કપરાડા તાલુકાના સુખાલા ગામે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇને અંભેટી જિલ્લા પંચાયત તથા સુખાલા તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સુખાલા ગામ શિક્ષિત અને જાગૃત નાગરિકોનું ગામ છે, જ્યાં લોકો વિકાસને મહત્વ આપે છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં અને ગુજરાતમાં થયેલા સર્વાંગી વિકાસની ચર્ચા કરી હતી. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ કરવાનો મોકો મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ભવ્ય મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર મિતેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવનારી 26 તારીખે યોજાનારી ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે હાલની સરકાર દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવ્યા છે અને લોકો સુધી વિવિધ સહાય અને યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળતી સહાયના ઉદાહરણો આપીને સરકારની સંવેદનશીલતા રજૂ કરી હતી. “આ સરકાર સામાન્ય માણસની ચિંતા કરતી સરકાર છે,” એમ તેમણે જણાવ્યું હતું.
તાલુકા પંચાયતના ઉમેદવાર મમતાબેન જયસુખભાઈ પટેલે ગામના વિકાસ માટે મતદારોને ભાજપને મત આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ખાતરી આપી કે બાકી રહેલા તમામ વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને ગામને વધુ સુવિધાસભર બનાવવામાં આવશે.
કાર્યક્રમની શરૂઆત નિવૃત્ત અધિક કલેક્ટર જે. ડી. પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ,ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, ગામના માજી સરપંચ બાબુભાઈ ગાંવીત, રાયચંદભાઈ ગાંવીત, ગોપાલભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત આચાર્ય ધનસુખભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત સુખાલા અને ધોધડકુવા ગામના યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.







સુખાલા ગામે ભાજપનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, ઉમેદવારોને ભવ્ય જીત અપાવવાનો આહ્વાન !






