1. News
  2. એન્ટરટેઇનમેન્ટ
  3. વિધાતાની વિચિત્રતા!!

વિધાતાની વિચિત્રતા!!

Share

Share This Post

or copy the link

ગયા અંકમાં આપણે જોયું કે દુબઈ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ચાલમાં ફસાયો નહીં, અને એનું દુઃખ લઈને સુરેખા હોટલ પાછી ફરી રહી હતી, ત્યારે ટેક્સી ડ્રાઇવર એ તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી, અને સુરેખા ટેક્સીમાંથી ઉતરતી હતી, ત્યારે સહેજ પગ સ્લીપ થતાં પડવા જતી સુરેખાને ટેક્સી ડ્રાઇવર રમેશ એ પકડી લીધી, એટલે થેન્ક્યુ કહેવાની બદલે, સુરેખા એ તેનાં ગાલ પર એક તમાચો લગાવી દીધો. રમેશ સાવંતને ગુસ્સો તો આવ્યો, પરંતુ એને સુરેખા પાસેથી કંઈક મહત્વની માહિતી જોઈતી હતી, એટલે એને સોરી કહી વાતને પતાવી દીધી. આ બાજુ બહાદુર નંબર ટુ ને થયું કે, રાત્રે દારૂ પીવાની સાહેબે ના પાડી નથી, અથવા તો એવી કોઈ ચોખવટ થઈ નથી, અને હવે તો સુઈ જ જવાનું છે! આથી તેણે બે પેગ વિસ્કી લગાવી! અને તેના દારુ પીતા ફોટા સુધીર દત્તના મોબાઇલમાં પહોંચી ગયાં. ઉપરથી આજે સુરેખાની કોઈ અપડેટ પણ બહાદુર નંબર ટુ એ મોકલી ન હતી, એટલે આગળની માહિતી મેળવવાં સુધીર દત્ત હવે શું કરશે! શું ફોટા મોકલનાર ને જાણતો હતો? એની સહાય લેશે? પરંતુ અત્યારે તો સુધીર દત્ત સામે બહુ મોટા બે પડકાર ઊભાં હતાં! એક તો સુખવંત થી બચાવીને શ્રીદેવીને કોઈ બીજી જગ્યાએ રાખવાની હતી, અને બીજું સુરેખા અને સિદ્ધાર્થ બંનેની ગેરહાજરીમાં કેસીનો પર રેડ પાડી, કાયદાકીય રીતે કાયમી એની પર સીલ લગાડવાનું હતું! તો પેલી બાજુ નાનકડા એવા કુબા જેવા ગામમાં સુખવંતથી લોકો એટલી હદે ડરતા હતાં, કે જો કોઈને ખબર પડી જાય કે અખિલેશના ઘરમાં શ્રીદેવીને પનાહ મળી છે, તો કોઈક તો એને વિશે સુખવંત ને કાન ભંભીરણી કરી જ દે! અખિલેશ બહાદુર હતો, પરંતુ ઉંમરમાં હજી ઘણો નાનો હતો, એટલે એનાથી વધુ દિવસ સુધી શ્રીદેવીનું રક્ષણ થાય એમ નહોતું! એ પોતે પણ આ વાત જાણતો હતો, અને એમાં પણ જ્યારે સામે દુશ્મન તરીકે સુખવંત હોય, ત્યારે તો આ પોલ ખુલતા લગભગ અડધીથી એક કલાક સુધીનો જ સમય લાગે! અને સુખવંત પાસે તો ગુનેગાર ને પકડી ધૂળ ચાટતાં કરવા માટે સમય જ સમય હતો, બસ એનાં આવવાની જ વાર હતી. તો આ બધી સમસ્યાઓ કંઈ તરફ મોડ લેશે અને શું શ્રીદેવીની ફેવરમાં કોઈ ઘટના ઘટશે! જેમ કે ગયાં અંકમાં છેક છેલ્લી ઘડીએ સુખવંત ને ગિરફ્તાર કરવા પોલીસ આવી ગઈ! શું આ વખતે પણ એવું કંઈ થશે! એ જાણવા વાંચો આગળ….

