વિધાતાની વિચિત્રતા!!

Share

Share This Post

or copy the link

ગયાં અંકમાં આપણે જોયું કે સુખવંતની નજર શ્રીદેવી પર પડી ગઈ, પણ ઈશ્વર કૃપાથી એ જ સમયે પોલીસ જીપ આવી, અને સુખવંત ને લઈ ગઈ. પાર્વતી શ્રીદેવી ને સુધીર દત્તને આ વાત જણાવી દેવા કહે છે. સુધીર દત્તના આવ્યા પહેલાં, શ્રીદેવીને સાર્થક બંનેને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકવા પડશે. કારણ કે સુખવંત તો હમણાં જ પોલીસને સમજાવીને ત્યાંથી પાછો ફરી જશે! એટલે વધુ રિસ્ક લેવાય નહીં. આ તો ઈશ્વરે મને એક મોકો આપ્યો છે તો એનો ઉપયોગ શું કામ ન કરવો! આવું વિચારીને શ્રીદેવી અને સાર્થક ને તાત્કાલિક અખિલેશ ના ઘરે તેને બાંહેધરી આપી ને રાખે છે. પરંતુ તે છતાં એને સુખવંતનો ડર તો લાગે જ છે! સુધીર દત્ત બહાદુર નંબર ટુ નો ફોન લાગતો ન હોવાથી ચિંતિત થાય છે, ત્યાં જ એક કલાક બાદ એનો કોઈ અનનોન નંબર પરથી ફોન આવતા વળી પાછી પરિસ્થિતિ થાળે પડે છે, અને સુરેખા ને કઈ રીતે ટ્રેક કરી શકાય છે? તેની સંપૂર્ણ માહિતી પોતાના દ્વારા બહાદુર દ્વારા ખરીદાયેલા બીજા મોબાઇલમાં મોકલી દીધી, અને બહાદુરે સુરેખા નો પીછો પણ કર્યો, અને બધી જ માહિતી એણે સુધીર દત્તના મોબાઇલમાં મોકલી દીધી. બીજા ગુડ ન્યુઝ તરીકે સિદ્ધાર્થના વકીલે પણ આ કેસ લડવાની મનાઈ ફરમાવતો એક મેસેજ કર્યો. એમણે કહ્યું કે આવી કોઈ વ્યક્તિ ના હું પરિચયમાં નથી, અને શું કામ કોઈ મારું ઘર કલંકિત કરે એ ચલાવી લઉં! આમ દુબઈમાં પરિસ્થિતિ થાળે પડતી જાય છે, અને બહાદુર સો ટકા સુરેખા ને પોતાની ચાલમાં કામયાબ નહીં થવા દે! એ ઉપરાંત વકીલે પણ કેસ લડવાની ના પાડી! આ દુગની ખુશીની લિજ્જતમાં ભંગ પડાવતો શ્રીદેવીનો ફોન આવ્યો, અને તેને કઈ રીતે ત્યાંથી બહાર કાઢશે? એ વિચારીને ચિંતાતુર થઈ જાય છે! હજી ચિંતા ઓછી હોય, એમ લોકલ પોલીસ ઇન્સ્પેક્ટર પણ કેસિનો પર રેડ પાડવાનું કહે છે, અને સુધીર તેને કેમે કરીને સમજાવી શકતો નથી, કે શ્રીદેવીની જિંદગી ખતરામાં છે. પરંતુ આ એવી તક હતી, જ્યારે કેસિનો પર ધાબો બોલાવવાથી જરૂર કંઈક પ્રાપ્ત થાય એમ છે! માટે શું કરવું! શું કરવું! એમ વિચારતો સુધીર દત્ત, શ્રીદેવી જો સુરક્ષિત હોય તો 24 કલાકની મહોલત લેવા ફોન જોડે છે, પરંતુ શ્રીદેવીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો એવું બતાવે છે, જે એનાં માન્યમાં આવતું નથી! અખિલેશ શ્રીદેવીને જણાવે છે કે આપણે આ ફોન ઉપાડીશું તો સુખવંત આપણને ફોનના લોકેશન પરથી પકડી પાડશે, એટલે શ્રીદેવી જાણતી હોવા છતાં ફોન ઉપાડતી નથી, પણ થોડીવારમાં એક અનનોન નંબર પરથી ફોન આવે છે… હવે સુધીર દત્ત શું કરે છે? શ્રીદેવી ને લેવા આવે છે! કે ઇન્સ્પેક્ટરની વાત સાંભળી કેસિનો પર રેડ પાડવા જાય છે! અને બહાદુર નંબર 2 આગળ ઉપર શું માહિતી આપશે! સુરેખા પોતાની ચાલમાં કામિયાબ થશે કે નહીં? આ બધું જાણવા વાંચો આગળ….

શ્રીદેવીને લેવા જવી કે લોકલ ઇન્સ્પેક્ટર સાથે કેસિનો પર રેડ પાડવા જવું એ બાબતે સુધીર દત્ત દ્વિધા અનુભવતો હતો. એમાં ઉપરથી શ્રીદેવી નો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, એટલે શ્રીદેવી વિશે થોડી ચિંતા પણ થતી હતી, કે શું થયું હશે? સુખવંત એને પકડી પાડી હશે? એને બંદી બનાવી દીધી હશે? કે આખરે શું થયું હશે? પરંતુ એ જાણતો હતો કે શ્રીદેવી બ્લેક બેલ્ટ કરાટે ચેમ્પિયન છે, એટલે એ રીતે કોઈના હાથમાં આવે એમ નથી, પરંતુ તે છતાંય સાર્થક ને કારણે કોઈએ તેને બ્લેકમેલ કરી હોય, અથવા તો બંદી બનાવી શક્યા હોય! હજી એની વિચારયાત્રા આગળ ચાલત! પરંતુ એ પહેલાં જ મોબાઈલમાં એક અનનોન નંબર પરથી ફોન આવે છે, અને સુધીર દત્ત વિચારે છે, કે આ કોણ હશે? અને અંતે truecaller માં જોતા ખ્યાલ આવે છે કે, આ તો શ્રીદેવી અને સાર્થક ને જે એરિયામાં એટલે કે બીજલી પૂરમાં રાખ્યા છે, એ જ લોકેશન બતાવે છે! અને કોઈ અખિલેશ ભાટી નામ બતાવે છે. એના મગજમાં વીજળી ચમકી, અને એને થયું કે શ્રીદેવી એ પોતાનો ફોન સ્વીચ ઓફ થતાં કદાચ આ વ્યક્તિ પાસે ફોન કરાવ્યો હોય! અને એ ફોન ઉપાડે છે, શ્રીદેવી તેની સાથે વાત કરે છે, અને કહે છે, કે હું એ હવેલી માંથી બહાર નીકળી ગઈ છું, અને અહીં આ અખિલેશ નામના યુવાનના ઘરમાં છું. એ યુવાન તમારી બેન પાર્વતીને પ્રેમ કરે છે, એટલે એણે મારી અને સાર્થકની સ્વેચ્છાએ બાંહેધારી સ્વીકારી છે. પરંતુ સુખવંત એટલો આસાનીથી બેસશે નહીં, એટલે વહેલામાં વહેલી તકે અહીં આવી અમને છોડાવી જાવ! સુધીર દત્ત ને કહેવું હતું, કે 24 કલાકની મુદત મળે તો સારું! પરંતુ એનાં હોઠ સિવાય ગયાં. હવે એની પાસે માત્ર શ્રીદેવીને પાછા લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો! સુધીર શ્રીદેવીને અહીં કેસ કેટલો આગળ ચાલ્યો છે, એની અપડેટ આપવા વિચાર્યું. એણે શ્રીદેવીને જણાવતાં કહ્યું કે બિઝનેસ ડીલ માટે ગયેલાં શ્રીપાલને દુબઈ પોલીસે એરેસ્ટ કરી લીધો છે, અને આ ડીલના ફ્રોડ માટે સુરેખા ને પણ બેગુનાહીનો સબૂત આપવા માટે દુબઈ બોલાવી છે. જ્યારે સિદ્ધાર્થને સાર્થકના કિડનેપિંગ માટે અહીંની લોકલ પોલીસે એરેસ્ટ કર્યો છે, અને આજે સુરેખાનાં કેસિનો પર રેડ પાડવા માટે, હું અને લોકલ ઇન્સ્પેક્ટર જવાના હતાં! પરંતુ ત્યાં જ તારી સાથે આ ટ્રેઝડી થઈ, અને હવે હું એ બધું જ કામ પડતું મૂકીને તને લેવા નીકળું છું! શ્રીદેવી એ અખિલેશ સામે જોયું અને પૂછ્યું કે એક દિવસ માટે હજી વધુ સુરક્ષિત રાખી શકીશ! તો હું સુધીર દત્તને એનું મિશન પૂરું કરવાની પરવાનગી આપું!! અખિલેશે પણ હકારમાં માથું ધોણાવ્યું, અને શ્રીદેવીએ સુધીર દત્તને કહ્યું કે કંઈ વાંધો નહીં! હું અને સાર્થક અહીં સુરક્ષિત જ છીએ, તમે પહેલા આજે રાત્રે કેસિનો પર ધાબો બોલાવી અને જે કંઈ સબૂત મળે એ મેળવી લો! સુધીર દત્તે કહ્યું સ્યોર? એણે કહ્યું 100% સ્યોર !! આમ તો તમને ખબર છે, હું મારી સુરક્ષા જાતે જ કરી શકું છું, પરંતુ આ સાર્થક ને કારણે મારે થોડી વધુ સાવચેતી રાખવી પડે. સુધીર દત્તને થયું કે વાહ કેવી સમજદાર છે શ્રીદેવી! એટલે જ એ મને જીવથી પણ વ્હાલી લાગે છે. કોલેજમાં હતી, ત્યારથી શ્રીદેવી દરેક પરિસ્થિતિમાંથી કોઈને કોઈ હલ તો કાઢી જ લેતી હતી. પરંતુ મારે પણ આ તકનો ઉપયોગ કરીને એની માટે વધુ સારું હોય એવું કોઈ સોલ્યુશન શોધવું પડશે! કારણ કે એમ હજી એને આ શહેરમાં લાવવાની ઉતાવળ પણ કરવી નથી.

સુધીર દત્ત જાણતો હતો કે એકલા બહાદુર નંબર ટુ પર ભરોસો કરી, અને આ કેસ સોલ્વ થશે નહીં! આથી એને ત્યાંના એક લોકલ પોલીસ હેડ કોન્સ્ટેબલની મદદ લીધી હતી, અને એનાં કહેવાથી જ એક વ્યક્તિ બહાદુર નંબર ટુ ને એના જુના દોસ્ત તરીકે મળે છે, અને એ વ્યક્તિ એની સાથે રહી અને બહાદુર પર પણ ધ્યાન રાખે છે, અને બહાદુર જ્યાં આગળ જાય છે તે જગ્યાએ બહાદુરની સેફ્ટી નું પેલી વ્યક્તિ એટલે કે રમેશ સાવંત ધ્યાન રાખે છે. આ ઉપરાંત આ મિશન કમ્પ્લીટ થાય એ માટે થઈને અન્યથી કોઈ નુકસાન ન થાય એની પૂરેપૂરી કાળજી રાખે છે. બહાદુર નંબર ટુ નો જુનો મિત્ર એટલે કે રમેશ સાવંત એ એક ટેક્સી ડ્રાઇવર બની, અને સુરેખાની સાથે રહે છે. સુરેખા ને એરપોર્ટથી હોટેલ સુધી અને હોટેલથી પોલીસ સ્ટેશન સુધી રમેશ સાવંત જ લઈ જાય છે, અને સુરેખા ને તેની પર પૂરો ભરોસો પણ છે. સુરેખા જ્યારે એરપોર્ટ થી સીધી પોલીસ સ્ટેશન જાય છે, અને ત્યારબાદ હોટેલ જાય છે, ત્યારે સુરેખા પોતાની એક કીમતી ચીજ વસ્તુ ટેક્સીમાં ભૂલી જાય છે, અને રમેશ એ કિંમતી વસ્તુ તેને પાછી આપે છે, એટલે આ રીતે તે એની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી થાય છે. કેસિનો માં પોતાની ચાલ કામયાબ ન થતાં, સુરેખા ઉદાસ થઈને કેસિનો માંથી બહાર આવે છે, અને ટેક્સીમાં ગોઠવાય છે. ટેક્સી ડ્રાઇવર રમેશ સુરેખાની ઉદાસી પામી જાય છે, અને આ તકનો લાભ લેવા માટે એ તેને દુબઈ પોલીસના એ ઇન્સ્પેક્ટર પાસે લઈ જવા વિચારે છે. એણે કહ્યું મેમસાબ આપ ચિંતા મત હી કરો! મેં આપકા દર્દ સમજતાં હું, મેં આપકો ઉસી જગા લે જાઉંગા જહા વો સાહબ રહેતે હો! સુરેખા વિચારવા લાગે છે કે ટેક્સી ડ્રાઇવરને કઈ રીતે ખબર પડી કે, મારી સાથે શું થયું? અને મારે અત્યારે કોની સાથે જવું હતું! અથવા તો એનો કિસ્સો તમામ કરવો હતો. એને ડાયરેક્ટલી જ પૂછી લીધું, કિસ કી બાત કરતે હો આપ! રમેશ સાવંતે કહ્યું વો ઇન્સ્પેક્ટર! જો કેસિનો મેં આપકે હાથ નહીં આંયાં! વો અભી કહા મિલ સકતા હૈ, વો મેરે કો સબ કુછ પતા હૈ! સુરેખા એ કહ્યું કે, મેં ઐસે કિસી આદમી કો પહચાનતી નહીં, આપકો જરૂર કોઈ ગલતફહેમી હુઈ હૈ! મેરે કો અભી હોટલ પે હી જાના હૈ, આપ પ્લીઝ મેરે કો યહી છોડ દીજીએ! એમ કરી આગળ જતાં ચાર રસ્તા પર જ એને ઉતરી જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ડ્રાઇવર રમેશ સાવંતને પોતાની હોશિયારી લાગતી બેવકૂફી પર ગુસ્સો આવ્યો, અને એણે કહ્યું પ્લીઝ!! મેમસાબ અચ્છા તો ફિર આપ કહા જાયેગી! આપ બહોત ઉદાસ હો, એસા લગતા હેં! અગર આપ કહી ઓર જાના ચાહતી હૈ, તો મેં આપકો લે જા સકતા હું! સુરેખા ચૂપ રહી કારણકે એને થયું કે, છે ક્યાંય જવું નથી! આ તો સાલો ખોટો ખોટો લાભ લેવાની વૃત્તિ વાળો લાગે છે. એણે મનમાં ને મનમાં કહ્યું છે વેત જેવડો અને એની ઉડાન તો જો! એમ સુરેખાને જાળમાં ફસાવવી અઘરી છે, એ કંઈ તારી વાતમાં આવી જાય એમ નથી! હોટલ આવતા જ ડ્રાઈવર એ કારનું ડોર ખોલ્યું અને સુરેખા નીચે ઉતરી! એની પોતાની સાડી તેની પેન્સિલ હિલમાં ભરાઈ ગઈ, અને તેનું બેલેન્સ રહ્યું નહીં. એણે ઓઈ મા.. કરીને પડતું મુક્યું. રમેશ સાવંતે સુરેખાને પોતાના બંને હાથો વડે જીલી લીધી, અને તે ભોંય પર પછડાતા બચી ગઈ! છતાં પણ એનો ગુસ્સો હજી નાક પર જ હતો. એણે રમેશ સાવંતનાં ગાલ પર એક તમાચો રસીદ કરી દીધો, અને કહ્યું તારી મને અડકવાની હિંમત કેમ ચાલી? રમેશ સાવંતને થયું કે સાવ મૂર્ખ છે, થેંક્યુ કહેવાની જગ્યાએ એક તમાચો મારે છે. મેં પકડી નહોતો ભોંય ભેગી થઈ ગઈ હોત! અને બે ચાર હાડકાં પણ ભાંગી ગયાં હોત! એ તો એ જ લાગની છે, પણ છતાં સોરી કહ્યું, અને મનમાં વિચારતો હતો કે હવે નેકી કરવાનો જમાનો જ નથી, એ વાત સાવ સાચી! આમ મૂંગો મૂંગો પોતાનો આક્રોશ ઓગાળતો રમેશ સાવંત સુરેખા ને હોટલમાં જતી જોઈ રહ્યો, અને મનોમન બોલ્યો સાલીને પડવા દેવાની જ જરૂર હતી! આમ એ મરાઠી છે, પણ એનો જન્મ વડોદરામાં થયો હતો, અને એનાં ઘણાં મિત્રો ગુજરાતી જ હતાં, એટલે એને સરસ ગુજરાતી આવડતું હતું. સુરેખા રોફ‌ કરતી ચાલી ગઈ! પણ પછી એને પસ્તાવો થયો કે કામનો માણસ હતો નાહક એની સાથે બગાડ્યું!

