1. News
  2. ચિંતનની ક્ષણે
  3. નંદી એટલે ધર્મ! આમ જેનાં આચરણથી સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.

નંદી એટલે ધર્મ! આમ જેનાં આચરણથી સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.

Share

Share This Post

or copy the link

હે મહાદેવ.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આમ તો આજે પણ શ્રાવણની અમાસ છે! અને એટલે જ શિવ વિશે આગળ અન્ય એંગલથી જોઈએ! અથવા ઉપસંહાર તરીકે શિવ આલેખીએ, કારણકે સમાજને એની તાતી જરૂર છે. આખાં મહિનામાં દરેકને ભક્તિ કરવા માટે સારા નરસા સંજોગોનો સામનો કરવો પડ્યો હશે, કારણકે ભક્તિમાં સુવર્ણની જેમ તપ્યા પછી જ નિખાર આવે છે. સંજોગ શબ્દનો કેટલો મહિમા છે, એ તો જ્યારે સંજોગ આવે ત્યારે ખબર પડે. સંજોગ સારા પણ હોય અને ખરાબ પણ હોય. સંજોગ એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો પરિસ્થિતિ, પરિસ્થિતિવશ માણસ ઘણી વાર મજબૂર થઈને પણ ન કરવાનાં કાર્ય કરતો હોય છે. પણ અસ્તિત્વનો કુંભ મંગલતાથી છલકાય છે, જે થાય તે બધું સારા માટે, સમય ક્યારેય એકસરખો રહેતો નથી, કે પછી દુઃખ પછી સુખ આવે છે, રાત પછી દિવસ આવે આવી ન જાણે કેટલી કહેવતો લોક માનસમાં અંકિત છે, પણ સમયે એ જ્ઞાન ક્યાંક છુઉઉઉં .. થઈ જાય છે, એવો દરેકે પોતપોતાની સમજ પ્રમાણે અનુભવ પણ કર્યો હશે. પણ ટૂંકમાં કહીએ તો જે થાય છે, તે બધું સારા માટે જ થાય છે. એવો એક સકારાત્મક અભિગમ લઈ અને વધુ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે, આપણે આ શ્રાવણિય અનુષ્ઠાન શરૂ કર્યું હતું, તો એ જ અભિગમથી પૂર્ણ પણ કરીએ..

Ad..

શિવાલયમાં આપણે જ્યારે ભોળાનાથ એટલે કે મહાદેવના દર્શનાર્થે જઈએ છીએ, ત્યારે ત્યાં આગળ તેનાં પરિવારમાં, એટલે કે જે મૂર્તિ સ્વરૂપે ત્યાં આગળ જે કોઈ દૃશ્યમાન હોય છે, તેમાં શિવલિંગની બરાબર સામે અને ગર્ભગૃહની બહાર પોઠીયાની એક મૂર્તિ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે તે તેનું વાહન નંદી છે.

નંદી એ શંકરનું વાહન છે, પોતાના પ્રિય ગણ માનો એક ગણ પણ છે. આમ જુવો તો તે બળદ એટલે આખલાનું એક સ્વરૂપ છે. નંદી એટલે ધર્મ એવો પણ ક્યાંક અર્થ કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ભગવાન શંકર ધર્મની સવારી કરીને આવે છે. પરંતુ ધર્મ વિશે વિશેષ ટીપ્પણી આપણે આજે નહીં કરીએ. કારણકે ધર્મની વ્યાખ્યા દરેકની પોતપોતાની બુદ્ધિની સમજ પ્રમાણે અલગ અલગ હોય છે. પરંતુ એક સાર્વજનિક બોધ રૂપે જો ધર્મની વ્યાખ્યા કરવામાં આવે તો, જેના આચરણથી પોતાનું અને સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.

પુરાણોમાં નંદીને મંદિર બહાર બેસાડવાનું પણ એક કારણ લખાયેલ છે. ભગવાન ભોળાનાથ એટલે કે શિવ શંકર મોટે ભાગે સમાધિ અવસ્થામાં જ રહેતા હતા, એટલે ગર્ભગૃહ એ તેની સમાધિ અવસ્થામાં બેઠા હોય તે બતાવે છે. અને નંદી ગર્ભ ગૃહની બહાર બેસીને, મંદિરમાં આવતા શિવ ભક્તોની ચકાસણી કરે છે. પછી યોગ્ય હોય તેને જ આગળ જવા દે છે, એટલે કે એમ કહો કે પહેરો દેવા માટે નંદીને બેસાડવામાં આવ્યો છે. પાર્વતી રૂપે જે સ્ત્રી શક્તિ છે, તેના સુધી કોઈ એરોગેરો પહોંચી ન જાય, એટલે તેના રક્ષણ માટે પણ નદીને પહેરો દેવા બેસાડયો છે એવી એક દંતકથા છે.

