
શ્રાવણ માસની પવિત્ર પળોમાં ખેરગામ તાલુકાના આછવણી મંદિર ફળીયા ખાતે આવેલ પ્રગટેશ્વર ધામમાં પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી સત્યનારાયણ મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન તરીકે શિવુભાઈ પટેલે જવાબદારી સંભાળી હતી અને આ પ્રસંગે આચાર્ય કશ્યપભાઈ જાની દ્વારા વૈદિક વિધિ સાથે પૂજા કરાવવામાં આવી હતી.
Ad.


આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત કથાકાર પ્રફુલભાઈ શુક્લે જણાવ્યું હતું કે “સત્યનારાયણ સનાતન સત્ય છે, ચારેય યુગોમાં એની મહિમા અવિચલ છે. જે કોઈ ભક્તિભાવથી પૂજા કરે છે તેનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.” પ્રફુલભાઈના આ પ્રવચનથી ભક્તજનોમાં આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી.
શિવ પરિવારના પ્રમુખ બિપીનભાઈ પરમાર, અપ્પુભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ સીતાબેન પટેલે પ્રફુલભાઈ શુક્લનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ભાસ્કરભાઈ દવે દ્વારા માસિક સત્સંગનું આયોજન પણ થયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી.
ધાર્મિક ભાવના સાથે જોડાયેલા આ પ્રસંગે માજી સાંસદ કિશન પટેલ અને ભાજપના પૂર્વ પ્રમુખ ચુનીભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમનાં આગમનથી પ્રસંગની ગૌરવવૃદ્ધિ થઈ હતી. પૂજ્ય પ્રભુદાદાના આશીર્વાદથી 151 બ્રાહ્મણ પરિવારને બ્રહ્મભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. ઉપ આચાર્ય ચિંતનભાઈ જોશીએ મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું.
આ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ પરિવાર દ્વારા પ્રગટેશ્વર ધામમાં સતત ભજન-સત્સંગ, અભિષેક અને બ્રહ્મભોજન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું રહ્યું. “ૐ નમઃ શિવાય” ના નાદ સાથે ધામમાં ભક્તિરસ છલકાતો રહ્યો હતો.
પ્રસંગના અંતે ભક્તોએ સંકલ્પ કર્યો કે શ્રાવણ માસમાં જેમ શ્રદ્ધા અને ભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમો યોજાયા તેમ આખા વર્ષ દરમિયાન પણ સદાચાર, ભક્તિ અને સમાજસેવાની પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં આવશે. શિવસ્મરણ સાથે શ્રાવણ માસનો આ કાર્યક્રમ સર્વથાં સાર્થક બન્યો હતો.