અખિલેશનાં ઘરમાં એક બહુ મોટું ભોંયરુ હતું! અને ભોંયરાનો બીજો છેડો હાઈ વે બાજુ નીકળતો હતો, લગભગ એક કિલોમીટરનાં અંતરે જ હાઈ વે આવી જતો હતો. આ ઉપરાંત આ વાતની જાણ ગામના કોઈપણ ને હતી નહીં! આમ તો આ ભોંયરા નો ઉપયોગ ગોડાઉન તરીકે થતો હતો, અને તેનો એક પંજાબી મિત્ર કે જેનું નામ જોરાવર સિંગ હતું એ સ્મગલિંગ કરતો હતો, અને એ એનાં નામ પ્રમાણે જ જોરાવર હતો, કે જેનો માલ આ ગોડાઉનમાં રહેતો હતો. બદલામાં તે અખિલેશને સારું એવું એનું ભાડું ચૂકવતો હતો. પરંતુ હાલ એમાં કોઈ પણ પ્રકારનો માલ હતો નહીં, એટલે અખિલેશે વિચાર્યું કે જરૂરત પડે તો શ્રીદેવી અને સાર્થક બંનેને એ માર્ગેથી બહાર કાઢી શકાય ખરાં! આમ પણ અખિલેશ આ ઘરમાં એકલો જ રહેતો હતો, એટલે કે એના માતા પિતા દુર્ભાગ્ય કોઈ એક્સિડન્ટમાં માર્યા ગયાં હતાં, અને બહેન પરણીને સાસરે ગઈ હતી. અખિલેશે શ્રીદેવીને ભોયરાની પેલે પાર રસ્તો છે, અને એ રસ્તો હાઇવે સુધી પહોંચે છે એ વાત કરી રાખી, જેથી કરીને દુકાન પર સુખવંત આવે અને એની સાથે વાતચીત થાય એમાં માણસો મારવા લાગે તો શ્રીદેવી સમજી જાય અને એ રસ્તે બહાર નીકળી, હાઇવે પર પહોંચી કોઈપણની મદદ લઈ શકે!