દુબઈ પોલીસ પર જે કંપની સાથે ફ્રોડ થયો હતો એનું દબાણ વધતું જતું હતું, કારણ કે રુપિયા દસ કરોડ જેવી મોટી રકમનો સવાલ હતો! એટલે આજે દુબઈ પોલીસ એ સુરેખા શ્રીપાલ અને એન્ટ્રો મની નામની કંપની કે જેણે પોતાની સાથે ફ્રોડ થયો છે એવો દાવો કર્યો હતો બંને ને સાથે બોલાવ્યા! સુરેખા ને ચેતવણી આપી કે જો આજે એ કંપની ને સંતોષ થાય એવા પુરાવા નહીં આપે તો એને પણ જેલ ભેગી કરી દેશે, અને પછી કંપની કાયદેસર કાર્યવાહી કરશે! પછી જ્યારે કોર્ટ ચુકાદો આપે ત્યારે! ત્યાં સુધી જેલમાં રહેવું પડશે! કંપનીનો દાવો હતો કે માલ ડિલિવર થયાં પહેલા જ રુપિયા લઈ લીધાં છે! છેલ્લા ત્રણ મહિનામાં માલ આવ્યાની એકપણ એન્ટ્રી છે નહીં! અને સુરેખાનો દાવો હતો કે માલની ડિલિવરી થઈ છે! પણ એનો માણસ એન્ટ્રી કરવાનું ભૂલી ગયો! એકચ્યુલી નવો મોટો ઓર્ડર લેવા શ્રીપાલ ગયો અને આ કેસ ખુલ્યો કે આ પહેલાં માલ ક્યારે આવ્યો હતો? સુરેખા એ ગોડાઉનમાં માલ ઉતરતો હોય! એવાં ફોટો બતાવવાના હતાં. ઉપરાંત ત્યારે શું ટાઈમ હતો! અને કંઈ તારીખ એ માલ આવ્યો હતો? ત્યારે ડ્યુટી પર કોણ વ્યક્તિ હતું, શું એણે સહી કરીને માલ લીધો હતો? કે પછી આમ જ ! અને આટલો મોટો ઓર્ડર હોય તો માલ આપવા આવનારની પણ ફરજ બને છે કે, એણે માલ સુપ્રત કર્યો છે એની કોઈ સાબિતી હોય! હવે સુરેખા આટલાં બધાં પુરાવા લાવે ક્યાંથી? કારણકે આ જ તો એનાં ધંધાની પોલીસી હતી! એટલે કે બેઈમાની અને છેતરપિંડી! પણ એ બરોબરની ફસાઈ ગઈ હતી! હવે એ આ સ્કેમ માંથી કેમ નીકળશે! પણ એ સુરેખા હતી, જેનું નામનો અર્થ જ ખાલી સુંદર સીધી લીટી થતો હતો, બાકી એ જબરજસ્ત આંટીઘૂંટી ઓ ધરાવતી હતી, અને કેટલાય ચરિત્ર વાનનાં ચરિત્રોને એણે ધૂળ ચાટતા કરી નાખ્યાં હતાં. એ જાણતી હતી કે આ વખતે એટલી આસાનીથી આ કાર્ય પાર પાડવાનું નથી! પણ છતાં કંઈક જુગાડ તો એ કરી જ લેશે! એવી એને આશા હતી, એટલે એ ફૂલ કોન્ફીડન્સ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગઈ! એણે એન્ટ્રો મની કંપનીનાં સીઈઓ સાથે હાથ મેળવ્યા, અને એક સુંદર સ્મિત એની તરફ ફેંક્યું….

