વિધાતાની વિચિત્રતા!!

Share

Share This Post

or copy the link

ગયા અંકમાં આપણે જોયું કે શ્રીદેવીને સુધીર દત્ત અને ઇન્સ્પેક્ટર પરિમલ માથુર ઉપર પણ શંકા ગઈ કારણ કે એનાં કહ્યાં પહેલા જ સુધીર દત્તે તમામ શક્યતાઓ કહી દીધી, કે જેના સંશયથી તે એની પાસે ગઈ હતી. શ્રીદેવી એને મળીને પાછી આવે છે, અને થોડી જ વારમાં શ્રીદેવીના ફોનમાં પ્રિયદર્શની નામની એની ખાસ સહેલી નો ફોન આવે છે. જે કોલેજકાળમાં સુધીરદતને પસંદ કરતી હતી, અને જીવનસાથી તરીકે એનું સ્વપ્ન જોતી હતી અને એણે કેટલીવાર સુધી દત્તને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ સુધીર દતે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી, કે એ લગ્ન કરશે તો શ્રીદેવી સાથે જ કરશે! એટલે પ્રિયદર્શીનીએ શ્રીદેવીને ખાતરી આપી કે, દુનિયા આમથી તેમ થઈ જાય! પણ સુધીર તારો વિશ્વાસઘાત કરે એ વાત માની શકાય એવી નથી. શ્રીદેવીના મનને થોડીક નિરાંત થઈ, તેને થયું કે હું ખોટું વિચારતી હતી,અને તેના અત્યંત પજેસીવ પ્રેમને મેં ઓળખ્યો નહીં. પરંતુ હજી પણ પ્રશ્નોની વણઝાર તો એમની એમ જ હતી, એટલે કે સુરેખા ગેંગને સજા થશે? અને શ્રીકાંતની પરસેવાની કમાઈ પોતાને મળશે? સાર્થક નાં મા બાપ કોણ હશે? આ બધા પ્રશ્નોમાં અટવાયેલી શ્રીદેવી સુધીર દત્ત સાથે હળવાશ અનુભવવા થોડી પ્રેમ અને રોમાન્સની વાત કરવા ઈચ્છતી હતી, અને ફોન લગાડવા જતી હતી, ત્યાં જ તેના ફોનમાં કેટલા બધાં ફોટાં અપલોડ થયા, જેમાં જે તે વ્યક્તિના ફોટા હતાં, તે સુધીર દત્ત જેવો દેખાતો હતો, અને હજી તો વધુ કંઈ વિચારે, એ પહેલાં જ સુધી દત્તનો ફોન આવી ગયો, અને એણે કહ્યું શ્રીદેવી તું એકદમ સાવચેત થઈ જજે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ છે કે, તે કોઈ ડિટેક્ટીવને હાયર કર્યો છે, અને ડિટેક્ટીવને એના કેસીનો સુધીના રાજની ખબર છે. એટલે પોલીસને જાણ થાય એ પહેલા એ માર્ગમાંથી તારો કાટો કાઢવાનો પણ વિચારશે! માટે ગમે તે આવે બારણું ખોલતી નહીં!; હવે શું થશે હું બચી શકીશ કે નહીં! સુધીર દત્ત મને અહીંથી કઈ રીતે કાઢશે! એ બધા વિચારમાં શ્રીદેવી ફસાયેલી હતી ત્યાં જ આઉટ હાઉસ બારણે સાર્થક મોટી મમ્મી! મોટી મમ્મી! કરીને રાડ પાડતો હતો . શ્રીદેવી એકદમ બારણું ખોલવા માટે દોડી, ત્યાં એના પગમાં જંજીર અટવાઈ ગઈ હોય, તેમ સુધીર દત્તના શબ્દો અથડાયા કે ગમે તે થઈ જાય પણ તું બારણું ખોલતી નહીં, અને તે રોકાઈ ગઈ. પરંતુ બહારથી મોટી મમ્મી! મોટી મમ્મી! કરીને સાર્થક સાદ પાડતો હતો, અને શ્રીદેવીની મમતા તેને બારણું ખોલવા માટે વારંવાર ઈશારો કરતી હતી. શું શ્રીદેવી બારણું ખોલે છે? શું સાચે જ સાર્થક ત્યાં આગળ ઉભો હતો? સિક્યુરિટી ગાર્ડની મદદ લેશે! કે પછી સ્વયં સુધીર દત્ત આવી અને શ્રીદેવીની રક્ષા કરશે! સુરેખા ગેંગ શ્રીદેવીનું પણ શ્રીકાંતની જેમ મર્ડર કરી નાખશે કે કેમ? આ બધું જ જાણવા માટે વાંચો આગળ…..

