
આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-2ના અધિકારી હર્ષદ મનહરલાલ ભોજક ₹20,00,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા. એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ તેમના પ્રગતિનગર સ્થિત ઘરે તપાસ કરતા 73 લાખ રૂપિયા કેશ અને સોનાના બિસ્કિટ આશરે સાડા 4 લાખની કિંમતનું મળી કુલ 77 લાખથી વધુની મત્તા કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. ACBએ મળેલા દસ્તાવેજો અને અન્ય મિલકતો બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર AMCએ તોડી પાડેલી દુકાનો-મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરાટનગર ઓફિસના આસિસ્ટન્ટ TDOએ હર્ષદ મનહરલાલ ભોજકે ફરિયાદી પાસે 50 લાખ માગ્યા હતા. જો કે, રકઝક બાદ 20 લાખમાં આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, ફરિયાદી પૈસા આપવા ન માંગતો હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં 20 લાખની લાંચ લેતા હર્ષદ ભોજક સહિત બે જણા પકડાયા હતા.
આ કામના ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે.
જેથી આ કામના ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતા. ત્યારબાદ આરોપી આશિષે ફરિયાદીની હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી અને બનાવની હકીકતથી વાકેફ કરાવ્યા હતા. જેથી હર્ષદ ભોજકે ફરિયાદીને કામ કરી આપવા પેટે પહેલા 50 લાખ લાંચની માગણી કરી હતી અને આરોપી આશિષને 10 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ રકઝક કરતા 20 લાખ આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીઅને લાંચની માંગણી કરી, સ્વીકારી, એકબીજાએ મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.