1. News
  2. ઈન્ડિયા
  3. આજકાલ તો દરેકના હાથમાં સ્માર્ટફોન નામનું રમકડું હોવાથી સોશ્યલ મીડિયા પણ સમચાર પ્રસારનું બહુ મોટું અને ખતરનાક પ્લેટફોર્મ બની ગયું છે..

આજકાલ તો દરેકના હાથમાં સ્માર્ટફોન નામનું રમકડું હોવાથી સોશ્યલ મીડિયા પણ સમચાર પ્રસારનું બહુ મોટું અને ખતરનાક પ્લેટફોર્મ બની ગયું છે..

Share

Share This Post

or copy the link

પ્રિન્ટ મીડિયા કરતાં ઈલેક્ટ્રોનિક મીડિયાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સાચા પત્રકારનું દાયીત્વ શું છે?

આજકાલ તો જ્યાં જુવો ત્યાં ન્યુઝ પેપર અને ચેનલોનાં રાફડા ફાટ્યા હોય તેવું વાતાવરણ છે, અને દરેકે દરેકને પોતાના ન્યુઝ પેપરને કે ચેનલને પ્રસિદ્ધ કરવું છે, એટલે રાજકીય વાત હોય, મર્ડર મિસ્ટ્રી હોય, કુદરતી આપત્તિ હોય, કે અંધશ્રદ્ધા જેવી જાતભાતની અને ચટપટી ખબરોનો ઢગલો જનતા સમક્ષ કરે છે, અને એ પણ જાહેરાતની જેમ રંગીન અને મસાલેદાર બનાવીને. આપણે સૌ જાણીએ છીએ એમ બધું જ સાચું નથી હોતું, અથવા તો જેટલી માત્રામાં બતાવવામાં આવે છે. એટલું તો નથી જ હોતું, અને કુદરતી આપત્તિનાં ન્યુઝ હોય કે ચોરી ડકૈતી તો લોકો ભયભીત પણ થઈ જાય! ટૂંકમાં સાવધાન કરાવનારું આ પ્લેટફોર્મ સમસ્યા પણ સર્જી શકે છે. પણ જો પ્રશ્ન થાય કે પત્રકારનું સાચું દાયીત્વ શું છે??

તો બહુ સ્વાભાવિક રીતે જ આપણે કહીએ કે પ્રજા સમક્ષ સાચી હકીકતની જાણકારી લાવે તે પત્રકાર કહેવાય, પછી તે ગમે તે મીડિયા હોય! આજકાલ તો દરેકના હાથમાં સ્માર્ટફોન નામનું રમકડું હોવાથી સોશ્યલ મીડિયા પણ સમચાર પ્રસારનું બહુ મોટું અને ખતરનાક પ્લેટફોર્મ બની ગયું છે,અને એ રીતે જોઈએ તો દરેક સ્માર્ટફોન ધારક એક પત્રકાર છે, જે સાચું ખોટું કંઈ જાણ્યા વગર એવી વાતો આ માધ્યમથી ફેલાવે છે. આવાં સંજોગો ઉદભવે ત્યારે પત્રકારનું દાયીત્વ તેને યાદ રહેવું બહુ જરૂરી બની જાય છે, કે જનતા સમક્ષ કોઈ ખોટી માહિતી કે સમચાર પહોંચે નહીં.

