
ગુજરાતમાં પગ મુકતા જ ડ્રગ માફિયાના પગ ધ્રુજવા જોઈએ; ક્રાઈમ કોન્ફરન્સના સમાપનમાં ના.મુખ્યમંત્રીની સાફ વાત
રેન્કના આધારે નહીં પણ કામના આધારે દરેકની વાત સાંભળવી જરૂરી
ગાંધીનગરમાં યોજાયેલી બે દિવસીય ઐતિહાસિક ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો કે, ડ્રગ્સ સામે કોઈ અભિયાન નહીં પરંતુ પૂર્ણ જંગ લડવાની જરૂૂર છે.
તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ડ્રગ માફિયાના પગ ધ્રુજવા જોઈએ અને જો એ ન ધ્રુજે તો કાયદાની કડક કાર્યવાહીથી ધ્રુજાવા જોઈએ. ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ કોઈપણ બાંધછોડ નહીં કરે તેવું ગૌરવપૂર્વક જણાવતાં તેમણે 2022ની સરખામણીએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું પણ કહ્યું અને સમગ્ર પોલીસ દળને અભિનંદન પાઠવ્યા.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ક્રાઈમ કોન્ફરન્સ માત્ર આંકડાઓ માટે નહીં પરંતુ સમસ્યાઓના વાસ્તવિક નિરાકરણ માટે યોજાઈ છે. તમામ પોલીસ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નાગરિકોને વધુ મદદરૂૂપ થવા માટે ટેકનોલોજી આધારિત પ્રેઝન્ટેશન મારફતે અનેક મહત્વપૂર્ણ માહિતી રજૂ થઈ. કેટલાક અધિકારીઓ તેમના જિલ્લાના કામકાજને વધુ મજબૂત બનાવવા નવી પહેલ કરી રહ્યા છે, જે આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
પોલીસમાં ટીમવર્ક અને નેતૃત્વ પર ભાર મૂકતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સિનિયર અધિકારીઓ પાસેથી જુનિયર શીખે એવી પરંપરા સાથે ટેકનોલોજી જોડાય તે સરાહનીય છે. SP કક્ષાના અધિકારીઓએ મિટિંગ દરમિયાનPI, PSI અને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને ખુલ્લા મનથી સાંભળવા જોઈએ. રેન્કના આધારે નહીં પરંતુ કામના આધારે દરેકની વાત સાંભળવી જરૂૂરી છે. ટીમ લીડર મજબૂત હોવો જોઈએ અને જુનિયર સ્ટાફની ભૂલોને સુધારીને તેમને આગળ વધારવા જોઈએ, રોજ ભૂલો શોધવી નહીં.
તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક અધિકારીઓ આખો દિવસ ઓફિસમાં ન હોવા છતાં પોતાના જિલ્લામાં શું ચાલી રહ્યું છે તેની સચોટ માહિતી ધરાવે છે, જે સારા નેતૃત્વનું ઉદાહરણ છે. આવનારા અઠવાડિયામાં VC મારફતે બે દિવસીય શિબિરના મંતવ્યો રજૂ કરવામાં આવશે, જેથી ફરિયાદો પર ગંભીરતા વધે અને પોલીસ વધુ પ્રજા સાથે જોડાય. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ઐતિહાસિક રહી છે. તમામ વિષયો પર સર્વગ્રાહી પ્રેઝન્ટેશન થયા અને અધિકારીઓની સાચી મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી. તેમણે DGP તરીકે કરેલા પ્રયાસોથી અનેક સકારાત્મક બદલાવ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર કોન્ફરન્સમાંથી સ્પષ્ટ સંદેશ મળ્યો કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, મજબૂત ટીમવર્ક અને કડક કાર્યવાહીથી જિલ્લા પોલીસ કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકે છે અને ડ્રગ્સ જેવી ગંભીર સમસ્યાઓ સામે ગુજરાત પોલીસ અડગ રીતે લડત આપશે.
2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયત
ATSના પ્રેઝન્ટેશનમાં જોવા મળેલી નાની-મોટી ખામીઓને દૂર કરવા અંગે હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી અને નાગરિકોના હિતમાં બદલાવ લાવવા ખાસ કમિટી બનાવવાની જાહેરાત કરી, જે સિનિયોરિટીના આધારે નહીં બને. કોન્ફરન્સના અંતિમ દિવસે વર્ષ 2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા.