
વલસાડ જિલ્લાના નાનાપોઢા ખાતે આદિવાસી સાહિત્યમંચના તત્વાવધાન હેઠળ દીપોત્સવી સ્નેહમિલન તથા આદિવાસી સાહિત્યના સાત પુસ્તકોના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સાહિત્યને ઉજાગર કરવાનો તથા સર્જકો વચ્ચે સ્નેહ અને સાહિત્યિક એકતાને મજબૂત બનાવવા સાથે નવી પેઢીને આ ક્ષેત્ર તરફ પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રા. ડૉ. ઉત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ્રા. ડૉ. રાજેન્દ્ર પટેલ (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત) અને પ્રા. ડૉ. પુંડલિક પવાર (પૂર્વ અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા)ની વિશિષ્ટ હાજરી રહી. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન અને આદિવાસી લોકસંગીતના મધુર સ્વરો સાથે થઈ હતી.

આ પ્રસંગે આદિવાસી સાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુંના વ્યક્તિત્વ અને સર્જન પર વિશેષ કાર્યક્રમ યોજાયો. તેમણે કહ્યું કે, “આદિવાસી સાહિત્ય એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતાનો જીવંત દસ્તાવેજ છે.”
કાર્યક્રમ દરમિયાન સાત પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું. તેમાં “રાયસિંગ વળવીના ચર્ચાપત્રો” (ડૉ. અરવિંદભાઈ પટેલ અને ડૉ. સુધાબેન પટેલ), “કોરોના ગલી” અને “કંઈ તો છે…” (ડૉ. બાબુ ચૌધરી), “કુકણા ક્વિઝ” (ગણેશ ગાંવિત અને જયંતિભાઈ પવાર), “કુકણા લગ્નગીતો” (પ્રા. ધીરુભાઈ પટેલ), “કુકણા લોકગીતો” અને “કનસરીની કથાઓ” (ડાહ્યાભાઈ વાઢું)નો સમાવેશ થાય છે.
આ તમામ પુસ્તકો આદિવાસી જીવનની સંસ્કૃતિ, લોકપરંપરા, સંગીત, ગીતો અને માનવીય લાગણીઓના વિવિધ પાસાઓને સ્પર્શે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લેખકો અને સંપાદકોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ અને મહારાષ્ટ્ર રાજ્યના અનેક જાણીતા આદિવાસી સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ જણાવ્યું કે આવા કાર્યક્રમો આદિવાસી સાહિત્યના વિકાસ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ પટેલ, જશવંત ભીંસરા, ડૉ. બાબુ ચૌધરી, મનોજ જાદવ અને પ્રા. ડૉ. જગદીશ ખાંડરાની આગેવાની હેઠળ સુવ્યવસ્થિત રીતે થયું.
આ દીપોત્સવી સ્નેહમિલન અને વિમોચન સમારંભ આદિવાસી સાહિત્ય જગતમાં એક સ્મરણિય પળ તરીકે નોંધાયો.