1. News
  2. ચિંતનની ક્ષણે
  3. રામચરિત માનસના મંગલાચરણનાં સાત મંત્રો આચરણમાં મુકવા જેવા સાત સૂત્રો છે.

રામચરિત માનસના મંગલાચરણનાં સાત મંત્રો આચરણમાં મુકવા જેવા સાત સૂત્રો છે.

Share

Share This Post

or copy the link

સંકલન ફાલ્ગુની વસાવડા.✍️

રામચરિત માનસના મંગલાચરણનાં સાત મંત્રો આચરણમાં મુકવા જેવા સાત સૂત્રો છે.

2017 ની ગ્વાલિયરની માનસ મહેશની પ્રથમ દિવસની કથામાં પ્રવેશતા પૂજ્ય બાપુએ કહ્યું કે 23 વર્ષ પછી આ નગરીમાં રામકથા ગાવાનો ફરી અવસર આવ્યો, અને એ પણ શિવરાત્રીના દિવસોમાં! આ વખતે ગિરનાર નહીં પણ ગ્વાલિયરમાં શિવરાત્રી થશે. ગ્વાલિયરનો ઇતિહાસ રજૂ કરતા કહ્યું કે આઠમી સદીમાં સુરજસેન રાજા થયા અને એની બીમારીને ગાવલ નામના ઋષિએ મટાડી હોવાથી એનાં સ્મરણમાં આ શહેરનું નામ ગ્વાલિયર રખાયું, અને આ ગાવલ ઋષિ માનસનું એક પાત્ર છે. રાજાઓની પરંપરા વાળી આ નગરીમાં સંગીતનું ખૂબ મહત્વ છે, અને સૂર તાલ અને લય માટે એની મિસાલ દેવામાં આવે છે. તાનસેનની આ જન્મ ભૂમિ અને બૈજુ બાવરાની કર્મ ભૂમિ છે.

કથાનાં મુખ્ય વિષય માનસ મહેશમાં પ્રવેશતા કહ્યું કે આપણે આ શિવરાત્રીના શિવ સાધનાનાં દિવસોમાં શિવ અભિષેક કરીશું. હું શબ્દોથી અભિષેક કરીશ, અને આપ સૌ શ્રવણથી અભિષેક કરજો. જ્યાં જેમની શ્રદ્ધાને નિષ્ઠા હોય એવા ઘણા દેવોની વાત કરી લીધી, પરંતુ આ નવ દિવસ માટે મારી સાથે તલગાજરડી આંખે મહેશને જુઓ, મહેશ કયું તત્વ છે! મહેશથી ઉપર કોઈ મહાન દેવ નથી. શિવરાત્રીના બહુ આનંદના દિવસોમાં શિવ સાધના સહજ હોય, શિવ ભ્રમણ કરવું અને એક એવી કથા સ્વયં ત્રિભુવન ગુરુ મહેશ જે કરી રહ્યા છે, એને વિશે આપણે વાત કરીશું. હું રામાયણ નથી ગાઈ રહ્યો, હું મારા ગુરુને ગાઈ રહ્યો છું. રામાયણને બહાને મારા ગુરુને ગાઈ રહ્યો છું, અને તત્વતઃ રામાયણ પણ ગુરુ જ છે.

ad..

સદગુરુ ગ્યાન બિરાગ જોગ કે,
બીબુદ બૈદ ભવ ભીમ રોગ કે.

મહાદેવ ત્રિભુવન ગુરુ છે, પરમ સદગુરુ છે મહાદેવ. માનસ મહેશ માટે વ્યાસપીઠ એ જે બે પંક્તિઓનો આશ્રય લીધો છે એને ગાઈએ, જેથી એ મનમાં બેસી જાય. ગ્વાલિયરનું પહેલાં ગોપાદ્રિ એટલે કે ગોપાલ ગિરી એવું નામ હતું,ગિરી એટલે પહાડી તો આપણે પણ આ ચોપાઈને પહાડીમાં ગાવાની કોશિશ કરીએ.

રચિ મહેશ નિજ માનસ રાખા,
પાઈ સુસમઉ સિવાસન ભાષા.
રામકથા મુનિબર્જ બખાની,
સુની મહેસ પરમ સુખ માની.

તુલસીદાસજી રામચરિત માનસના રચનાકાર તરીકે મહેશ નામનું ચયન કરે છે, જોકે શંકર પણ એ જ છે, મહાદેવ પણ એ જ છે, શિવ પણ એ જ છે, અને આવાં શિવના સતનામ છે!: પરંતુ એ બધામાંથી તુલસીદાસજી એ માનસના રચનાકાર તરીકે મહેશ નામનો પ્રયોગ કર્યો છે, એટલે કે માનસની રચના કોણે કરી તો મહેશે કરી! નોટ શંકર! શિવાસન ના દાદાજી બે અર્થ કહેતાં. એક કે શિવ એટલે કે મહેશે રામકથા પોતાના હૃદયમાં રાખી અને જ્યારે સુસમય મળ્યો ત્યારે શીવાસન ભાષામાં તેને ભવાની પાસે ગાઈ, અથવા ભાખી. જ્યારે બીજો અર્થ કે મહેશે પોતાની હ્રદયમાં રાખેલી રામકથા પાર્વતી પાસે ભાખવાનુ શરૂ કર્યું, ત્યારે એમનું જે આસન હતું એ શિવાસન હતું! એક નવાં આસનનો સંકેત માનસ કરી રહ્યું છે. યોગમાં તો ઘણા પ્રકારના આસનો છે, પણ શિવાસન એટલે કે રામકથા રુપે જે પોતાની જ રચના છે, તે કુંભજ પાસે સાંભળવા ગયા, અને પછી એ જ કથા સતીના બીજા જન્મમાં ઉમાને સંભળાવી.

