
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના મૌલિક મૂલ્યોને વિશ્વભરમાં પ્રસારિત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને ભવ્ય ઘટનાઓ પૈકી એક તરીકે ગણાવાય તેવી ભવ્ય રામકથા આગામી 20મી માર્ચ 2026ના રોજ કેનેડા, ટોરન્ટોના ઈંટોબીકોક વિસ્તાર સ્થિત શૃંગેરી વિદ્યાપીઠ ખાતે આરંભ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ભાગવત અને રામકથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ દ્વારા સંચાલિત આ કથા હવે માત્ર ધાર્મિક આયોજન નહીં રહી, પરંતુ સમગ્ર ઈસ્ટર્ન અમેરિકા માટેની આંતરરાષ્ટ્રીય કથા મહોત્સવ બની રહી છે.

ડો. હરિન્દ્ર જોશી
આ રામકથાનો પ્રારંભ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સાહપૂર્વક મેળા સાથે થશે. કેનેડાના ઈંટોબીકોકમાં આવેલ શૃંગેરી વિદ્યાપીઠ ખાતે યોજાનારી આ ભવ્ય કથા માટે સમગ્ર સમુદાયમાં આત્મીય ઉલ્લાસ છે. ટ્રસ્ટી ડો. હરિન્દ્ર જોશીનું કહેવું છે કે, “વિદેશમાં વસતા ભારતીયો માટે સનાતન ધર્મ માત્ર સંસ્કાર નથી, પણ જીવનનો આધાર છે. શૃંગેરી વિદ્યાપીઠ વર્ષોથી સંસ્કૃતિ અને ધર્મના સંવર્ધન માટે કાર્યરત છે. પરંતુ આ રામકથા એ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતી ઉજવણી બનશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે રામકથા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પણ વિદેશમાં ઉછરતી નવી પેઢીને રામના આદર્શો અને ભારતીય મૂલ્યો સાથે સંકળાવવાનો એક સુપાવન પ્રયાસ છે. આ કથાનું આયોજન સમગ્ર ઈસ્ટર્ન અમેરિકા માટે ગૌરવની વાત છે, જે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ આપે છે.

વિશ્વ માટે સંસ્કૃતિનું મંચ બનતું કેનેડા
ટોરન્ટોના ઈંટોબીકોક વિસ્તારમાં આવેલું શૃંગેરી વિદ્યાપીઠ હવે માત્ર કેનેડાના હિન્દુઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર અમેરિકાના ભારતીય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં અવારનવાર યજ્ઞો, પાઠ, શાસ્ત્રીય સંગીત કાર્યક્રમો, યોગસંબંધિત પ્રવૃત્તિઓ તેમજ સામૂહિક પૂજાઓનું આયોજન થાય છે.
આ રામકથા માટે શૃંગેરી વિદ્યાપીઠના ટ્રસ્ટીગણ જેમ કે ડૉ. લક્ષ્મણ, ડૉ. પરમ ભટ્ટ, ડૉ. હરિન્દ્ર જોશી, રામકૃષ્ણ શાસ્ત્રી, યોગેશકુમાર શાસ્ત્રી તેમજ વિવિધ સેવા કાર્યકરો સંપૂર્ણ સમર્પણથી કાર્યરત છે. તેઓનું લક્ષ્ય છે કે આ કથા માત્ર ધાર્મિક આયોજન તરીકે જ નહીં, પણ આદ્યાત્મિક જાગૃતિ, પરિવારક સંસ્કાર અને સામુદાયિક સંકલનનો ભવ્ય ઉદાહરણ બની રહે.
વિશેષ યાત્રામાં
આ રામકથા માટે 5મી માર્ચ 2026ના રોજ પ્રફુલભાઈ શુક્લ ભારતમાંથી કેનેડાના માર્ગે રવાના થશે. તેમની સાથે વાસ્તુ શાસ્ત્રી યોગેશભાઈ જોશી, વાયોલિન વાદક હરેશ જાની તથા મીડિયા પ્રોફેશનલ વિજયભાઈ ગોસ્વામી પણ કથાને આભાસ અને સંગીતમય બનાવશે. શ્રવણ કરતાં શ્રોતાઓને જીવંત અનુભૂતિ થાય તે માટે તમામ સાધનો તથા તકનીકી સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશાળ સમુદાયથી સહભાગિતાની અપેક્ષા
વિદેશમાં વસતા અનેક ભક્તો, ખાસ કરીને કેનેડાના વિન્ડસર, લંડન, ગોલ્ફ, બેરી, મિલ્ટન, બ્રામ્ટન, નોર્થ યાર્ક, થાઉજન આઇલેન્ડ અને મોન્ટ્રીયલ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉમટી પડશે. વાસ્તવમાં, રામકથા માટે જે રીતે સમગ્ર ઉત્તર અમેરિકાથી સમર્થન મળ્યું છે તે જોતાં આ કથા એક પ્રકારનું સાંસ્કૃતિક પર્વ બની રહી છે.
આ કથા માટે માત્ર ધાર્મિક સમુદાય જ નહીં, પરંતુ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર, ભારતીય હાઇ કમિશનર, વિવિધ ભારતીય સંસ્કૃતિના સમર્થક અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને અનેક વિદ્વાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શૃંગેરી વિદ્યાપીઠના કાર્યકરો અને ભાષા, ધર્મ, સંગીત અને યુવા સંસ્કારના સેવાભાવી કાર્યકરો માટે આ ગૌરવ અને ઋણાનુબંધ જેવો પ્રસંગ બની રહ્યો છે.
રામકથા –સંસ્કારનું બીજ
વિદેશમાં જ્યારે રામકથા જેવી પવિત્ર વિધિ થાય છે, ત્યારે તે માત્ર શાસ્ત્રોક્ત વ્યવહાર નહિ, પણ સંસ્કારનું બીજ બની ભાવિ પેઢીઓ માટે હેતુ અને દિશા બક્ષે છે. પ્રફુલભાઈ શુક્લ, જેમના મર્મસ્પર્શી વિવેચન અને આત્મસાત કરાવતી શૈલીના શ્રોતાઓમાં ખૂબ જ આગવી અસર પડે છે, તેઓ વિદેશમાં પણ સર્વસામાન્ય લોકોમાં શ્રીરામના આદર્શો જીવંત કરે છે.
તેમણે અનેક દેશોમાં રામકથા કહી છે, પણ કેનેડાની આ કથા એ વિશેષ આહલાદ અને દિવ્યતાનું માહોલ ધરાવતી બની રહી છે. તેઓએ જણાવ્યુ કે, “રામકથા એ માત્ર પૌરાણિક પ્રસંગ નથી, એ જીવન જીવવાની રીત છે. વિદેશમાં આ કથા મારફતે જ્યારે એક બાળક ‘શ્રીરામ ચંદ્ર કી જય’ બોલે છે, ત્યારે મારા માટે એ વિશ્વ વિજય જેવું બને છે.”
વિદેશમાં વસતા ભારતીયો માટે આ કથા એક ઐતિહાસિક અવસર છે. એ માત્ર ભજન અને શાસ્ત્રના પાઠનો પ્રસંગ નહિ, પણ એકતા, સંસ્કૃતિ અને સંગઠનનું જીવંત ઉદાહરણ બનશે. ભારતીયો જ્યાં વસે ત્યાં ભારતની સૌંદર્યમય સાંસ્કૃતિક ચેતના જીવંત રહે — એ વિચારને સાકાર કરતી આ રામકથા એ કેનેડાની ધરતી પર ભાવનાના ધોધ અને ભક્તિની લહેર બનીને પ્રવાહી થશે.