સુધીર દત્તના શબ્દો યાદ આવતા શ્રીદેવીનો હાથ રોકાઈ જાય છે, પણ તેનું અંતર તડપી ઊઠે છે, કે પોતાનો દીકરો સાર્થક કોઈ મુશ્કેલી હશે? કે શું થયું હશે? એ જાણવા માટે હવે શું કરવું! એને સુધીર દત્તની કહેલી પહેલી વાત યાદ આવી કે સિક્યુરિટી ગાર્ડ એનો જ માણસ છે, અને એની મદદ એ ગમે ત્યારે લઈ શકે છે. એ બ્લેક કમાન્ડો છે, એટલે એમ પણ બધાં સામે પોતાનું રક્ષણ કરી શકે તેમ છે, એણે સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરવા માટે, ઇન્ટરકોમ ફોન લગાડ્યો, ફોન કેટલી વાર સુધી ઉપડ્યો નહીં, એટલે તેને ફાળ પડી કે સુરેખા ગેંગે સિક્યુરિટી ગાર્ડને ક્યાંક મોકલી દીધો હોય શકે છે. પરંતુ સુધીર દતની તેને ખાસ વોર્નિંગ હતી કે શ્રીદેવીને છોડીને તારે ક્યાંય જવાનું નથી, એટલે એ જાય એવી શક્યતા ઓછી હતી. તો શું આ લોકોએ તેને નુકસાન પહોંચાડ્યું હશે? ક્લોરોફોર્મ સુંઘાડી ને બેભાન બનાવી દીધો હશે? આવી કંઈક કટકળ શ્રીદેવીએ બેથી પાંચ મિનિટમાં કરી લીધી, તેનું મન સતત બહાર સાર્થક પાસે જવા ઉતાવળું થતું હતું, અને હવે જો એકાદ મિનિટમાં કોઈ નિર્ણય ન થાય તો એ, બારણું ખોલી જ નાખશે, તેવું તેણે વિચારી લીધું હતું, ત્યાં જ શ્રીદેવી ના ફોનમાં ઇન્ટરકોમ પરથી સિક્યુરિટી ગાર્ડનો સામેથી ફોન આવ્યો, અને પૂછ્યું કે મેડમ આપને ફોન કિયા થા! ક્યાં તકલીફ હૈ! શ્રીદેવીએ કહ્યું કે મારે જાણવું હતું કે આઉટ હાઉસમાં મેઈન ડોર પાસે કોણ ઊભું છે? ઓકે મેમ સાબ મેં અભી પતા કરકે બતાતા હું! એમ કરી તેણે ફોન મૂકી દીધો! 10 મિનિટ થઈ છતાં તેનો ફોન આવ્યો નહીં હવે શ્રીદેવી ને શંકા પડી કે સિક્યુરિટી બુથ પરથી જેણે વાત કરી એ કોઈ બીજું પણ હોઈ શકે છે! અને આ વિચાર આવતા તેને થોડો ડર પણ લાગ્યો. એણે સુધીર દત્તને ફોન કરવા કોશિશ કરી, પરંતુ સુધીર દત્તનો ફોન એન્ગેજ આવતો હતો. હવે એને શું કરવું? એ તેને સમજાતું નહોતું, પરંતુ હકીકતમાં સિક્યુરિટી ગાર્ડ ને આઉટ હાઉસની તપાસ કરવા પાછળનાં ભાગમાં આવવું પડે,અને ત્યાં આગળ પાર્કીંગ એરિયા પણ છે, એટલે કોઈ છુપાયું હોય એ શક્યતા એ તે હથિયાર સાથે આઉટ હાઉસ તરફ આવે છે, અને જુવે છે તો ત્યાં આગળ છોટી મેમસાબ એટલે કે સુરેખા અને સિદ્ધાર્થ હાથમાં ટેપ રેકોર્ડર લઈને ઉભાં હતાં, અને થોડી થોડીવારે મોટી મમ્મી! મોટી મમ્મી! એમ ટેપ વગાડતાં હતાં. આ બાજુ શ્રીદેવીને પણ વિચાર આવ્યો કે સતત અડધી કલાકથી સાર્થક મોટી મમ્મી! મોટી મમ્મી! કરે છે પરંતુ બારનું ન ખૂલતાં તે એક પણ વાર રડ્યો નથી! જો ખરેખર સાર્થક હોય તો એ તો ક્યારનો રડી પડે, અને કંઈક બીજું પણ બોલે. જેમ કે તમે બારણું શું કામ નથી ખોલતા! મને તમારી યાદ આવે છે! મારે સ્ટોરી સાંભળવી છે! મારે તમારી પાસે સુવું છે! આવું કંઈ બોલતો નથી, માત્ર મોટી મમ્મી! મોટી મમ્મી! બારણું ખોલો! એટલું જ બોલે છે. એટલે 99% આઉટ હાઉસના બારણે સાર્થક નથી!; એટલે એક રીતે સાર્થક ને કંઈ થયું નથી, એ રીતે એ નિશ્ચિત થઈ ગઈ, પણ તો.. તો.. હવે સુરેખા અને સિદ્ધાર્થ જ હોઈ શકે! જેણે મારા મર્ડર માટે આ પ્લાન કર્યો હોય! કારણ કે રાતના ત્રણ વાગ્યે બંગલાના પાછળના ભાગમાં ઘટેલી ઘટના વિશે કોઈને જાણકારી હોય નહીં. સિક્યુરિટી ગાર્ડ પણ બંગલો ના મેઈન ગેટ પાસે હોય! અને બીજું એ કે સિક્યુરિટી ગાર્ડ પર હજી સુરેખા ગેંગને શંકા ગઈ નથી, એટલે કે એ સુધીર દત્તનો શ્રીદેવીએ હાયર કરેલા ડિટેક્ટિવનો માણસ છે. એવી હજી તેને ગંધ આવી નહોતી, એટલે એની પર શંકા કરવાનું કે એ વિશે, વિચારવાનું એ લોકોના માસ્ટર માઈન્ડમાં આવ્યું નહીં. સિક્યુરિટી ગાર્ડ ને થયું કે શ્રીદેવીને જો આ વાત કરીશ તો મેમસાબ ડર જાયેગી! ઇસસે અચ્છા હે મેં સાબ કો હી ફોન કર લેતા હું! એમ વિચારી તેણે સુધીર દત્ત સાથે જ વાત કરી, અને હકીકતથી વાકેફ કર્યા. એણે એને કહ્યું કે તું જેમ આવ્યો છે, તેમજ કોઈને કંઈ પણ ખબર ન પડે, એવી રીતે પાછો બંગલોના ગેટ પર પહોંચી જા! હવે હું આખી બાજી હેન્ડલ કરી લઈશ!! સિક્યુરિટી ગાર્ડ એ પૂછ્યું કે બડી મેમસાબ કો કુછ બતાના હૈ? એટલે સુધીર દત્તે ના પાડી દીધી, અને કહ્યું કે તું ભી કુછ મત બતાના! હું વાત કરી લઈશ! આમ કરી ફોન મૂકી દીધો. ફોન મૂકી દીધા પછી એણે ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને, આખો વ્યૂ ગોઠવી નાખ્યો. એણે નાઈટ પેટ્રોલિંગ વાળી બધા એરિયાની થઈને લગભગ ચાર કે પાંચ ગાડી હતી, એ ગાડીને શ્રીદેવીનાં બંગલો તરફ જોર જોરથી સાયરન વગાડતી નીકળવાનું કહ્યું, અને એટલા એરિયામાં જ થોડી વાર સુધી, એટલે કે લગભગ અડધી કલાક સુધી, સાયરન વગાડીને ગાડી ફેરવવાનું કહ્યું!; નાઈટ પેટ્રોલિંગની તમામ ગાડીઓ શ્રીદેવીનાં બંગલો પાસેથી સાયરન વગાડતી પસાર થવા લાગી, અને એનાં અવાજને કારણે ત્યાં રહેતાં અન્ય રહીશ પણ જાગી ગયાં, તેમ જ સુરેખા અને સિદ્ધાર્થને પણ ફાળ પડી કે હમણાં પોલીસ અંદર આવશે? એટલે એ લોકો પણ ધીમે પગલે જેમ આવ્યાં હતાં તેમ ત્યાંથી ચાલ્યાં ગયાં, અને દર બે ત્રણ મિનિટે મોટી મમ્મી! મોટી મમ્મી! જે અવાજ સંભળાતો હતો, તે બંધ થઈ ગયો. હવે શ્રીદેવીને આમ પણ ખબર પડી ગઈ હતી, કે સાર્થક નથી અને અવાજ બંધ થઈ ગયો, એટલે એને થયું કે એ લોકો ચાલ્યાં ગયાં. ઉપરાંત પોલીસની જીપનું સાયરન એને પણ સંભળાતું હતું. એટલે ડરીને ચાલ્યા ગયા છે, એની પણ તેને જાણ થઈ ગઈ. પરંતુ હવે આ તકનો લાભ શ્રીદેવીને કઈ રીતે લેવો એ તે વિચારવા લાગી! એને થયું પોતે રાડ પાડે, એટલે ઈમરજન્સી સાયરન વાગશે, અને સિક્યુરિટી ગાર્ડ તરત જ દોડી આવશે! તેમ જ એ પોલીસને ફોન કરે તો! પણ આ ઘટનાને વાસ્તવિક પણ બનાવી પડે! એટલે કે ઘરમાં કંઈક થયું હોય એવું કરવું પડે! અને એને તરત જ આગ લાગવાને કારણે ચીસો પાડી, એવું સાબિત કરવાનું વિચાર્યું! એણે કિચનમાં જઈને પોતાની એક સાડીનો છેડો સળગાવી જ્યાં આગ વધવાનાં ચાન્સ સાવ નહીંવત હતાં, એ ખૂણામાં નાખી દીધી, અને ધૂમાડો થતાં તરત જ સાયરન વાગવા લાગ્યું, અને સિક્યુરિટી ગાર્ડ તરત જ આઉટ હાઉસ તરફ દોડી આવ્યો. એણે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશનને ફોન કર્યો, આ ઉપરાંત સુધીર દત્તને પણ જણાવ્યું! નાઈટ પેટ્રોલિંગ કરતી ગાડીઓ ત્યાં જ આંટા મારતી હતી, એટલે બે કે ત્રણ મિનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર કનકસિંહ અને બે સબ કોન્સ્ટેબલ ત્યાં આવી પહોંચ્યાં! અને જાણ્યું કે અંદર એકલી મહિલા છે, એટલે એમણે તરત જ બે લેડી કોન્સ્ટેબલ ને બોલાવી લીધી. આ ઉપરાંત બંગલો માંથી સુરેખા અને સિદ્ધાર્થ પણ દોડીને આવી ગયા. શ્રીદેવી ને નાટક અસલ હોય એવું દ્રશ્ય ઊભું કરવાનું હતું, એટલે એણે એક પેટીકોટ અને બ્લાઉઝ પહેરીને બે પાંચ મિનીટ રહેવું પડશે, પછી લેડી કોન્સ્ટેબલ ના હાથે એને તરત બ્લેન્કેટ ઓઢાડી દેવામાં આવશે! બારણું ખુલશે અને શહેરના જાણીતા બીઝનેસ મેન શ્રીકાંતની ધર્મ પત્ની શ્રીદેવી શું કામ આઉટ હાઉસમાં છે? અને સુરેખા અને સિદ્ધાર્થ બંને પોલીસની નજર થી બચી નહીં શકે! આવું વિચારીને શ્રીદેવી ખુશ થતી હતી ….. પણ આ શું ઇન્સ્પેક્ટર એ કહ્યું મીસિસ શ્રીકાંત તમારી પર સાર્થક ને ગુમ કર્યાનો ચાર્જ છે, અને એટલે સર્ચ વોરંટ છે! શ્રીદેવીએ ચીસ પાડી નહીં….

