
ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગટેશ્વર ધામ ફળિયામાં 24 ડિસેમ્બરથી ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. યુવાન અને પ્રેરણાદાયી વક્તા કશ્યપભાઈ જાની પોતાના જીવનની પ્રથમ ભાગવત કથા આ પાવન ધામથી આરંભી રહ્યા છે, જેને લઈ સ્થાનિક શ્રદ્ધાળુઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
કથા આરંભ પૂર્વે ભવ્ય પોથીયાત્રા ખેરગામના રામજી મંદિરેથી પ્રગટેશ્વર ધામ સુધી યોજવામાં આવશે. ગામજનો, મહિલાઓ, યુવાનો અને શિવપરિવારના ભક્તો પરંપરાગત વેશભૂષામાં સત્સંગના રંગમાં રંગાઈ પોથીયાત્રામાં જોડાશે. પોથીયાત્રા દરમિયાન ભક્તિગાન, ઢોલ–નગારાનો નાદ અને “હર હર મહાદેવ”ના જયઘોષોથી આખું ગામ આધ્યાત્મિક રંગમાં રંગાઈ જશે.
આજે કથા આરંભ માટેનું શ્રીફળ મુહૂર્ત કશ્યપભાઈ જાનીના નિવાસસ્થાને વિધિવત રીતે યોજાયું હતું. પ્રસંગે લોકપ્રિય કથાકાર પ્રફુલભાઈ શુક્લ, ધર્મઆચાર્ય પ્રભુદાદા તથા વિશિષ્ટ આગેવાનોની ઉપસ્થિતિ રહી. કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે પ્રભુદાદાને ભાગવત કથાનું પ્રતિશ્રીફળ અર્પણ કરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરાઈ. આ પવિત્ર ક્ષણે કશ્યપભાઈની આંખોમાં આનંદ અને ભાવસભર અજવાળું ઝળહળતું નજરે પડતું હતું.
મહોત્સવની શરૂઆતમાં અનુભાઈ જાની, હિંમતભાઈ દવે, અનિલભાઈ જોષી, બિપીનભાઈ પરમાર, અપ્પુભાઈ પટેલ, ચુનીભાઈ પટેલ (ભા.જ.પ. અગ્રણી), તેમજ સમાજના આગેવાનો, સૌનો સહયોગ મળ્યો હતો. ઉપરાંત, રમાબા, સીતાબેન પટેલ, બીનાબેન જાની, સ્વાતિબેન જાની તથા યુવા કાર્યકર યુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં શિવપરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રફુલભાઈ શુક્લ, પ્રભુદાદા અને હિંમતભાઈ દાંડિવલીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે યુવા વક્તા કશ્યપભાઈ દ્વારા શરૂ થતી આ પ્રથમ કથા સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને સકારાત્મકતા લાવશે. તેમણે ભાગવત કથાના મહાત્મ્ય પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે ભાગવત શ્રવણ કલિયુગમાં મનશાંતિ અને ધર્મમાર્ગે આગળ વધારનાર શક્તિશાળી સાધના છે.
કથાના આરંભને લઈ કશ્યપભાઈ જાની ભાવવિભોર બન્યા હતા. તેમણે તમામ આગેવાનો, ભક્તો અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રગટેશ્વર ધામથી જીવનની પ્રથમ કથા શરૂ કરવાની તક જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે. તેમણે સૌને કથા શ્રવણ માટે હાર્દિક આમંત્રણ આપ્યું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભક્તોને અલ્પાહાર સાથે આશીર્વાદ પ્રદાન કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભક્તોનું ઉમંગભર્યું વાતાવરણ, શિવ પરંપરાની ભાવના અને ભક્તિગીતોની ધૂનોએ પ્રસંગને યાદગાર બનાવી દીધો.
24 ડિસેમ્બરથી શરૂ થનારી આ ભાગવત કથા સમગ્ર ખેરગામ તાલુકા અને આસપાસના ગામો માટે આધ્યાત્મિક મહોત્સવ સાબિત થશે.