1. News
  2. News
  3. વિધાતાની વિચિત્રતા!!

વિધાતાની વિચિત્રતા!!

Share

Share This Post

or copy the link

ગયાં અંકમાં આપણે જોયું કે શ્રીદેવી પોતાનાં લાડકા દીકરા સાર્થક માટે ક્રીમ બિસ્કીટ લેવાનું જોખમ ઉઠાવે છે, અને પાર્વતીથી રૂમનું બારણું લોક કરવાનું રહી ગયું હોવાથી, એ બુરખો પહેરીને નીચે ઉતરે છે. સુધીર દત્ત સાથે હવેલી પર આવતાં રસ્તામાં તેને એક નાનકડી એવી હાટડી જોઈ હતી, અને ત્યાં ગ્લુકોઝના બિસ્કીટ લટકતા હતાં. એટલે તેણે અનુમાન કર્યું કે, ત્યાં કદાચ ક્રીમ બિસ્કીટ પણ હોઈ શકે! બિસ્કીટ માટે રૂપિયા જોઈશે અને એના કપડાની બેગમાં સુધીર દત્ત દ્વારા રૂપિયા રખાયા હતાં, એ જોઈને શ્રીદેવીને તેની પર માન થઈ ગયું. પરંતુ આ બધું બહુ જ જોખમી હતું, એટલે તે બુરખો પહેરીને એ તરફ જઈ રહી હતી, ત્યાં તેને ત્યાંથી એક સ્ત્રીને પાછી આવતી જોઈ, અને બાદમાં તેને ખબર પડે છે કે આ તો પાર્વતી જ છે! તો બીજી બાજુ સુરેખા અને સિદ્ધાર્થને પણ એવો અંદાજો થઈ ગયો હતો કે સુધીર દત્ત એ શ્રીદેવીને નક્કી બચાવી લીધી છે, અને એ જ રીતે એણે સાર્થક ને પણ પોતે જ અહીં થી ઉઠાંતરી કરી, અને અમારા નામે કમ્પ્લેન કરી. એટલે એ બંને જણાને એણે કોઈ સુરક્ષિત જગ્યાએ રાખી દીધા છે, અને એ બાતમી મેળવવા માટે એને બંગલોનાં સિક્યુરિટી ગાર્ડને જ પસંદગી કરી, જે હકીકતમાં સુધીર દત્તનો જ માણસ છે. આ ઉપરાંત દુબઈ એક બિઝનેસ ડીલ માટે મોકલેલા શ્રીપાલને દુબઈ પોલીસે શ્રીપાલ ને સકંજામાં લઈ લીધો છે, અને અસલી ગુનેગાર તો સુરેખા અને સિદ્ધાર્થ છે, એની જાણ થતા એ લોકોએ તેને દુબઈ આવી પુરાવા આપવા માટે જણાવ્યું. શું હવે શ્રીદેવીનું જીવન આગળ સુધીરદતના ઈચ્છવા મુજબ જશે કે હજી કોઈ વિધાતાની વિચિત્રતા એને નડશે? એ જાણવા માટે વાંચો આગળ…..