લગભગ દોઢ કલાક પછી સુખવંતની જીપ ગામમાં આવી, અને તાત્કાલિક એ હવેલીની પાછળની સીડી ચડી ઉપર ગયો. પરંતુ ઉપર તાળું મારીને ત્યાંથી એને લઈ ગયું હોય, એમ બધી જ વસ્તુઓ વેરવિખેર પડી હતી, અને એના ઢસડાયાના નિશાન પણ હતા! એ નીચે આવ્યો એને થયું કે નક્કી આ કામ પાર્વતીનું છે. પણ નીચે આવીને જુએ છે તો પાર્વતી હવેલીના હોલના મુખ્ય સ્તંભ સાથે બંધાયેલી હતી, અને એનાં શરીર પર કોઈનાં મારવાનાં ડાધ હતાં, ઉપરાંત એ રડતી હતી! આમ તો 90% સુખવંત સમજી ગયો, કે પેલી સ્ત્રીને ઉપરથી બહાર કાઢવામાં પાર્વતીનો જ હાથ છે, અને હવે જ્યારે કોઈ એની પર શંકા ન કરે, એટલે પોતાની જાતને કેદ કરી દીધી છે! પણ એમ એ મારા હાથમાંથી છટકી નહીં શકે, અને એણે ચાબુક મંગાવી. પાર્વતીના વાળ આઘા કરી અને વાસામાં ચાબુક મારવા જતો હતો ત્યાં જ એનું ધ્યાન ગયું, કે જે કોઈની આ રમત હશે એણે પણ પાર્વતીને ચાબુક જ મારી છે! તો કોણ હશે આ કે જે મારી જેમ સ્ત્રી સાથે આવો વ્યવહાર કરતાં પણ અટકાયું નહીં! શું ગામમાં કોઈ બીજો સુખવંત પેદા થયો, કે પછી ડર અને લાલસા બંનેનું ભેગુ સ્વરૂપ એવું છે કોણ? સુખવંતે પોતાના નોકરોને બોલાવ્યા પહેલા સીધી રીતે પૂછ્યું અને પછી ધમકાવીને પૂછ્યું, પણ દરેકે કહ્યું કે અમને કંઈ ખબર નથી. હમ તો મેમસાબ જબ ચીલ્લાઈ તબ બહાર આયે, ઔર બચાનીકી કોશિશ કી તો હમકો ભી મારને લગે, ઔર હમારી બાત કીસીને સુની નહીં.
પણ આ તો સુખવંત હતો, એટલો ઝડપથી હાર થોડું માની લે! એટલે એને કહ્યું કે જે જે ખોટું બોલ્યા હશે એની મને ખબર પડશે તો હું એનું તરત જ ખૂન કરાવી દઈશ! નોકરો એ કહ્યું હા હમેં સબ કુબુલ હૈ. સુખવંત એ તરત જ પાર્વતીને છોડી અને પાર્વતીએ સુખવંત ના પગમાં પડી. પછી હવેલીની બહાર આવેલા ખુલ્લા મેદાનમાં કે જ્યાં પંચાયત ભરવામાં આવતી હતી, સુખવંત ત્યાં આવ્યો! અને એક અગત્યની જાહેરાત છે! એમ કરી તમામ ગામ લોકોને એવા જ સમયે બોલાવ્યા! ધીરે ધીરે કરતા તો આખું મેદાન ભરાવા આવ્યું. સુખવંતે તેમને કહ્યું કે હવે આ ગામડાનું જીવન પૂરું કરી હું વિલાયત જવા માંગું છું, અને જે કોઈ સાચું બોલશે એને આ હવેલી આપતો જઈશ! પાર્વતીના પેટમાં ફાળ પડી કે હવેલીની લાલચને કારણે, તો કેટલાય લોકો કહી દેશે! અરે બીજાને છોડો નોકરો જ કહી દેશે, કે મેમસાબ તો પોતાની હાથે જ બંધાયા હતાં, અને એણે જ ઉપર રહેનેવાલી મેમસાબ કો કહી ઔર ભેજા હૈ! સમગ્ર ગામ લોકો આવી ગયા હતાં. પરંતુ સુખવંતની નજર હજી કોઈને શોધી રહી હતી! પાર્વતીએ પણ આમતેમ ઉપર બધે જ જોયું! પણ અખિલેશ ક્યાંય દેખાતો નહોતો! એટલે એ રીતે પણ એ ચિંતિત હતી, કે હવે સુખવંતને તરત ખ્યાલ આવી જશે! પણ એટલી વારમાં અખિલેશ લંગડાતો લંગડાતો આવ્યો અને એણે પોતાનો પગ બતાવતા કહ્યું કે માય બાપ મેને ઉસકો રોકને કી બહોત કોશિશ કી, મગર દેખો વો મેરે કો માર કે ચલે ગયે! પાર્વતી અને અખિલેશનું જ આ કામ છે, કારણ કે એ બંને જણા ને જ વાગ્યું હતું. શું આખા ગામમાંથી બીજું કોઈ આડું નહીં આવ્યું હોય? કે એમાંથી કોઈને કેમ કોઈ ઈજા ન થઈ! છતાં સુખવંત ધૈર્ય રાખીને બોલ્યો આપકો તો ઈનામ મિલના ચાહિયે, કે આપને ઉસકો રોકને કી કોશિશ કી, યે હાર રખલો! એમ કરી પોતાના ગળામાં પહેરેલો હાર તેને આપે છે! અખિલેશે લેવાનો ઇનકાર કર્યો, અને કહ્યું વો તો મેરી ફરજ થી! સુખવંતે કહ્યું અબ કિતના ઘાટા કરોગે, લે લો કભીના કભી કામ આયેગા, અબ તુમ્હારા ઇસ ગાવ મેં દાના પાની ભી પુરા હુઆ એસા લગતા હૈ! અખિલેશને સમજાઈ ગયું કે, સુખવંત ને મારા પર શંકા પડી છે! હેં ભગવાન હવે શ્રીદેવી મેમસાબનું જે થાય તે! પાર્વતી મને માફ કરજે, હું તારી આપેલી જવાબદારી પૂરી ન‌ કરી શક્યો!

