1. News
  2. News
  3. સર્પ, મોર, ઉંદર, સિહ જેવી વિચિત્રતાથી સંસાર ભરેલો છે, તેમાં શંકરની જેમ તાલમેલ સાધવો પડે.

સર્પ, મોર, ઉંદર, સિહ જેવી વિચિત્રતાથી સંસાર ભરેલો છે, તેમાં શંકરની જેમ તાલમેલ સાધવો પડે.

Share

Share This Post

or copy the link

સર્પ, મોર, ઉંદર, સિહ જેવી વિચિત્રતાથી સંસાર ભરેલો છે, તેમાં શંકરની જેમ તાલમેલ સાધવો પડે.

હે મહાદેવ.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઓચિંતાની આવી પડેલી કોઈ પણ ઉપાધિનો ઉપાય શોધવા, અમે આપને શરણે આવતા હોઈએ છીએ. બે રહેતાં જીવન વિશે કંઈ જ વિચાર્યું નહીં, અને હવે જ્યારે હાથથી છૂટતું દેખાય છે, ત્યારે જાણે એકાએક જાગી ગયાં હોય, તેમ જે રસ્તો હાથ લાગે તે તરફ દોડવા લાગ્યા છીએ! અને ત્યારે ખ્યાલ આવે છે, કે જો અહીં ટકવું હશે તો જીવનધોરણ બદલવું પડશે. ભોગવિલાસ અને આંધળું અનુકરણ કરનારી, રહેણી કરણીમાં હવે સુધાર લાવવો પડશે. માનવતાના મૂલ્યોનું ફરીથી સિંચન કરવું પડશે.

આમ આજે શ્રાવણ વદ અમાસ એટલે કે શ્રાવણ નો અંતિમ દિવસ તો આજે આપણે શંકરના પરિવાર વિશે વાત કરીશું.ભગવાન શંકરના પરિવારમાં તેની પત્ની પાર્વતી, એટલે કે જગતજનની મા આદ્યશક્તિ પરાઅંબા, બે પુત્રો કાર્તિકેય અને ગણેશ. ભગવાન શંકરને એક પુત્રી ઓખા પણ હતી, પરંતુ શિવાલયમાં તેને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. ઉપરાંત તેના ગણોમાં નંદી અને કાચબો જેને શિવાલયમાં સ્થાન મળ્યું છે.

માતા પાર્વતીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ, કે તે પહેલા જન્મમાં એ દક્ષ પુત્રી સતી હતા, કુંભજ ઋષિના આશ્રમમાં, શંકર સાથે કથા સાંભળવા જાય છે, અને જે પરબ્રહ્મની કથા સાંભળીને આવ્યાં, તેને જ રસ્તામાં પોતાની પત્નીનાં વિલાપ કરતાં જોઈ તેના મનમાં શંકા જાય છે, અને તે ભગવાનની પરીક્ષા કરે છે‌. તે આખી ઘટના આપણે જાણીએ છીએ, કે શિવજી તેનો ત્યાગ કરે છે, અને અંતે દક્ષ યજ્ઞમાં પોતાના સતી સ્વરૂપની આહુતિ આપે છે. પછી હિમાચલના ઘરે પાર્વતી તરીકે જન્મ લઇ, શિવ શંકરને પામવા માટે કઠીન તપસ્યા કરે છે. ઉપરાંત પૃથ્વી પર ત્યારે રાક્ષસોનો પાપાચાર ખૂબ વધી ગયો હતો. દેવી-દેવતાઓને પૃથ્વી, નારાયણ પાસે સ્તુતિ કરે છે. ભગવાન નારાયણ શંકર સમાધિમાંથી જાગીને, હિમાચલની પુત્રી પાર્વતી સાથે લગ્ન કરે તો આ સમસ્યાનો અંત આવે એમ કહે. તેઓના દાંપત્યથી કાર્તિકેયનો જન્મ થાય, અને એ કાર્તિકેય તાડકાસુર અને અન્ય રાક્ષસોનો નાશ કરશે. આથી ભગવાન શંકરને સમાધી માંથી ઉઠાડવા માટે કામદેવ ભસ્મીભૂત થઈ જાય છે. શિવ શંકર સમાધિમાંથી બહાર આવી, અને પાર્વતી સાથે લગ્ન કરવા આવે છે.