શ્રીદેવી બિસ્કીટ લેવા જઈ રહી હતી, અને ત્યાં જ તેને એક સ્ત્રીને એ નાનકડી એવી હાટડી એટલે કે દુકાનમાંથી બહાર આવતા જોઈ, અને એ પાર્વતી છે એવો ખ્યાલ આવતાં, તેના મનમાં કેટલા બધા સવાલો ઉભા થયા કે! શું પાર્વતી ખોટું બોલી રહી છે? તેને જ આ યુવક સાથે સંબંધ હશે? એટલે તેના પતિએ તેની સાથે આવો વ્યવહાર કર્યો હશે?; કારણ ગમે તે હોય પણ શું એના પતિનું આવો વ્યવહાર માફ કરી શકાય? શ્રીદેવીનું મન અત્યંત ખિન્ન થઈ ગયું, તેણે કહ્યું નહીં બિલકુલ નહીં. શું સ્ત્રી કોઈ સાધન છે? ક્યાં સુધી પુરુષ પ્રધાન સમાજ તેને સાધન સમજવાની ભૂલ કરશે? જોકે શહેરમાં તો હવે ઘણો સુધારો આવી ગયો છે, પરંતુ આવા આંતરિયા વિસ્તારો હજી આ પ્રકારની માનસિકતા માંથી બહાર આવ્યા નથી! અને સ્ત્રીઓને હજી પણ દાબમાં એટલે કે અનુસાસનમાં રાખવા આવું કરતાં પણ અચકાતા નથી. શ્રીદેવીએ આ વિચારને મનમાંથી કાઢી, અને એ હાટડી તરફ આગળ ચાલવાનું શરૂ કર્યું. પેલો યુવક હજી ત્યાં જ ઉભો હતો, અને એણે જોયું કે બીજી કોઈ સ્ત્રી આ તરફ આવી રહી છે, અને એ જાણે શ્રીદેવીને ઓળખતો હોય! એમ તેણે ત્યાંથી જ તેને હાથનો ઇશારો કરી અને અહીં આવવાની ના પાડી, અને પોતે એ તરફથી ઝડપથી ચાલીને શ્રીદેવી તરફ આવ્યો. પહેલા તો શ્રીદેવીને સમજાયું નહીં, પરંતુ પછી એ તરત સમજી ગઈ, અને વળતા પગલાં કરી વળી પાછી એ દીવાલની ઓથે ઉભી રહી ગઈ. એકાદ મિનિટમાં જ એ યુવક ત્યાં આવી ગયો, અને તેણે કહ્યું કે હું તમને ઓળખું છું, અને મારું નામ અખિલેશ છે. તમે ક્યારેય આ દુકાન તરફ આવવાનું વિચારતા નહીં! શ્રીદેવીએ કહ્યું કે પણ મને મારા દીકરા માટે ક્રીમ બિસ્કીટ લેવા છે! પેલા યુવક કે જેનું નામ અખિલેશ હતું, એણે કહ્યું કે પાર્વતી અત્યારે એ બધું લેવાં જ અહીં આવી હતી, બાકી એ ક્યારેય અહીં આવતી નથી. એણે તમને એના પતિ વિશે તો કહ્યું જ હશે! પરંતુ આજે સવારે જ તેને એના મોટાભાઈનો ફોન આવ્યો, અને એણે કહ્યું તમારા લોકો માટે આટલી વસ્તુનો બંદોબસ્ત થઈ શકે એમ હોય તો કરી આપજે. કારણ કે સાર્થક બંગલોમાં રહેવા ટેવાયેલો છે, અને એને ઘણી બધી વસ્તુઓની આદત હોય. આમ પણ હજી અહીં તેનું રોકાણ 15 એક દિવસ પૂરતું તો પાક્કું જ છે! એટલે પાર્વતી પોતાના જીવના જોખમે અહીં આવી હતી! વળી પાછું સુધીર દત્ત માટે શ્રીદેવીને અત્યંત માન થઈ આવ્યું, અને એણે મનોમન કહ્યું મારા આ સ્નેહી મિત્ર પર વારી જાઉં! પરંતુ પોતે તો માત્ર બોલી ને જ આ ભાવ વ્યક્ત કરી શકે છે, જ્યારે સુધીર તો ખરેખરા સમયમાં તેનો સાચો સાથ આપી રહ્યો છે! શ્રીદેવી હવેલી તરફ પાછી ફરી. પરંતુ તેના મનમાં અત્યારે બે ભાવ રમતા હતાં, એક ડરનો અને બીજો સુધીરના નિસ્વાર્થ ઉપકાર ને કારણે અહોભાવ નો ભાવ!; વળી કોઈ જોતું નથી ને ! એ પાકું કરીને એ હવેલીની પાછળની સીડી ચડી ગઈ, અને પોતાના રૂમમાં આવી બુરખો કાઢ્યો ત્યારે તેને હાશ થઈ! એ પોતાના પલંગ પર બેઠી હતી, ત્યાં જ પાર્વતી આવી, અને એણે પેલી કેરી બેગ ત્યાં આગળ મૂકી,અને શ્રીદેવી પાસે આવીને શ્રીદેવીને એક તમાચો માર્યો. શ્રીદેવી કંઈ સમજી નહિ, એટલે તેણે આઆઆઆ….