
કપરાડા તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં નાનાપોંઢા તાલુકાની શ્રી વારોલી તલાટ પ્રાથમિક શાળાની ધોરણ ૮ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની સૃષ્ટિકુમારી સંજયભાઈ ગાંવિતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સૃષ્ટિકુમારીને GUJCOST તથા SAC–ISRO દ્વારા રાજ્યભરમાં વૈજ્ઞાનિક ચેતના વિકાસ માટે આયોજિત GUJ–SAC ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ–2025માં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે વાપીના જાણીતા સામાજિક કાર્યકર અને કલાકાર હરીશભાઈ પટેલ (Harish Art) દ્વારા વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રાજ્યભરમાં 15 થી 23 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમ માટે ધોરણ 8 થી 11ના લાખો વિદ્યાર્થીઓમાંથી માત્ર 91 તેજસ્વી વિદ્યાર્થીઓની જ પસંદગી કરવામાં આવી છે. તેમાં વારોલી ગામની સૃષ્ટિકુમારીનું નામ સમાવાતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી છે. પિતાનું અવસાન થતાં નાનપણથી જ મુશ્કેલીઓનો સામનો કરનાર સૃષ્ટિકુમારીએ અવિરત મહેનત, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસના બળે આ સિદ્ધિ મેળવી છે.

શાળાના શિક્ષકો, ગામજનો તેમજ જિલ્લા શિક્ષણ જગત દ્વારા પણ સૃષ્ટિકુમારીને અભિનંદન મળ્યા છે. વાપીના હરીશભાઈ પટેલે જણાવ્યું કે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ સંબંધિત દરેક સહાયતા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ગામ, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે છે અને બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બને છે.