કેટલા વખતથી બંધ ઓરોડમાં પુરાયેલા સાર્થકને થોડી મુક્તતા મળી, અને રૂમ પણ મોટો હતો, તેમજ રૂમની બરાબર સામે એક ખુલ્લુ મોટું મેદાન પણ દેખાતું હતું, અને અહીં તો બહારથી લોક પણ નહોતું! એટલે તેને વારંવાર ત્યાં જવાનું મન થતું હતું, અને અંતે તેનાથી રહેવાયું નહીં, એટલે તે બહાર દોડી ગયો. અખિલેશના ઘરનું નિરીક્ષણ કરતી શ્રીદેવીને અચાનક ખ્યાલ આવ્યો કે સાર્થક બહાર દોડી ગયો છે. એટલે એ તેને પકડવા એની પાછળ દોડી, અને સાર્થક! સાર્થક! એમ બૂમ પાડતી હતી. સાર્થક ને પણ એમ થતું હતું કે મોટી મમ્મી હવે પકડી પાડશે, એટલે એ પણ વધુ જોરથી દોડી રહ્યો હતો, પરંતુ અચાનક એને ઠેસ વાગી અને એ પડી ગયો! શ્રીદેવી એની પાસે પહોંચી ગઈ, અને એણે જોયું તો સાર્થકના કપાળમાં બહુ બધું લોહી નીકળતું હતું. એણે મદદ માટે કોઈને બોલાવવા ઊંચું જોયું, તો બધા જ ગામ લોકો હવેલી તરફ જઈ રહ્યાં હતાં, અને હવેલી માંથી, સુખવંતનાં નોકરો જલ્દી આવો બહુ અગત્યની સૂચના છે! એમ બૂમ પાડતા હતાં, અને એણે જોયું તો અખિલેશ પણ લંગડાતો લંગડાતો એ તરફ‌ જઈ રહ્યો! શ્રીદેવી ને તરત જ સ્ટ્રાઈક થઈ ગઈ કે સુખવંત આવી ગયો છે, અને એ ગમે તેમ કરીને અખિલેશ અથવા તો પાર્વતીનું મોઢું ખોલાવી મને પકડી પાડશે! પણ હવે આ સાર્થક ને બેન્ડેડ પટ્ટી કરવી પડશે! હું એને ક્યાં લઈ જાઉં! પડી જવાથી સાર્થક રડતો હતો, એણે એનું મોઢું દાબી દીધું અને અખિલેશનાં ઘર તરફ દોડી! એણે અંદર જઈને પહેલાં બારણું અંદરથી બંધ કરી દીધું, અને પછી અખિલેશ ના ઘરનાં રસોડામાં જઈને હળદર શોધીને સાર્થક ને લગાડી, અને થોડીવાર ઘા ઉપર જોરથી હાથ દાબી રાખ્યો! લોહી નીકળતું બંધ થયું એટલે સાર્થક ને લઈને ભોંયરા તરફ દોડી! અખિલેશે ખાલી વાત કરી હતી કે આ બાજુ છે! પણ અહીં તો એવું કંઈ દેખાતું નહોતું! પછી એને ખ્યાલ આવ્યો કે અખિલેશ એ કહ્યું હતું કે આ ભોંયરા વિશે કોઈ જાણતું નથી એટલે નક્કી એ કોઈ વસ્તુ પાછળ હશે અથવા તો કોઈ વસ્તુ થી ખુલતું હશે! એણે ત્યાં આગળના ભાગમાં જે જે વસ્તુ પડી હતી એને ઘુમાવવાની કોશિશ કરી પણ કંઈ વળ્યું નહીં! એક તો સમય ઓછો હતો અને એમાં ભોંયરાનું મોઢું જડતું નહોતું! હે ભગવાન હવે હું શું કરીશ! એમ શ્રીદેવી ને થઈ ગયું, ત્યાં સાર્થકને એક હાથીના શો પીસ પર બેસાડીને એ બધે ધક્કા મારતી હતી, અને સાર્થક મોટી મમ્મી મોટી મમ્મી એમ કરી એની પર ઉભો થઇ કૂદકા મારવા લાગ્યો! અને તરત જ એ તરફની દિવાલ ખસી ગઈ, અને સામે ભોંયરું દેખાયું! એ તરત જ સાર્થક ને લઈને એ તરફ સરકી અને માંડ માંડ ત્યાં પહોંચી અને જેવી અંદર પ્રવેશી એવું જ ભોંયરું બંધ થઈ ગયું, કારણ કે સાર્થક ને તેડી લેતાં હાથી પરથી વજન હટી ગયું! એને અખિલેશ પર ભરોસો હતો, પણ ભોંયરું સાવ ભેંકાર હતું, એમાં લાઈટ હશે કે નહીં! એ પણ ખબર નહોતી. એ તો સુધીર દત્તનો કોન્ટેક્ટ કરી શકાય, એટલે સેલ ફોન અને થોડાક બિસ્કીટ નાં પેકેટ અને બીજો કોરો નાસ્તો એની હાટડી માંથી નીકળતા નીકળતા ખેંચી લીધું હતું એ બધું, સાર્થકનાં એક જોડ કપડાં, પોતાની શાલ વગેરે, એક કીટ બેગમાં નાખ્યું હતું. એ મોબાઈલની ટોર્ચથી આગળ વધતી જતી હતી,પણ ભોંયરાનો બીજો છેડો આવતો જ નહોતો! સાર્થક ને વાગ્યું હતું, એટલે એ ચાલતો નહોતો! એટલે એને તેડીને લઈ જવો પડતો હતો! લગભગ દસ મિનિટ એકધારું ચાલવા છતાં ભોંયરાનું દ્વાર આવ્યું નહીં! અને શ્રીદેવીના શ્વાસ ફૂલી ગયા હતાં! આજે તો કંઈ ખાધું પણ નહોતું. કારણકે ન્હાઈ ને નીકળી ત્યાં જ સુખવંત જોઈ ગયો, અને આ બધી બબાલ થઇ! એણે પોતાની જાતને ટપારતા કહ્યું શું જરૂર હતી રવેશમા વાળ કોરા કરવાની! પણ જે થવાનું હતું તે થઇ ગયું! શ્રીદેવીને થયું કે, પણ અત્યારે તો હવે બેસવું જ પડશે! એણે વિચાર્યું કે આમ પણ હાઈ વે પર અત્યારે કોઈ ગામનું હોય તો ખબર પડી જાય! એનાં કરતાં થોડીવાર બેસીને થાક ઉતારી લઉં! ત્યાં બપોર થશે અને રસ્તાઓ સુમસામ થશે ત્યારે કોઈ ગાડી કે ટ્રક નીકળે તો એમાં બેસી જવું! સાર્થકને થોડા બિસ્કીટ ખવરાવ્યા અને પોતે પણ ખાધાં! બંને ને સારો એવો થાક લાગ્યો હતો, એટલે એ બેઠી. પણ એનું મન‌ તરત જ પાર્વતી અને અખિલેશ ને સુખવંત એ કંઈ સજા આપી હશે? એ વિચારવા લાગ્યું! એને થયું કે મારે આમ એ લોકોને છોડીને ચાલી ન જવું જોઈએ! પોતે તો ઠીક પણ સુખવંત નાં હાથમાં આવું તો આ સાર્થક ને તો એ ન‌ જ છોડે! એણે મનોમન કહ્યું સુધીર તમે ક્યાં છો? પ્લીઝ જલ્દી આવો ને! આમ વિચારતા વિચારતા એની આંખ લાગી ગઈ! એક તો હવે શું થશે એ ડીપ્રેશન‌ અને થાક બંને ભેગા થયા અને લગભગ બે કલાક જેવો સમય નીકળી