એમ ઈશારો કરીને કહ્યું કે તું બહાર કેમ ગઈ હતી?; તું મારી જવાબદારી છો, અને આમ કરી તે શ્રીદેવીને ભેટી અને રડવા લાગી. તેણે કહ્યું કે તું સુખવંતને હજી ઓળખતી નથી, એની શીકારી નજરથી તને હું દૂર રાખવા મથું છું, અને તું આવું નાદાની ભર્યું વર્તન કરે છે? શ્રીદેવીને પણ ખ્યાલ આવી ગયો હતો, અને તેણે પોતાના બે કાન પકડી તેની માફી માંગી. પાર્વતીએ પણ તેને લાફો માર્યો એની માફી માંગી, શ્રીદેવીએ એને કહ્યું કે તું સાચી છો, તને મારી માટે પ્રેમ છે, લાગણી છે, મમતા છે, એટલે તારાથી આવું થયું, એની માટે માફી માગવાની ના હોય!: શ્રીદેવીએ પાર્વતી ને કહ્યું કે એક વાત પૂછું? હવે આમ તો શ્રીદેવીને પાર્વતીના ઇશારાની ભાષા થોડીક સમજાવા લાગી હતી, અને બંને જણાં આ રીતે થોડી ઘણી વાતચીત પણ કરતા હતાં. શ્રીદેવીએ પાર્વતી ને પૂછ્યું કે સુખવંત આટલો બધો ખૂંખાર કે અમાનુષી છે, એ વાત સુધીર દત્ત જાણે છે? પાર્વતીએ નકારમાં ડોકું ધુણાવ્યું, પરંતુ ઈશારાથી જણાવ્યું કે આ ઇલાકામાં પોલીસ અને બીજા રાજકીય કે ગુંડાઓ સુખવંત થી ડરે છે, અને તારી તપાસ કરવા અહીં કોઈપણ પ્રકારના માણસો આવી શકે તેમ નથી, એ જાણતા હોવાથી મોટાભાઈએ તને અહીં આગળ રાખી છે!; શ્રીદેવીને વળી સુધીર દત્ત પ્રત્યે અહોભાવ થયો કે, સુધીર મારી માટે કેટકેટલુ લાંબુ વિચારે છે. આ ઉપરાંત તેને એ વિચાર પણ આવ્યો કે જો સુધીર જાણતો હોય કે પાર્વતી સાથે અહીં કેટલા અત્યાચાર થાય છે, તો એ એને અહીં કોઈપણ સંજોગોમાં રહેવા દે નહીં! અને જ્યારે પણ સુધીર દત્ત મને અહીંથી લઈ જવા આવશે, ત્યારે હું તેને પાર્વતીને પણ આપણી સાથે લઈ જવાનું કારણ જણાવીશ, અને એને આ ત્રાસમાંથી મુક્ત કરવી એ જ હવે મારા જીવનનું પણ લક્ષ્ય રહેશે!; પરંતુ પેલા યુવક અખિલેશનું સ્મરણ થતાં જ શ્રીદેવીએ વિચાર્યું કે, શું પાર્વતી અહીંથી આવશે ખરી? શ્રીદેવીને વિચારતી જોઈ પાર્વતીએ કહ્યું કે શું વિચારે છે? ત્યારે શ્રીદેવીએ તેની હળવી મસ્તી કરતાં અખિલેશ વિશે ઈશારાથી જણાવ્યું, અને પાર્વતી શરમાઈ ગઈ! તેના ગાલ એકદમ લાલ થઈ આવ્યાં, અને શ્રીદેવી જોઈ રહી હતી કે તેના દિલમાં એની પ્રત્યે પ્રેમ ઉભરાઈ રહ્યો છે, અને એ બધું જ પાર્વતીની નિખાલસતામાં અને સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. પાર્વતી દેખાવે આમ પણ ખૂબ જ સુંદર હતી, અને એમાં આ પાછો પ્રેમનો ભાવ!! એટલે શ્રીદેવીથી રહેવાયું નહિ અને તે તેને ભેટી પડી, માથું ચુમતા એણે એને કહ્યું કે એ બહુ જ સુંદર અને સારા સ્વભાવનો છે, બિલકુલ તારી જેવો! પાર્વતીએ શરમાતાં કહ્યું કે, હવે મારે અહીંથી જવું જોઈએ, નહીં તો કોઈ જોઈ જશે!, અને તે હળવે પગલે ચાલી ગઈ. શ્રીદેવી વિચારતી હતી કે આ સ્ત્રી ને હું કોની સાથે સરખાવી શકું! પાર્વતી માટેની એની વિચારયાત્રા લાંબી ચાલે, એ પહેલા જ સાર્થકે ઊઠીને મોટી મમ્મી એમ કહ્યું!: અને એનું સમગ્ર અસ્તિત્વ સાર્થક તરફ ખેંચાઈ ગયું. સાર્થકની યાદશક્તિ બહુ જ સારી હતી, એણે કહ્યું મોટી મમ્મી તમે મને ક્રીમ બિસ્કીટ આપવાનું કહ્યું હતું. શ્રીદેવી એ કેરી બેગ તપાસી નહોતી, એટલે એને ખબર નહોતી કે એમાં ક્રીમ બિસ્કીટ છે કે નહીં. એણે સાર્થક ને કહ્યું કે પહેલા પથારીમાંથી ઉભો થઈ વોશરૂમમાં જઈ ફ્રેશ થઈ આવ! પછી બીજી વાત. જેટલી વારમાં સાર્થક પાછો આવે, ત્યાં સુધીમાં કેરી બેગ ચેક થઈ જાય. કારણ કે શ્રીદેવી ઇચ્છતી નહોતી, કે સાર્થક આ બધું જોઈ લે, અને વારંવાર જીદ કરે!; જેવો સાર્થક વોશરૂમ તરફ ગયો. એટલે એણે તરત જ કેરી બેગ ચેક કરી લીધી, તો એમાં પાંચ મોટા પેકેટ ક્રીમ બિસ્કીટ, બે ત્રણ પેકેટ વેફર, શીંગ, દાળિયા, પોપકોર્ન, ચેવડો, ચીઝ બાઇટસ વગેરે ઘણું હતું. પણ એ જોવાનો અત્યારે સમય નહોતો, એટલે એણે ઝડપથી એક પેકેટ બહાર રાખી બાકીની કેરી બેગ સંતાડી દીધી. સાર્થક બહાર આવ્યો, એટલે એને એ ક્રીમ બિસ્કીટમાંથી બે હાથમાં બે ક્રીમ બિસ્કીટ આપ્યાં, અને કહ્યું કે હવે આ બે દિવસ પછી મળશે, નહીં તો વળી પાછી તરત શરદી થઈ જશે! સાર્થક પોતાના ભાવતા ક્રીમ બિસ્કીટ જોઈને શ્રીદેવીને પ્રેમથી વળગી પડ્યો! અને મા દીકરો બંને આમ એકબીજાના અસ્તિત્વમાં સમાઈ ગયાં.