શિવ પુરાણોમાં કહેવાયું છે કે નંદી ભગવાન શિવની ખૂબ જ તપશ્ચર્યા કરે છે, અને તેનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શંકર સુયશા નામની એક કન્યા સાથે, તેના લગ્ન કરાવે છે. પરંતુ આગળ તેના ગૃહસ્થાશ્રમ વિશે કોઇ ઉલ્લેખ નથી, તેમજ મંદિરમાં પણ ફક્ત નંદીને સ્થાન છે. પરંતુ સુયશ એટલે સારી અને સાચી પ્રસિદ્ધિ તો જે શંકર સાથે નંદીને ભજશે તે સાચા યશ કીર્તિ ને પણ પામશે એવો અર્થ કરી શકાય.

નંદી એટલે જો બળદ કે આખલો એવો અર્થ કરીએ તો, ભારવાહક અને સખત પરિશ્રમ કરતું પ્રાણી છે. એ રીતે જોઈએ તો જે વ્યક્તિ પોતાના જીવનમાં પરિશ્રમને મહત્વ આપશે, તે શિવ શંકર ની હંમેશા સમીપ રહેશે, તેવો અર્થ પણ આપણે કાઢી શકીએ. ગાય હંમેશા દૂધ આપતી હોય છે, એટલે બળદને લોકો એટલું મહત્વ આપતા નથી. તે સમાજથી થોડે અંશે તરછોડાયેલ છે, તો આવા જે સમાજથી તરછોડાયેલા તત્વો છે, તેને પણ શિવજી સ્વીકારી, અને એક અનન્ય સ્થાન આપે છે, એવી વાત પણ આની સાથે જોડાયેલી છે. બળદ રૂપે તે ખેતરોમાં કામ કરી, અને ખેતી પેદાશ એટલે કે પાક ઉત્પન્ન કરે છે. તે રીતે જોઈએ તો તે એક લોક કલ્યાણનું કાર્ય છે, માટે પોતાના સ્વાર્થ ને જોયા વગર, કલ્યાણની ભાવના જેના મનમાં નિરંતર છે તે શિવની સમીપ રહી શકે એવો પણ બોધ પણ નંદીના પાત્ર પરથી આપણે ગ્રહણ કરી શકીએ.

ટૂંકમાં કહીએ તો નંદી એટલે એવો ધર્મ જે આપણને સ્વાવલંબી બનાવે! જે આપણને તરછોડાયેલાનો સ્વીકાર કરતાં શીખવે! જે આપણા મનમાં નિત્ય કલ્યાણની ભાવનાની અનુભૂતિ કરાવે! જે આપણી શ્રદ્ધા ને વિકારિત થતી બચાવીને સાચાં અર્થમાં યશ કિર્તી નું મહત્વ સમજાવે! આખો મહિનો કદાચ વ્રત નિયમને કારણે આપણે આવો ભાવ રાખી શક્યાં હોઈએ! પણ શું આ ભાવ આપણા મનમાં નિરંતર રહેશે? એ પ્રશ્ન ચિંતનીય છે. નંદીને ધર્મ ગણીએ તો નંદીને જેમ ચાર ચરણ છે એમ ધર્મના પણ ચાર ચરણ છે! (૧) સત્ય (૨) તપ (૩) પવિત્રતા (૪) દયા એટલે કે દાન! તો ધર્મના ચાર ચરણને આચરણમાં મૂકીને આપણે સૌ આપણાં સાચાં ધર્મ ને અનુસરીએ તો આ ભક્તિ ભાવ કાયમ રાખી શકીએ! અને તો જ આપણે આ જીવ એટલે કે આ દેહથી જ શિવ સાક્ષાત્કાર સુધી પહોંચી શકાય! સંસાર નામના સમય સંજોગ અને સંબંધના આ ત્રિકોણમાં કોઈ જ વસ્તુ શાશ્વત નથી! પણ એને માધ્યમ બનાવી અસંગ રહેતા આવડી જાય તો કંઈ અશક્ય પણ નથી.

તો આ છે શિવ શંકરના પ્રિય એવા ગણ નંદી વિશેની વાત, જેને શાસ્ત્ર સાથે જોડી છે,એ માત્ર આપણને બોધ આપવા માટે. નંદીને ચાર ચરણ એટલે કે પગ હોય છે! અને મનુષ્ય સિવાયના બાકીના બધા જ પશુઓને પણ ચાર ચરણ છે ! અને એટલે જ એ લોકો પોતાના ધર્મ થી બહાર નથી! પણ આપણે બે પગા….. ભગવાન બહુ ભોળા છે, એટલે જે થયું તે થયું! પણ આપણે બધા આજે નંદીના આ પાત્રમાંથી સારો બોધ ગ્રહણ કરીને નિત્ય પરિશ્રમ અને પરમ કલ્યાણ માટેનો શિવ સંકલ્પ લઈએ, અને તેના ચરણે બેસીએ તો શક્ય છે માફ કરી દે! દરેકનુ જીવન આ રીતે જ પૂરું થાય, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Ad..

નંદી એટલે ધર્મ! આમ જેનાં આચરણથી સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.
Comment

Your email address will not be published. Required fields are marked *