હવે શું થશે શ્રીદેવી નું? સુખવંત એને શોધી લેશે? કે પછી પાર્વતી પર જુલ્મ કરશે! અને એ બતાવી દેશે! શું નાનકડો એવો સાર્થક ત્યાં કંઈ રીતે એટજેસ્ટ કરશે! કે પછી સામે ખુલ્લુ મેદાન હોવાથી અખિલેશનાં ઘરમાંથી રમતો રમતો બહાર નીકળી જશે? સુધીર દત્ત અને લોકલ ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા ને કેસિનો પર રેડ પાડવાથી શું હાથ લાગશે? અખિલેશે સુખવંત થી બચવા આ સિવાય કોઈ સ્થાન વિચાર્યું હશે કે નહીં? અને હા સૌથી અગત્યનું શું સુરેખા પોતે તો માલ ડિલિવર કર્યો છે! એવું સાબિત કરી શકશે ખરી ? અને રમેશ‌ સાવંત પોતાને મારેલા તમાચાનો બદલો કંઈ રીતે લેશે? ઓહ એકવાત તો રહી જ ગઈ! કે સુધીર દત્ત ને પછી એકપણ વખત બહાદુર નંબર ટુ નો ફોન નહોતો આવ્યો અને ઉપરથી સુરેખા ના ફોટોની બદલે પોતે દારુ ની રંગત જમાવી હતી,એ ફોટા કોઈ એ મોકલ્યા હતા એ જુદું! બહાદુર નંબર ટુ એ સાચે જ જો દારુ પી ગયો હશે તો તો શું થશે! આખું દુબઈ માથે લેશે! હવે હકીકતમાં શ્રીદેવી સાથે શું થાય છે! એ જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે…..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!
Comment

Your email address will not be published. Required fields are marked *