Ad…

સાંપ્રત સમયમાં આ વાવાઝોડાને કારણે તમામ પ્રકારના વ્યાપથી કેટલા બધા સમાચારો રોજ રોજ પ્રસિદ્ધ થયાં. કુદરત સર્જીત વાવાઝોડાની અસર હજી સમી નહોતી ત્યાં રાજકારણમાં વાવાઝોડું આવ્યું અને મહારાષ્ટ્રમાં શીંદે સરકાર સાથે મળીને શરદ પવારને અંધારામાં રાખી તેનાં ભત્રીજા અજીત પવારે સી એમ નાં શપથ લીધા, અને ફડણવીસ સાથે એ પણ હવે સત્તા સંભાળશે! હવે આ ખબરને મિડિયા એ તથા સોશિયલ મીડિયા એ બહુ ચગાવી, જેની એટલી જરુર નહોતી કારણ કે રાજકારણમાં આ બધું તો હવે સામાન્ય થતું જાય છે, એમાં પણ ગુજરાતીને આશ્ચર્ય થવું ન જોઈએ,કારણ કે આપણે ત્યાં પણ રૂપાણી સરકારનું રાજીનામું અને ભૂપેન્દ્ર પટેલ નાં શપથ બધું એમ જ થયું હતું, જોકે રાજનીતિ આપણી લાઈન નથી એટલે સાચું ખોટું રામ જાણે! ટૂંકમાં જે પક્ષનું વજન વધુ ત્યાં ઘણાં ઘણાં બેસી જતા હોય છે,અને જનતાની સેવાનો મુખ્ય સંકલ્પ જ ભૂલી જતા હોય છે. આવાં લોકોને વારંવાર બતાવી મિડિયા વગર કારણે એમને હિરો બનાવી દેતી હોય છે, એટલે ખોટી પ્રસિદ્ધ પણ મળી જતી હોય છે, તો ક્યારેક સગાવાદમા સત્તાની ખેચમખેચીમાં ત્રીજો પણ ફાવી જતો હોય છે, જેમકે ગયા વર્ષ એકનાથ શીંદે. માટે જ પત્રકારે આ બધું ખાસ ધ્યાનમા રાખવાનું કે, જનતામાં ખોટી માહિતી જાય નહીં, ડર અને નિરાશાનું પ્રમાણ વધે નહીં, એટલે કે કોઈ પણ પ્રકારની અફવાને રદિયો આપી, જનતા સમક્ષ નિષ્પક્ષ સત્યને ઉજાગર કરવાનું હોય છે.

Ad..

લોકશાહીમાં લોકતંત્ર દ્વારા સરકાર નક્કી થાય છે, એટલે હારેલા પક્ષ, વિરોધી પક્ષ, તરીકે સરકાર પર પરિસ્થિતિ પ્રમાણે આક્ષેપ કરતી હોય છે, અને વર્ષોથી આપણે આવા રાજકીય સ્ટંટ થતાં જોવા મળે છે. પહેલા તો એમાં પણ મર્યાદા હતી હવે તો અમર્યાદ વાણી.. , અને જે પક્ષે વર્તમાન સમયમાં સરકાર રચી હોય, તેની પર વિપક્ષ દ્વારા સતત આક્ષેપ બાજી થતી હોય છે.જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે પત્રકારનું દાયીત્વ વધી જાય છે કે, તે જનતા સમક્ષ સાચી માહિતી પહોંચાડે. એટલે કે જે તે સમાચાર તે પ્રજા સમક્ષ રજૂ કરે છે, એ પત્રકાર કોઈ પણ રાજકીય પક્ષના દબાણ હેઠળ સમચાર પ્રસારિત કરે નહીં, કે કોઈ પણ પક્ષની તરફદારી કર્યા વગર નીડરતાથી સત્ય હકીકતને જનતા સમક્ષ લાવે. સાચો પત્રકાર જનતાને સમજાય, અને ગેરમાર્ગે દોરાયા વગર સાવચેત થાય એ રીતે સમાચાર પ્રસ્તુત કરે છે,

Ad.

