✍️ હરીશ આર્ટ વાપી ( ભાગ 1)
આજની આધુનિક જીવનશૈલીમાં મોટા ભાગના માતા-પિતા બાળકોને ભવિષ્યમાં આરામદાયક જીવન મળે તે માટે સંપૂર્ણ જીવન સંપત્તિ બનાવવામાં પસાર કરી રહ્યાં છે. તેઓ ઊંઘ ભુલાવી, પોતાની મજા છોડીને પૈસાની પાછળ દોડે છે. મકાન, પ્લોટ, વેપાર, દુકાન, ફિક્સ ડિપોઝિટ – બધું બાળકોના નામે કરીને એમને વિશ્વાસ રહે છે કે હવે બાળકો સુખી રહેશે. પણ સવાલ એ છે કે શું આ સંપત્તિ એ સાચું વારસો છે?
દુઃખની વાત એ છે કે આજની પેઢી પાસે સૌ કાંઈ છે, પણ સંસ્કારની ખોટ છે. માતા-પિતા પોતે ભણ્યા-ગણ્યા હોય, સંસ્કારવાન હોય છતાં પણ પોતાના બાળકોમાં એ સંસ્કાર છોડવામાં નિષ્ફળ રહે છે. કેમ? કારણ કે સમય નથી. બાળકો મોબાઇલ, ટીવી, મિત્રો અને સોશિયલ મીડિયા ગામમાં મુકેલા બાંકડાઅને સંઘ પરદેશમાં બાર ધાબા દારૂની મહેફિલમાં વ્યસ્ત છે, અને માતા-પિતા કમાણીમાં વ્યસ્ત છે. પરિણામે સંસ્કાર આપવાની સૌથી મહત્વની જવાબદારી બીજાને સોપી દેવામાં આવે છે – સ્કૂલ, ગુરુજી કે સમાજને. પણ જીવનના મૂળ ઘરમાં જ તૈયાર થાય છે.
ઘણીવાર આપણે સમાચાર વાંચીએ છીએ કે સંપત્તિ માટે ભાઈ ભાઈ સાથે લડે છે, દીકરો પિતાને ઘરમાંથી કાઢી નાખે છે, નાનો પરિવાર ધસમસતા મહેલમાં પણ દુઃખી રહે છે. આ બધાનું મૂળ કારણ એક જ છે – સંસ્કારની ખોટ. સંતો પણ કહે છે કે, “સંપત્તિ વગર સંસ્કારવાળો દીકરો પરિવારને સંભાળી શકે છે, પણ સંસ્કાર વગરનો દીકરો સંપત્તિ હોવા છતાં પરિવાર તોડી નાખે છે.”
સાચો વારસો પૈસો નથી, પેઢીઓ સુધી જીવતું રહે એવું ઋષિપ્રદત્ત સંસ્કાર છે. જો દીકરાઓને નમ્રતા, સત્ય, શ્રદ્ધા, ધર્મ, સાધુસંગ, પરિવાર પ્રત્યે પ્રેમ, અને વડીલો પ્રત્યે આદર મળ્યો હોય, તો એમને મકાન નહિ પણ સંસ્કાર આપવાથી પણ જીવન સુંદર બની શકે છે.
અંતે કહું તો બસ એટલું જ કે,
“બાળકોને મોંઘી વસ્તુ નહિ, સંસ્કાર આપો. મકાન નહિ, મર્યાદા આપો. સંપત્તિ નહિ, સદાચાર આપો – એજ સાચો વારસો છે.”