AD..

પહેલા દિવસે એક પ્રવાહી પરંપરાને નાતે રામચરિત માનસનાં સાત સોપાન એટલે કે પ્રથમ સોપાન બાલ, દ્વિતીય અયોધ્યા, તૃતીય અરણ્ય, ચતુર્થ કિષ્કિંધા, પંચમ સુંદર, છઠ્ઠું લંકા, અને સપ્તમ સોપાન ઉત્તર.વાલ્મિકીએ કાંડ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ તુલસી એને સોપાન કહ્યાં છે. આપણે કાંડ શબ્દ બોલવા માટે અભ્યસ્ત થઈ ગયા છીએ, પરંતુ તુલસી સોપાન કહે છે. સોપાન એટલે સીડી, જે સાત છે, અને પરમાનંદ પામવાની, પરમ પ્રસન્નતા પામવાની, અને આનંદ પામવાની, પરમજ્ઞાનને પામવાની, વૈરાગ્યને પામવાની સીડીઓ છે, રામચરિત માનસ એ સાત સોપાન સદગ્રંથ સંપાદિત છે.

માણસના સાત સોપાનનું મંગલાચરણ વંદે વાણીવિનાયકો, એટલે કે વાણીમાં વિનય રાખવાનું આચરણ કરીએ, એ જ મંગલાચરણ છે, એવું એક નાનું સૂત્રપાત તુલસી કરે છે. મારા દેશના યુવાનો દરેક ક્ષેત્રમાં હો, ત્યાં વાણીમાં વિનય રાખો, વાણીમાં વિનોદ પણ રાખો, વાણીમાં વૈરાગ્ય પણ હોય, અને વાણીમાં વિવેક પણ હોય, એટલું આચરણ કરવાનું સૂચન આ પહેલું સૂત્ર કરે છે.

Ad..

વર્ણાનામસંઘાનાં રસાનાં છન્દસામપિ,
મંગડ્લાનાં ચ કર્તારો વન્દેવાણી વિનાયકો.
ભવાનીશંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરુપિણૌ,
યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાન્તઃ સ્થમીશ્વરમ્.

હે યુવાન શ્રોતાઓ રામચરિત માનસના મંગલાચરણનું બીજું સૂત્ર શ્રદ્ધા અને વિશ્વાસની સંપદા કાયમ સાથે રાખવી, કદાચ દુનિયાની દ્રષ્ટિએ આ સંપદા વગર યોગી થઈ જવાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો ભીતરી અવસ્થાનો આનંદ નહીં પામી શકાય!: શ્રદ્ધા અને વિશ્વાસ એટલે શિવ અને પાર્વતીનું ઐક્ય, શ્રદ્ધાથી મળશે જ્ઞાન અને વિશ્વાસથી મળશે ભક્તિ. માનસના મંગલાચરણના મંત્રનું આ બીજું આચરણ સૂત્ર છે, પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ બિલકુલ નહીં.

વન્દે બોધ મયં નિત્યં ગુરુ શંકરરૂપિણમ્
યમાશ્રિતો હી વક્રોપી ચંદ્ર સર્વત્ર વન્દ્યતે.

ભગવાન શિવને ગુરુ કહીને તુલસી મંગલાચરણનું ત્રીજું સૂત્ર આપીને કહે છે કે પોતાની વિશે બહુ નેગેટિવ ન વિચારવું. હું પાપી છું! હું કલંકી છું! મારું શું થશે? શ્રદ્ધા અને વિશ્વાસ પછી આ સૂત્ર આવે છે, એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ લઈ ગુરુ પાસે પહોંચી જવું, ગમે તેટલા વાંકા હશો તો પણ ગુરુ સ્વીકાર કરશે, જેવી રીતે વક્ર ચંદ્રને ભગવાન શિવ એ ભાલમાં સ્થાન આપી મસ્તકની શોભા વધારી. અજવાળાને તો પોતાનું અજવાળું હોય, પણ અંધારાંને પણ પોતાનું અજવાળું હોય છે, જેમ કે ભીતરી પ્રકાશ! મધ્યકાલીન સંતો એ ગાયું છે એમ, “હમારે હરિ અવગુણ ચિત્ત ન ધરો”.

