
જીવ અહંકારની સતત પુષ્ટિ કરતો રહે છે. વિદ્યાને નામે, કલાને નામે,કે આવડત ને નામે, ચતુરાઈને નામે, રૂપિયા પૈસા નામે, શિક્ષણને નામે, હોદ્દાને નામે, કે પછી આજકાલ તો અવગુણ પણ પ્રસિદ્ધ થતાં દેખાય છે. એટલે કે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર દુનિયાની વિચિત્રતાઓને પણ સ્થાન મળ્યું છે.
🖋️ફાલ્ગુની વસાવડા.
હે મહાદેવ,
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણ ઉતરી રહ્યો છે, અને ભક્તિ ભાવ ભરેલા વાતાવરણમાંથી વળી પાછાં ભાવ શૂન્યતા તરફ સમાજ દોરાઈ જશે એ દહેશત મનને પીડી રહી છે! કારણકે સાંપ્રત સમયમાં ગમે તે કારણે માનવી સખ્ત મૂંઝાયેલો જ રહે છે. પણ માનવીય માનસિકતા પતન તરફ શું કામ જાય છે? એ વિચારીયે તો એનું સૌથી મોટું કારણ એ છે, કે જીવ અહંકારની સતત પુષ્ટિ કરતો રહે છે. વિદ્યાને નામે, કલાને નામે,કે આવડત ને નામે, ચતુરાઈને નામે, રૂપિયા પૈસા નામે, શિક્ષણને નામે, હોદ્દાને નામે, કે પછી આજકાલ તો અવગુણ પણ પ્રસિદ્ધ થતાં દેખાય છે. એટલે કે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર દુનિયાની વિચિત્રતાઓને પણ સ્થાન મળ્યું છે. એટલે કે શારીરિક વિચિત્રતાઓ જેવી કે અતિશય જાડા, દુબળા, ઉંચા નીચા, લાંબા વાળ, નખ, હાથ, પગ, મૂંછ વગેરેનો સમાવેશ થાય છે. પુરાતન કાળમાં આવી વિચિત્રતાઓ વાળાની શ્રેણીને દાનવ કે રાક્ષસ એવું નામ આપવામાં આવ્યું હતું. જે શારીરિક અને માનસિક બંને રૂપે વિકૃત હોય, અને તેની દાનત પણ હિંસાત્મક રહી હોય, તેને દાનવ કહેવામાં આવતું. તો જે સુસંસ્કૃત અને સભ્યને શાલીન હોય તે દેવ. દેવ, દાનવ, ગંધર્વ કિન્નર આ બધા ત્યારના જીવની પ્રજાતિ હતી. સતયુગમાં તાડકાસુર, ભસ્માસુર, મહિસાસુર, જેવા ઘણા દાનવો થઈ ગયા અને મા દુર્ગાને હાથે તેનો નાશ થયો, તો રક્તબીજ પણ સતયુગનો દાનવ હતો, ત્રેતામાં રાવણ, કુંભકર્ણ, તાડકા, શૂર્પણખા વિભીષણ, મારીચ, અહિરાવણ, અને મહીરાવણ, આ બધા જ પણ દાનવ હતા, તો દ્વાપરમાં કંસ જરાસંઘ, પૂતના, મયાસુર, એ બધા વિકૃત પાત્રો હતા. જ્યારે કળિયુગમાં તો માનવને દાનવ ક્યાં જુદા દેખાય છે? બહુ ઓછી સંખ્યામાં દેવ એટલે કે વૈષ્ણવ કે સજ્જન જોવા મળે છે. શ્રાવણ વદ એટલે અંધરીયુ ચાલે છે! અને અંધકાર એટલે રાક્ષસ! રાક્ષસ વિશેની આટલી બધી વાત કરવાનું મુખ્ય કારણ એ છે, કે આજે આપણે શિવ શંકરના પરમ ઉપાસક એવા રાવણ રચિત તાંડવ સ્તોત્રની વાત કરવાના છીએ.
સમાજમાં દેખાતી રાક્ષસી વૃત્તિની સચ્ચાઈને નજર અંદાજ આપણે કેમ કરી શકીએ, અને એ જ રાક્ષસ કુળમાં જ્યારે રાવણ જેવો શિવનો ઉત્તમ પરમભક્ત પ્રાપ્ત થતો હોય, તો તેને યાદ કર્યા વગર ચાલે તેમ નથી. માટે આપના ચરણે આજે આ રાવણની સ્તુતિ લઈને હું આવી છું.
શિવ તાંડવ સ્તોત્ર.
જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે, ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્ ।
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં,
ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ
અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં.
જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી,
વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ ।
ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્ટપાવકે,
કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં
અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.
ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર,
સ્ફુષરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે ।
કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ,
ક્વચિદ્વિગંબરે મનો વિનોદમેતુ વસ્તુદનિ
અર્થ: પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે, આવા જ દિગમ્બર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.
રામાયણના બીજા કોઈ પાત્ર હજી પણ કદાચ કોઈને યાદ ન હોય, પણ રાવણ એ એવું પાત્ર છે, કે જે લગભગ બધાને રામ જેટલું જ યાદ છે. દંતકથા તો એવી છે કે રાવણ અને કુબેર બન્ને ભાઈઓ હતા, કુબેર શંકરનો ઉપાસક હતો, અને તેણે તપસ્યા કરીને ખૂબ જ એશ્વર્ય એટલે કે ધનનો ભંડાર પ્રાપ્ત કર્યો. રાવણે પોતાના જ ભાઈને, બંદી બનાવીને લંકા મેળવી. પછી તે એક દિવસ વિમાનમાં ફરવા નીકળ્યો, ત્યારે તેણે કૈલાશ પર્વત જોયો ત્યાંનું સૌન્દર્ય જોઈને તે કૈલાશ પ્રત્યે આકર્ષિત થયો, અને કૈલાશ પર તેણે પોતાનું વિમાન લઈ જવા ચાહ્યું. પરંતુ તે તેના કામયાબ ન રહ્યો. આખરે તેણે ત્યાં વસતા નંદી એટલે કે બળદને પૂછ્યું કે આ પર્વત કોનો છે? નંદી એ જવાબ આપ્યો કે દેવોના દેવ મહાદેવ, ભગવાન શિવશંકર પુત્ર પરિવાર સાથે અહીં વસે છે. રાવણ પોતાના બળના અહંકાર વડે કૈલાસને જડમૂળથી ઉખેડી નાખવા પ્રયત્ન કરે છે, અને વિચિત્ર રીતે તેને હલાવે છે. માતા પાર્વતી ખૂબ જ ગભરાઈ જાય છે, અને તે સ્વામીને વિનંતી કરે છે કે કંઈક કરો, ત્યારે ભગવાન શંકર પર્વતના એક ભાગ પર પોતાનો મજબૂત પગ એ રીતે રાખે છે, કે રાવણ તેની નીચે દબાઈ જાય છે. લાખ પ્રયત્ન કરવા છતાં રાવણ તેમાંથી નીકળી શકતો નથી, અને અંતે પોતાની હાર સ્વીકારીને ભગવાન શંકરની માફી માગે છે, આ સમયે તે ભગવાન શિવને પ્રસન્ન કરવા તેની સ્તુતિ ગાય છે. આ સ્તુતિ એટલે શિવ તાંડવ સ્તોત્ર ગાયું ત્યારે રાવણે પોતાનાં બે હાથેથી આંતરડા પણ ખેંચી નાખ્યા હતા. આવી તીવ્ર ભક્તિ જોઈને ભગવાન શંકર પ્રસન્ન થાય છે, અને નાભીમાં અમૃત કુંડની રચના કરે છે,અને રાવણને જ્યાં સુધી નાભીમાં આ અમૃત છેદન ન થાય ત્યાં સુધી કોઈ મારી નહીં શકે એવું વરદાન આપે છે.
અને આપણે જાણીએ છીએ કે રાવણ એ દાનવ કે રાક્ષસ ભલે રહ્યો, પણ તેની શિવભક્તિ સામે કોઈ શંકા કરી શકે તેમ નથી. તે જીવનભર મહાદેવનો અનન્ય ઉપાસક રહ્યો. પરંતુ ભગવાન શંકરે રાવણને મદદ કરી એનું કારણ જો મારી દ્રષ્ટિએ કહું, તો એ જે સ્વરૂપે હતો, તે સ્વરૂપે જ તે ભગવાન શંકર પાસે ગયો. તેને દુર્જન હોવા છતાં સજ્જનો ક્યારેય ભક્તિ વખતે વેશ પણ કર્યો નથી. હા સીતા હરણ વખતે તેણે સાધુ બ્રાહ્મણનો વેશ લીધો હતો, એ એક વાત જુદી છે. બાકી મહાદેવની પૂજા ઉપાસના કરતી વખતે, તેણે કદી છૂપાવ્યું નથી કે તે રાક્ષસ છે. જ્યારે હાલની પરિસ્થિતિ તેનાથી સાવજ જુદી છે. દેવ તો ઠીક પણ આજના સમાજમાં એટલા પ્રમાણમાં માનવ પણ ક્યાં જોવા મળે છે!, છતાં બધાને સજ્જન દેખાવાનો ડોળ કરતા આવડી ગયું છે, કે ભક્તિને નામે પણ અહીં આડંબર જ થાય છે. એ રીતે પરિસ્થિતિ આમ જુઓ તો આપણા સર્જીત છે, અને હજી પણ આપણા હાથમાં છે. જો આપણે તેની પર કાબૂ લાવવો હોય તો, આત્મનિવેદન કરવા પડશે, ઈશ્વર શરણે જઈએ ત્યારે દંભના પગરખાંની જેમ તેને મંદિરની બહાર કાઢી, અને નત મસ્તક થવું પડશે.જે કોઈ આવું કરી શકે તેનો બેડો પાર છે, કારણ કે ભગવાન ભોળો એ જો દાનવને પ્રસન્ન થતો હોય, તો આપણે તો માનવ છીએ એનાથી એક પગથિયું ઉપર.તો ચાલો આ સમય રૂપી કાળ આપણને થપાટ મારે, તે પહેલા આપણે બધા જ આપણું આત્મનિવેદન તેની પાસે રાખી, અને શુદ્ધ થઈએ, અને આ શ્રાવણે આ ભક્તિ ગંગામાં આપણી જાતને ડુબાડી દઈએ.
અત્યાર સુધી જે ઘટના ઘટી ગઈ છે, તેને આપણે બદલી શકવાના નથી. પણ આવનારો સમય સારો કરવાની આપણને જ્યારે તક મળી છે, ત્યારે આપણે બધાએ શિવશંકરને આરાધીને, શુદ્ધતા અર્જિત કરી સરળ અને મધુર જીવન જીવીએ, એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે,તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
Ad..