શંકર પાર્વતીના ગૃહસ્થાશ્રમના પરિણામ સ્વરૂપ કાર્તિકેયનો જન્મ થાય છે, અને માત્ર છ વર્ષની કાર્તિકેયની ઉંમરમાં તે તાડકાસુરનો વધ કરે છે. આમ તે પોતાના જન્મનું કર્મ સિધ્ધ કરી પૃથ્વીને પાપાચાર થી મુક્ત કરે છે. કાર્તિકેયનું વાહન મોર બતાવાયું છે, અને તે ખુબ જ શક્તિશાળી એટલે તાકાત ધરાવતા દેવ છે. શારીરિક અશક્તિ ધરાવતા લોકો કાર્તિકેયની પૂજા ઉપાસના કરી, અને શક્તિ પ્રાપ્ત કરે છે. કાર્તિકેયને પણ શિવાલયમાં સ્થાન નથી, પરંતુ દક્ષિણ ભારતમાં તે મુરગન એટલે મોરનાં સ્વામીના નામે પ્રચલિત છે, અને ત્યાં તેના ઘણા મંદિરો જોવા મળે છે.

ગણેશ, ગણેશનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે શિવ શંકર સમાધિમાં હતા, અને તેને આ પોતાના બીજા પુત્રના જન્મ વિશે કોઈ જ્ઞાન કે જાણકારી હતી નહીં. આથી તે જ્યારે સમાધિમાંથી બહાર આવી, અને પોતાના નિવાસસ્થાને પાછા આવે છે, ત્યારે પાર્વતીજી સ્નાન કરવા ગયા હોય છે, અને ગણેશને ઘરની જવાબદારી સોંપી હોય છે. આથી ભગવાન શંકર આવે છે, ત્યારે ગણેશ તેને પોતાના ઘરમાં પ્રવેશવા દેતા નથી, અને આ રીતે બાપ-દીકરા વચ્ચે ત્યાં બોલાચાલી અને નાનકડું યુદ્ધ બતાવાયું છે. સર્વ સમર્થ એવા શિવ શંકર અત્યંત ક્રોધાયમાન થાય છે, અને ગણેશનું મસ્તક ઉડાવી દે છે.ત્યાં સુધીમાં માતા પાર્વતી આવી જાય છે, અને અત્યંત વિલાપ કરે છે. પછી આપણે બધા જ જાણીએ છીએ કે શંકર ભગવાન હાથીનું મસ્તક તે ધડ પર રાખી અને ગણેશને પાછા જીવિત કરે છે આ દંતકથા શિવપુરાણમાં કહેવામાં આવી છે.

શિવજીનાં ગણ તેને અત્યંત પ્રિય છે, અને તેના ગણ તરીકે ભૂતની ટોળી તેની સંગ રહે છે, એવું કહેવામાં આવે છે. એટલે જે કોઈ સાધક ભગવાન શંકરની ઉપાસના કરે, તેના ભૂતકાળને ભગવાન પોતાની પાસે રાખી, અને સાધકને તેના ભારમાંથી મુક્ત કરે છે. નંદી એટલે ધર્મ એ એક સ્વતંત્ર ચિંતનનો વિષય છે.