દરેક ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશી ગયું હોવાથી પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ થતી જાય છે, તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો આયાત નિકાસ વેપાર વ્યવસાય વગેરે પણ હવે વિકાસના આ દોરમાં જાણવું જરૂરી બની ગયું છે. ઉપરાંત ધર્મને નામે રાજકારણમાં કોમવાદ પણ આઝાદીના સમયથી એક હથિયાર જેમ ઈસ્તેમાલ થાય છે, અને સરહદો પરનાં છમકલાં પણ દેશની એકતાને તોડે છે. એટલે આ સમયે દરેક પત્રકારની ફરજ છે કે, તેનાં દ્વારા પ્રસારિત થતા કોઈપણ સમાચાર, કોઇ પણ માધ્યમ એટલે કે ન્યુઝ પેપર મિડિયા,કે ટેલિવિઝન મીડિયા દ્વારા પ્રસારિત કરે, ત્યારે તેની નજર સમક્ષ રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈએ, કારણકે આ સમાચારથી રાષ્ટ્રની ગરિમાને નુકશાન તો પહોંચતું નથી ને? એ વિચારવું પડશે, અને એ જોવાની દરેક પત્રકારની પહેલી ફરજ છે. પક્ષ ગમે તે હોય,સરકાર ગમે તે હોય, પરંતુ દેશ મારો છે, એ ભાવ પ્રથમ હોવો જોઈએ, એટલે જનતા ઉશ્કેરાઈ જાય નહીં એવા સમાચારો પ્રસારિત કરવા જોઈએ,તો પ્રજા ગુમરાહ થાય કે અંધારામાં રહી જાય અંધશ્રદ્ધા વધે એવા સમાચાર પણ પ્રસારિત કરવા જોઇએ નહી. જે તે સમયની યોગ્ય સમીક્ષા કરી તે મુજબના સમાચારો જનતા સમક્ષ લાવવાનું કાર્ય પત્રકારનું હોય છે. કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી મુક્ત થઈ, કર્તવ્ય નિષ્ઠા તેમજ દેશપ્રેમની ભાવના રાખી, પોતાના દ્વારા પ્રસ્તુત થતા સમાચારથી જનતા ગુમરાહ થાય નહીં, તેમજ દેશની ગરિમા ખરડાય નહીં! તે પહેલાં જોવું જોઈએ.

Ad..

મોટેભાગે પત્રકાર તો પોતાની ફરજ પૂર્ણપણે નિભાવતા હોય છે, જેમ બને તેમ જનતા ને દેશમાં ઘટતી ઘટનાઓથી વાકેફ કરવાનું કાર્ય કરતા હોય છે. પરંતુ હાલમાં પ્રિન્ટ મીડિયા કરતાં ઈલેક્ટ્રોનિક મીડિયા વધુ અસરકારક બનતું જાય છે. ચેનલો વાળા ટીઆરપી માટે જાતભાતના નુસખા અજમાવી ને સમચાર ને જુદી રીતે પ્રસ્તુત કરતાં હોય છે, અને એ રીતે જનતા ગેરમાર્ગે દોરાય છે. ઉપરાંત વિપક્ષ જાણે કે વિરોધ કરવા માટે જ સંસદમાં હાજરી આપતો હોય એમ કોઈ પણ બિલ કે ખરડો પસાર થવા દેતો નથી, અને આમ એકંદરે સામાન્ય નાગરિક ના ટેક્સ માંથી મળતા નાણાં જ દાવ પર લાગે છે, અને દેશની સરકાર વિકાસને લગતું કાર્ય એનાં નિયત સમયમાં પૂરું કરી શકતી નથી.તો પ્રશ્ન થાય કે આ બધું ક્યાં સુધી… માટે અંદરોઅંદર એક થઈને આવી બધી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને, દેશને માથેથી બધી પ્રકારના સંકટ દૂર કરીએ. વારેવારે સરકાર ફેઈલ ગઈ! સીસ્ટમ ફેઈલ ગઈ ! રાજકીય માળખું જ ખોટું છે! વગેરે વગેરે,વાતે વિરોધ કરીને સમાજની શાંતિનાં મહોલને ખરાબ કરીએ નહીં, તે બંને પક્ષે ખાસ યાદ રાખવું જોઈએ. જનતા એ પણ કોઈના કહેવામાં આવ્યાં વગર સત્તાધીશ સરકાર પર કોઈ જાતના આક્ષેપ કર્યા વગર સરકારના કાર્યમાં સહયોગ અને સહકાર આપવો જોઈએ, તો જ આવાં સંકટમાંથી વહેલાં બહાર આવીશું,કારણ કે પત્રકાર ઉપરાંત સરકાર અને જનતા બંને માટે પણ રાષ્ટ્ર પ્રથમની ભાવના હોય તે અત્યારનાં તબક્કામાં બહુ જરૂરી છે.જય હિન્દ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

આજકાલ તો દરેકના હાથમાં સ્માર્ટફોન નામનું રમકડું હોવાથી સોશ્યલ મીડિયા પણ સમચાર પ્રસારનું બહુ મોટું અને ખતરનાક પ્લેટફોર્મ બની ગયું છે..
Comment

Your email address will not be published. Required fields are marked *