બીજી બાજુ સુરેખા અને સિદ્ધાર્થ વિચારતા હતા કે દુબઈ તો જવું જ પડશે! પરંતુ એ દરમિયાન શ્રીદેવી પાછી આવીને બંગલો પર કબજો કરી લેશે, તો આપણે ક્યાં જઈશું? એટલે કંઈક તો કરવું પડશે, અને શ્રીદેવી પાછી ન આવે એની માટે થઈને એને શોધવા માટે માણસો પણ હાયર કરવા પડશે. એકલા સિક્યુરિટી ગાર્ડથી કંઈ થશે નહીં! તો દસ દિવસ માટે કેસીનો પણ બંધ રાખી શકાશે નહીં, અને ચાલુ રાખીશું તો પોલીસને આમ પણ શંકા પડી છે, તો ક્યાંક આપણે ન હોઈએ ત્યારે એને સીલ લગાડી દે! અંતે એવું નક્કી થયું કે સુરેખા દુબઈ જશે, અને સિદ્ધાર્થ અહીં આગળ રહેશે. જેને કારણે અહીંની પરિસ્થિતિને પહોંચી વળાય! બીજે દિવસે સવારની ફલાઈટમાં જ સુરેખા દુબઈ જવા નીકળી, અને એનું પ્લેન દુબઈ તરફ જવા ટેક ઓફ થયું,અને એરપોર્ટ પરથી એને મુકીને સિદ્ધાર્થ બહાર નીકળ્યો, ત્યાં જ સ્થાનિક પોલીસ એ એને સાર્થકનાં કીડનેપ માટેનું એરેસ્ટ સર્ચ વોરંટ બતાવી ગીરફતાર કર્યો. શ્રીપાલ એ એની પર કેસ કર્યો હતો, અને પોતાની ભલી ભોળી પત્નીને ચંદ રુપિયાની લાલચ આપીને એણે જ બહેકાવી છે! એવો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધાર્થ એ એનાં વકીલને ફોન કરવા માટે પરમીશન માંગી અને એને ફોન લગાવ્યો…..

