
- વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ મહોત્સવ
- ધરમપુરમાં ભવ્ય મહાશિવરાત્રી ધાર્મિક મહોત્સવ
- ૩૧ ફૂટ ઊંચું રુદ્રાક્ષ મહાશિવલિંગ: આસ્થાનું વિરાટ સ્વરૂપ
- સંતો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં રુદ્રાક્ષધામે શિવમય ઉજવણી
- શિવભક્તિ, સેવા અને તપસ્યાનો સંગમ: વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ

ભગવાન શિવની ઉપાસના, તપસ્યા અને લોકસેવાના અદભુત સંગમરૂપે ધરમપુર નજીક વાંકલ – દુલસાડ “રુદ્રાક્ષધામ”માં વિરાટ રુદ્રાક્ષ મહાશિવલિંગના અનાવરણ સાથે ૪૦મી મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાવા જઈ રહી છે. શનિવાર તા. ૭-૨-૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ કલાકે પૂજ્ય સંતો, મહંતો, મહાનુભાવો તથા અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કુમારી બાળાઓના શ્રી વરદ હસ્તે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ કરવામાં આવશે.

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી, શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ ઉંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામશે, ભક્તોમાં ઉત્સાહ, શ્રદ્ધા અને આસ્થાનો મહાન સંગમ સર્જાશે અનોખો
આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ એમ. પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી) ઉપસ્થિત રહેશે. સાથે જ ગાંધીનગરથી જોડાયેલા મુખ્યમંત્રીશ્રીના જોઇન્ટ સેક્રેટરી શ્રી જે.પી. મોઢા વિશેષ મહેમાન તરીકે હાજરી આપશે. અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS), ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ શ્રી આર.આર. રાવલ (IAS નિવૃત્ત), લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના પૂર્વ પ્રિન્સિપલ જજ ડૉ. શ્રીમતિ જ્યોત્સનાબેન યાજ્ઞિક ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અગ્રણી આગેવાનો તથા ધારાસભ્યોમાં શ્રી હેમંતભાઈ કંસારા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ચૌધરી અને શ્રી ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર મહોત્સવના પ્રેરણાસ્ત્રોત પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસ (ધરમપુર) છેલ્લા ૪૦ વર્ષથી ભગવાન શિવજીની અખંડ સેવામાં લીન છે. તેઓ રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સર્જક (પેટન્ટ હોલ્ડર) તરીકે ઓળખાય છે અને Limca Book of Recordsમાં ચાર વખત સન્માનિત થઈ ગુજરાત અને ધરમપુરનું આધ્યાત્મિક ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે. તેમની અનોખી ભાવવાહી, સંગીતમય અને સંવેદનશીલ શિવકથા શૈલી દ્વારા ભારત સહિત વિદેશોમાં હજારો શ્રદ્ધાળુઓ શિવાભિમુખ બન્યા છે.
“રુદ્રાક્ષ સ્વયં શિવ સ્વરૂપ છે” એવી માન્યતાને આધારે પૂજ્યશ્રીએ રુદ્રાક્ષ પર આધ્યાત્મિક સંશોધન કરી ‘રુદ્રાક્ષઃ દિવ્ય જીવન અમૃત’ ગ્રંથનું સર્જન કર્યું છે. રુદ્રાક્ષના માધ્યમથી જીવનને શિવમય, ભક્તિમય, નિરોગી અને સુખી બનાવવાનો સંકલ્પ તેમણે અવિરત જાળવી રાખ્યો છે. “જન સેવા એજ શિવ સેવા”ના મંત્રને જીવનમાં ઉતારતાં તેઓ દરિદ્રનારાયણ સેવા, વડીલોની સેવા, અન્નદાન, શૈક્ષણિક સહાય, ઠંડા પાણીની પરબ, છાશ વિતરણ, ધાબળા વિતરણ તથા બાળકોમાં સંસ્કાર સિંચન જેવા અનેક સેવાકીય કાર્યો સતત કરી રહ્યા છે. તા. ૧ જુલાઈ ૨૦૨૦થી અખંડ નિત્ય શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કથાનું અનુષ્ઠાન પણ તેઓ કરી રહ્યા છે.
ભગવાન આસુતોષ મહાદેવજી અને આદ્યશક્તિ મા જગદંબાની અસીમ કૃપાથી પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસની દીર્ઘ તપસ્યાના ૪૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ અવસરે ૩૧ લાખ રુદ્રાક્ષથી નિર્મિત ૩૧ ફૂટ ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન-અભિષેક, શિવકથા શ્રવણ, મહારુદ્ર યજ્ઞ, કુંવારીકા પૂજન અને ભવ્ય મહાપ્રસાદ ભંડારા સહિતના અનેક પુણ્યમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની શરૂઆત તા. ૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૦૦ કલાકે દેહશુદ્ધિ વિધિથી થશે. ત્યારબાદ બપોરે ૧:૦૦ કલાકે શ્રી કાર્તિકસિંહ બી. પઢિયાર તથા શ્રી જયેશસિંહ બી. પઢિયારના નિવાસસ્થાનેથી શોભાયાત્રા/પોથીયાત્રા નીકળી રુદ્રાક્ષધામ પહોંચશે. બપોરે ૨:૩૦ કલાકે મહાશિવલિંગ અનાવરણ અને ૩:૦૦ કલાકે શિવકથાનું મંગલાચરણ થશે. દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે મહારુદ્ર યજ્ઞ, બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાકે શિવકથા, સાંજે ૬:૩૦ કલાકે ૧૦૮ દિવડાની મહાઆરતી તથા સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ ભંડારાનું આયોજન છે.
વિશેષ કાર્યક્રમોમાં તા. ૯ ફેબ્રુઆરીએ શિવમહિમ્ન સ્તોત્ર પાઠ, તા. ૧૩ ફેબ્રુઆરીએ ભજન સંધ્યા (કેરવેલ ગ્રુપ, વલસાડ), તા. ૧૪ ફેબ્રુઆરીએ રક્તદાન કેમ્પ અને તા. ૧૫ ફેબ્રુઆરીની મહાશિવરાત્રી રાત્રિએ રાત્રી અનુષ્ઠાન યોજાશે. શિવ પ્રાગટ્ય, સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ તથા શ્રી ગણેશજી પ્રાગટ્ય જેવા શિવકથા ઉત્સવો પણ ભાવભેર ઉજવાશે.
આ સમગ્ર ધાર્મિક મહોત્સવમાં જોડાઈ આપના પરિવારના શ્રીપુણ્યકોષમાં વૃદ્ધિ કરવા આયોજકો દ્વારા ભાવભર્યું ભક્તિમય નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.