પણ શું શ્રીદેવી જેવું વિચારે છે એવું થશે કે પછી …. કે પછી શું સુરેખા અને સિદ્ધાર્થ કોઈ નવી ચાલ રમશે? સાર્થકનાં અવાજનું રેકોર્ડિંગ સંભળાવી સુરેખા ગેંગ શું શ્રીદેવી નું મર્ડર કરી, ત્યાં પાછળ જ એને દાટી દેવા માંગતા હતાં! કે પછી ડીટેકટીવ ને હટાવી લેવાની ધમકી આપવા માંગતા હતાં! શું નાઈટ પેટ્રોલીંગ કરનારી જીપ તરીકે શું સાચાં ઇન્સ્પેક્ટરની ટીમ આવી હશે? કે એ પણ ફ્રોડ હશે ! અને.. અને.. ઓહ કદાચ સુધીર દત્ત આ રીતે શ્રીદેવી ને આઉટ હાઉસ માંથી બહાર કાઢવાનો કોઈ માસ્ટર પ્લાન તો નહીં કર્યો હોયને!! શું શ્રીદેવી સુરેખા ગેંગનાં સંકજામાં ફસાઈ ગઈ? કે પછી એનાં મર્ડરની આશંકાથી સતત ચિંતિત રહેતા સુધીર દત્તની આ કોઈ કિમિયો હશે? ઓહ હવે બધું તો ક્યારે સુલઝશે? શું તમને કંઈ અંદાજ આવે છે? મને તો નથી આવતો! છતાં જોઈએ હવે આવતા અંકમાં શું થાય છે! તો આગળ શું થાય છે એ જાણવા માટે હજી થોડું થોભો વધુ આવતા અંકે….

‌‌લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)

વિધાતાની વિચિત્રતા!!
Comment

Your email address will not be published. Required fields are marked *