શિવ પરિવારમાં બધા જ વિલક્ષણ વેશભૂષાને, વિલક્ષણ વાહન ધરાવતા સભ્યો છે. હવે શિવ શંકરને ઘરના મુખિયા તરીકે જો જાણવામાં આવે, તો દરેક પરિવારમાં જુદી જુદી બુદ્ધિપ્રતિભા અને સ્વભાવ ધરાવતા લોકો વસે છે, છતાં તેની સાથે તાલમેલ કરી અને મુખિયા તેનું અનુશાસન કરતા હોય છે, તેવો એક ગુપ્ત સંદેશ પણ આ પરિવાર માંથી આપણને મળે છે. સૌથી પ્રથમ બુદ્ધિની અધિષ્ઠાત્રી એવા મા પાર્વતી, ગમે તેટલી પ્રખર બુદ્ધિ ધરાવતા હોવા છતાં, તે પોતાના પતિની સામાન્ય સ્ત્રીની જેમ સેવા ચાકરી કરતા બતાવાયા છે. આદર્શ સતીત્વ કે પતિવ્રતા સ્ત્રીનું ઉત્તમ ઉદાહરણ માતા પાર્વતીના ચરિત્ર માંથી ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત પોતે સ્ત્રી શક્તિ જાગૃતિના પણ હિમાયતી છે. એટલે બુદ્ધિની પ્રખરતા કે ચાતુર્યનું પરિવારના સંબંધમાં મહત્વ નથી હોતું. સમાજમાં કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે, આપણે તેનો ઉપયોગ કરવાનો હોય છે, પતિ ના ચરણોમાં તો સમર્પણ જ હોય એવો સંદેશ પાર્વતી ચરિત્ર આપે છે. કાર્તિકેય ચરિત્ર આપણને વીરતા બતાવે છે, તે શક્તિનો ઉપયોગ હંમેશા દૂષણનો નાશ કરવા માટે કરવો, નહીં કે કુપોષિત પર તે શક્તિથી અનુશાસન કરવુ. ગણેશ, ગણેશને વિવેકનાં દેવ તરીકે માનવામાં આવે છે. તેમનું શરીર એ બતાવે છે, કે અહંકારને ત્યાં કોઈ સ્થાન નથી. હાથીનું મસ્તક નાનકડા શરીર પર રાખી ભગવાને પણ એ સિદ્ધ કર્યું કે અહંકાર ન હોય તો મનુષ્ય હાથી જેવા મહાન કાર્ય કરી શકે. ઉપરાંત ગણેશનું વાહન ઉંદર બતાવાયુ છે, તો આટલો મોટો ભાર આવડા નાના વાહન પર કઈ રીતે,? એ પ્રશ્નાર્થ પણ થાય. તો વિવેકથી અહંકારનો નાશ કરી, અને આપણું વજન ઘટાડી અને વિવેક વધારી નાનામાં નાના જીવ સુધી પહોંચવું.

પાર્વતીનું વાહન સિંહ કે વાઘ માનવામાં આવે છે, ગણેશનું વાહન ઉંદર ,કાર્તિકેયનું વાહન મોર, શિવ શંકરના આભૂષણ તરીકે ભુજંગ. બધા જ વિવિધ અને વિરોધાભાષી પ્રકૃતિ ધરાવતા પ્રાણીઓ, અહીં એક થઈને રહે છે. કોઈ દિવસ સાંભળ્યું નથી કે શંકરના સર્પ ઉંદર ગળી ગયાં! કે મોર એ સાપને મારી નાખ્યો, કે સિંહ વાઘ એ મોરને મારી નાખ્યો. તો આ વાત બતાવે છે, કે સંસાર આવી બધી વિચિત્રતાથી ભરેલો છે. તેમાં શંકરની જેમ તાલમેલ સાધી અને જીવન જીવીએ, તો આપણા જીવન મૂલ્યનું ગાણું કોઇ ગાશે.શિવ શંકરને ભજતા ભજતા આપણે પણ, તેના પરિવારમાં ઓતપ્રોત થઈ, તે તમામ ગુણોને પણ અપનાવી આ શ્રાવણનું અનુષ્ઠાન પૂરું કરીએ, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને અહી વિરમું છું. તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

સર્પ, મોર, ઉંદર, સિહ જેવી વિચિત્રતાથી સંસાર ભરેલો છે, તેમાં શંકરની જેમ તાલમેલ સાધવો પડે.
Comment

Your email address will not be published. Required fields are marked *