મંગલાચરણનાં ચોથા સૂત્રમાં તુલસી આદિ કવિ વાલ્મિકી અને કપિશ્વર એટલે કે હનુમાનજીને સ્મરે છે અને બંને માટે એક શબ્દનો પ્રયોગ કરે છે.

સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણૌ,
વન્દે વિશુદ્ધ વિજ્ઞાનૌ કવિશ્વર કપિશ્વરૌ.

ચોથા સૂત્રમાં બંનેને વિજ્ઞાન વિશારદ બતાવ્યા, એટલે કે જે માણસ ભણે અને જે જે શોધ કરે એનો સદુપયોગ કરે, વિજ્ઞાનની જે ટેકનોલોજી છે એનો વિશુદ્ધ પ્રયોગ કરવો, એ યુવાનો માટે જરૂરી છે. વિજ્ઞાનનો આવિષ્કાર અને સ્વીકાર બંને કરો. યુવાન ભાઈ બહેનો આ માઈક સિસ્ટમ છે, એ વિજ્ઞાનને લીધે જ પ્રાપ્ત થઈ છે, અને એનો વિશુદ્ધ સદુપયોગે છે, કે એનાથી રામકથા પ્રસારિત કરવામાં આવી રહી છે. તમારા હાથમાં ટેલીફોન છે એ વૈજ્ઞાનિક શોધ છે, અને રામકથા સાંભળતા સાંભળતા તમે કોઈ સૂત્ર એકદમ તમારા ફોનમાં સંગ્રહિત કરી લો તો એ વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે.

ઉદ્ભવસ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણીમ,
સર્વશ્રેયસ્કરીં સીતા નડતોહં રામવલ્લભામ્.

મંગલાચરણનાં આગળના આચરણ સૂત્રમાં તુલસી કહે છે, કે જગતનો ઉદ્ભવ કરનારી પાલન કરનારી અને વિનાશ કરનારી મા જગત જનની છે. જનક નંદીની જાનકી સૌનું શ્રેય કરનારી છે, આપણા જીવનની કર્મયોજના કેવળ આપણા લાભ માટે ન હોય, પરંતુ સૌનું શ્રેય કરનારી હોય એ જરૂરી છે. ભારતીય વિચારધારા સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સંતુ નિરામય.

યન્માયાવશવર્ત્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરા,
યત્સત્ત્વદમૃષૈવ ભાતિ સકલં રજ્જો યથાહેર્ભ્રમઃ

તુલસી કહે છે કે આખું બ્રહ્માંડ જેની માયાથી અભિભૂત છે, અને માયાને કારણે આપણને ભ્રમ પેદા થઈ ગયો છે, એ ભ્રમને તોડવા સત્સંગ જરૂરી છે, જાગૃતિ જન્મે એ જરૂરી છે.

નાનાપુરાણનિગમાગમસમ્મતં રદ્,
રામાયણે નિગદિતં કસ્ચિદન્તોડપિ,
સ્વાન્ત સુખાય તુલસી રઘુનાથ ગાથા,
ભાષાનિબન્ધમતિમજ્જુલ માતનોતિ.

રામચરિત માનસના સાતમાં મંત્રમાં તુલસી કહે છે કે બધા પુરાણ આગમવેદથી સંમત એવો આ ગ્રંથ છે, એમાં બધું મળશે, અને આ હું દુનિયાને મારી માટે નથી કહેતો, સ્વાન્ત સુખ માટે હું મારી ભાષા એમાં મુકું છું. તો સાતમુ સૂત્ર છે કે, જે કંઈ કરીએ એ આપણે સ્વાન્ત સુખ માટે કરીએ એ પછીથી સર્વનું સુખ બની જશે.

ગોસ્વામીજીએ સાત મંત્રોમાં મંગલાચરણ કર્યું પછી પાંચ સુરઠામાં દેવોની વંદના કરી, પાંચ દેવોનું સ્મરણ કર્યું, અને પછી ગુરુ વંદના જેને વ્યાસપીઠ ગુરુ ગીતા કહે છે. ગુરુ વંદના પછી સૌની વંદના કરી, ગુરુ ચરણ કમળ રજથી આંખ પવિત્ર થઈ ગયાં, પછી કોઈ ખરાબ લાગતું જ નથી, બધામાં હરી દેખાય છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે.. સકલ લોકમાં સૌને વંદે નિંદાન કરે કેની રે. જગ વિખ્યાત નરસિંહનાં પદને યાદ કર્યું. આખા જગતને સીતારામમય સમજી પ્રણામ કર્યા, પછી કૌશલ્યા દશરથ અને ભરત લક્ષ્મણ શત્રુધ્નની વંદના કરી, હનુમાનજીની વંદના કરી,આમ કહી પ્રથમ દિવસની કથાને વિરામ આપ્યો.

સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

રામચરિત માનસના મંગલાચરણનાં સાત મંત્રો આચરણમાં મુકવા જેવા સાત સૂત્રો છે.
Comment

Your email address will not be published. Required fields are marked *