતેષ દેસાઈ, નોટિફાઈડ એરિયા માજી પ્રમુખ હેમંત પટેલ અને છરવાડાના માજી સરપંચ યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ સપ્તાહની આ ઉજવણી વાપી મહાનગરપાલિકાના સતત પ્રગતિમાર્ગ તરફના એક વધુ મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહી છે.

વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : વલસાડ જિલ્લાના વાપીમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹૧૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ
Comment

Your email address will not be published. Required fields are marked *