હવે સિદ્ધાર્થનો વકીલ એને બેલ પર છોડાવી શકશે, કે એને જેલમાં જવું પડશે? સુરેખા દુબઈ પોલીસ ને કંઈ રીતે પોતાની બેગુનાહીનાં પુરાવા આપી શકશે! અને સિદ્ધાર્થ ને જેલમાં મોકલી સુધીર દત્ત આખરે શું સાબિત કરવા માંગે છે? કે પછી એને છોડાવવા માટે સુરેખા સાથે કોઈ ડીલ કરવા માંગે છે? કે કેસિનો અંડર ચાલતી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ ને બંધ કરવા પોલીસને હિતચિંતક તરીકે બાતમી આપીને એને સીલ કરાવવા માંગે છે? અને યક્ષ પ્રશ્ન જેવો પ્રશ્ન તો હજી ઉપસ્થિત જ છે કે શું પાર્વતી શ્રીદેવીને સુખવંત થી બચાવી શકશે? અને શ્રીદેવી એ નરાધમ ની જાળમાંથી છોડાવીને અખિલેશ સાથે એનું મિલન કરાવી શકશે! અને સુધીર દત્તનાં કહેવા મુજબ હજી પંદર દિવસ આ હવેલીમાં કેદ રહેવું પડશે!; તો શું ત્યાર બાદ શ્રીદેવી ના જીવનની બધી જ તકલીફોનો અંત આવી જશે? સાર્થકની ક્રીમ બિસ્કીટની માંગ પૂરી થઈ, એટલે શું સાર્થક હવે વારંવાર આવી માંગ કરશે! એણે સમજવું જોઈએ કે આ તેનો બંગલો નથી, પણ એ બાળક છે, એટલે એ આ બધું સમજે નહીં! તો શું શ્રીદેવી સાર્થકની માંગ પૂરી કરવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે? લાગે છે શ્રીદેવી નું જીવન આવાં નાનાં મોટાં સવાલોથી ઘેરાયેલું જ રહેશે એ જાણવા હજી થોડું થોભો! વધુ આવતા અંકે……

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!
Comment

Your email address will not be published. Required fields are marked *