
પવિત્ર તીર્થધામ ઉનાઈ માતા મંદિરે આજે ભક્તિ અને શ્રદ્ધાનો મહાસમારંભ થયો હતો. પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની શ્રીમદ્દ ભાગવત કથાના મંગલ આરંભ પ્રસંગે ખેરગામ ગામના યુવા કર્મકાંડ આચાર્ય કશ્યપભાઈ ભાણાભાઈ જાની ને “કથાકાર” ની પવિત્ર દીક્ષા પૂજ્ય પ્રભુદાદા તથા પ્રફુલભાઈ શુક્લ દ્વારા વિધિવત રીતે આપવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ધર્મપરિવાર અને ભક્તમંડળે આનંદભેર તાળીધ્વનિથી નવા કથાકારને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ભવ્ય પોથીયાત્રા થી કરવામાં આવી હતી. આ યાત્રા ગીરીશભાઈ જયસ્વાલ ના નિવાસસ્થાનેથી નીકળી, ઉનાઈ માતા મંદિર સુધી ગાન, ભજન અને ઢોલનગારા સાથે પહોંચી હતી. મંદિર પરિસરમાં ભક્તોની ઉમટી પડેલી ભીડ વચ્ચે પોથીપૂજન વિધિ મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાંચિયા અને જયસ્વાલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ યાત્રા અને પૂજન વિધિએ સમગ્ર પરિસરમાં એક અનોખી ભક્તિભાવની લહેર ફેલાવી દીધી હતી.
આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિત ગણમાન્ય મહાનુભાવો તરીકે દેવનારાયણ ધામ મોતાં ના પૂજ્ય તારાચંદ બાપુ, કિશોરસિંહ રાજપુરોહિત, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, રસિકભાઈ ટાક, બિપીનભાઈ પરમાર, હરિશભાઈ પરમાર, તથા શિવપરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પોતાના આશીર્વચન આપે નવા કથાકાર કશ્યપભાઈને ધર્મપ્રચાર અને સમાજજાગૃતિના માર્ગે સતત પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી.
કથા આરંભ પ્રસંગે આચાર્ય રાકેશભાઈ દુબે અને નરેશભાઈ રામાનંદી એ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીક્ષા વિધિ સંપન્ન કરાવી હતી. કથા આયોજન સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલે સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અશોકભાઈ ગજેરા તરફથી સાત દિવસ સુધી ચાલનારા ભોજન પ્રસાદ ભંડારા નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રોજ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે.
નવનિયુક્ત કથાકાર આચાર્ય કશ્યપભાઈ જાની એ પોતાના આશીર્વચનમાં કહ્યું કે “ભાગવત માત્ર એક ગ્રંથ નથી, તે જીવન જીવવાની દિવ્ય કળા છે. શ્રીમદ ભાગવતમાં પરમાત્માનો સત્ય માર્ગ, ભક્તિની અનુભૂતિ અને માનવતાનું મૂલ્ય સમાયેલું છે. આ કથાનું પાવન કાર્ય મને આપેલા આશીર્વાદરૂપ છે, અને હું જીવનભર આ ધર્મસેવામાં સમર્પિત રહીશ.” તેમની આ ઉક્તિએ સમગ્ર ભક્તમંડળને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દીધા હતા.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ G J દેશી ન્યૂઝ T.V. પર કરવામાં આવી રહ્યું છે જેથી ઉનાઈની આ પવિત્ર કથા રાજ્યભરના શ્રોતાઓ સુધી પહોંચે છે. કથાનો સમય રોજ સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કથાના પ્રથમ દિવસે જ ભક્તોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હતી અને સૌએ કથા શ્રવણ સાથે પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રીમદ્દ ભાગવત કથા આગામી સાત દિવસ સુધી ધર્મપ્રેરણાનો મહોત્સવ બની રહેવાનો છે, જેમાં દરરોજ નવા ધાર્મિક વિષય પર આધારીત પ્રસંગો રજૂ થશે. કથાનાં અંતે ભક્તિમય સંગીત, આરતી અને પ્રસાદ વિતરણ સાથે રોજના કાર્યક્રમો સંપન્ન થશે.
આ રીતે ઉનાઈ માતાના ચરણોમાં આજે ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને “કથાકાર” તરીકે નવા ધર્મપથ પર પ્રસ્થાન મળ્યું છે. આ પ્રસંગે ભક્તિ, સંસ્કાર અને ધર્મજાગૃતિની સુંદર પરંપરાને એક નવી દિશા મળી છે.
— ✍️ પ્રેસ પ્રતિનિધિ
(G J દેશી ન્યૂઝ — વોઇસ ઑફ આદિવાસી)