ગયો! અને રાત જેવી નીંદરમાં એને પાર્વતી અને અખિલેશ બંનેને બાંધીને સુખવંત ચાબુકથી મારતો હોય એવું સ્વપ્ન આવ્યું! અને એણે નહીં….. એવી ચીસ પાડી, અને સાર્થક જાગી ગયો! એણે મોટી મમ્મી! મોટી મમ્મી કરી શ્રીદેવીને જગાડી, ત્યારે એ જાગી, અને મોબાઈલમાં જોયું તો બહુ મોડું થઇ ગયું હતું,એ સાર્થક ને લઈને ભોંયરાનાં પેલા છોડ તરફ રીતસર દોડવા લાગી,પણ આ શું અહીં પણ એક દિવાલ જેવું હતું, હવે એ કેમ ખુલશે! અહીં તો એવું કંઈ જ દેખાતું નહોતું! શું બહારની બાજુ એ હશે! ના ના એવું ન હોય, એણે ફરી આજુબાજુ મોબાઈલ ટોર્ચ નાખી, અને જોયું તો ભોંયરાની ડાબી બાજુ એક ગોખલા જેવું હતું અને એમાં એક દીવડો પડ્યો હતો. એણે આમ તેમ દીવો ફેરવ્યો પણ કંઈ થયું નહીં! એણે વિચાર્યું કે દીવડો રાખ્યો છે એટલે નક્કી પ્રકાશ રીલેટેડ કોઈ વાત હશે, અને એણે જોયું કે આજુબાજુ દીવો પ્રગટાવવા માટે કંઈ છે! ત્યાં જ એને થયું કે ટોર્ચનો પ્રકાશ ફેકવાથી કંઈ થાય છે! ધીરેધીરે આમ તેમ ટોર્ચ ફેરવતી હતી ત્યાં દિવાલ ખસી ગઈ! અને આમ એ અને સાર્થક બંને બહાર આવી ગયાં. એણે પેલી શાલ માથે ઓઢી લીધી, અને સાર્થક ને પણ ટોપી પહેરાવી દીધી, અને અખિલેશનાં બતાવ્યા પ્રમાણે જમણી બાજુ ચાલવા લાગી, અને હજી તો હાઈ વે આવ્યો ન આવ્યો ત્યાં જ એક ગાડી આવી જરા અટકી અને શ્રીદેવીના મોઢા પર એક વ્યક્તિ એ હાથ રાખ્યો અને એ બંને ને અંદર ખેંચી લીધાં અને ગાડી પૂરપાટ સ્પીડથી શહેર તરફ દોડવા લાગી…..

શું થશે શ્રીદેવી નું? કોણ હતું એ જેણે શ્રીદેવી અને સાર્થક ને ખેંચી ને ગાડીમાં લઈ લીધાં? શું સુખવંત હતો એ ? શું પાર્વતી કે અખિલેશ નું મોઢું ખુલી ગયું હશે? અને હા સુધીર દત્ત અને ઇન્સ્પેક્ટર દિલીપ ચાવડા કેસિનો પર રેડ પાડી? એમને શું હાથ આવ્યું? અને સુરેખા નું શું થયું એ બહાદુર નંબર ટુ બતાવી શકશે? કે એણે પીધેલી વ્હીસ્કીમાં કંઈ હતું અને એ ઉઠી જ ન શક્યો! ઓહ બાપરે આ શ્રીકાંત મર્ડર કેસ તો સુલઝવાની બદલે ઉલઝતો જ જાય છે! શ્રીદેવી ની જીંદગીમાં આગળ શું થાય છે એ જાણવા થોડું થોભો અને રાહ જુઓ વધુ આવતા અંકે….

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!
Comment

Your email address will not be published. Required fields are marked *