“શ્રી આર.સી. પટેલ છેલ્લા 25 વર્ષથી વિદ્યા દાન જેવી પવિત્ર અને ઉત્તમ સેવા આપે છે. આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓ માટે તેઓ દર વર્ષે નોટબુક વિતરણ કરતા રહે છે, જે સમાજ માટે આશીર્વાદરૂપ છે. તેમનું કાર્ય પ્રશંસનીય છે અને યુવાનો માટે પ્રેરણાસ્રોત છે,” કથાકાર પ્રફુલભાઈ શુકલ
અમદાવાદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગત આત્માઓને બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સોલધરા ગામે લોકલાડીલા અને સેવાભાવી કાર્યકરશ્રેષ્ઠ એવા કામદાર નેતા શ્રી આર.સી. પટેલ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેનો લાભ ખાસ કરીને ચીખલી તથા ખેરગામ તાલુકાના આદિવાસી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મળ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે ડો. ફોરમ પટેલે સર્વેનું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત ઉપદેશક કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “શ્રી આર.સી. પટેલ છેલ્લા 25 વર્ષથી વિધ્યા દાન જેવી પવિત્ર સેવા આપે છે. ચીખલી, વાંસદા, ખેરગામ, ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાના ગરીબ વિદ્યાર્થીઓ માટે દર વર્ષે નોટબુક વિતરણ કાર્ય કરે છે. હું તેના જીવંત સાક્ષી છું.”
Ad.
કાર્યક્રમ દરમિયાન સમગ્ર સમારોહ વધુ ભાવુક બની ગયો જ્યારે અમદાવાદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગત આત્માઓને બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમનું સુપેરે સંચાલન ડો. રાજ ત્રિવેદી અને હિરેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યમાં અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા એ એકસ્વરે આર.સી. પટેલ સાહેબના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાયો હતો. અનેક વાલીઓએ જણાવ્યું કે સમાજના આ પ્રશ્નપત્રોની વચ્ચે આવા સેવાકીય કાર્યક્રમો આશાની કિરણ સમાન છે.
અંતે, દિનેશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીગણ અને સંગઠકો પ્રત્યે આભાર પ્રગટાવતા કાર્યક્રમની પુર્ણાહુતિ આપી. નોટબુક વિતરણની આ પહેલી નજરે નાનકડી લાગતી પ્રવૃત્તિ, અસલમાં અનેક જીવનોમાં દીપ શિખા સમાન બની છે, અને વિદ્યાદાન જેવા શ્રેષ્ઠ દાનની આ પરંપરા આવનારા વરસોમાં પણ નિરંતર રહે તેવી સૌએ પ્રાર્થના કરી.