News

વાપી રેલવે સ્ટેશનની સુવિધાઓ સુધારવા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની રજૂઆત મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધા માટે કર્મચારીઓની અછત દૂર કરવા સહિત વિવિધ માંગો

ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ની 11 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારી બેઠકને અનુલક્ષીને કપરાડા વિધાનસભાના ધારાસભ્ય તથા પશ્ચિમ રેલવે ZRUCCના સભ્ય જીતુભાઈ એચ. ચૌધરીએ વાપી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને પડતી વિવિધ મુશ્કેલીઓ અને જરૂરી સુવિધાઓ અંગે પશ્ચિમ રેલવેના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે.

Advertisement

વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતનું મહત્વનું રેલવે મથક હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. મુસાફરોને વધુ સારી સેવા મળી રહે તે માટે સ્ટેશનના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અછત દૂર કરી પૂરતા કર્મચારીઓની ફાળવણી કરવાની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. કર્મચારીઓની અછતના કારણે મુસાફર સેવા, સ્ટેશનની જાળવણી તેમજ સ્વચ્છતા જેવી કામગીરીને અસર થતી હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.

સ્ટેશનની ઉત્તર બાજુએ શૌચાલય અને મૂત્રાલયની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી ઉત્તર બાજુએ જરૂરી શૌચાલય-મૂત્રાલયની સુવિધા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે.

પ્લેટફોર્મ નં. 1, 2 અને 3 પર મુસાફરોને ટ્રેન, પ્લેટફોર્મ, બહાર નીકળવાના માર્ગ તેમજ વિવિધ સુવિધાઓ અંગે સરળતાથી માહિતી મળી રહે તે માટે સ્પષ્ટ અને માહિતીપ્રદ સાઇન બોર્ડ તથા યોગ્ય સાઇનેજ લગાવવાની રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને પહેલીવાર વાપી આવતા મુસાફરોને માર્ગદર્શન મળી રહે તે દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ બની શકે છે.

મહિલા મુસાફરોની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર અલગ મહિલા પ્રતીક્ષાલય બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ A/C પ્રતીક્ષાલયમાં એટેન્ડન્ટની વ્યવસ્થા કરવા જણાવાયું છે, જેથી પ્રતીક્ષાલયની વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે અને પાત્ર મુસાફરોને સુવિધાનો યોગ્ય લાભ મળી શકે.

મુસાફરોની અવરજવરમાં સરળતા રહે તે માટે પાર્સલ બુકિંગ ઓફિસને સ્ટેશનની દક્ષિણ બાજુએ, શક્ય હોય તો RPF ઓફિસની આગળના વિસ્તારમાં સ્થળાંતરિત કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં. 1 અને 2 પર રેમ્પનું પૂર્વ દિશા તરફ વિસ્તરણ કરવાની રજૂઆત કરવામાં આવી છે. રેમ્પનું વિસ્તરણ થતાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તથા સામાન સાથે મુસાફરી કરતા મુસાફરોને અવરજવરમાં વધુ સરળતા મળશે. સાથે જ ફૂટ ઓવર બ્રિજ પર મુસાફરોની ભીડનો ભાર પણ ઘટાડી શકાશે.

ધારાસભ્ય જીતુભાઈ એચ. ચૌધરીએ વાપી રેલવે સ્ટેશનના મુસાફરોના હિત સાથે સંકળાયેલા આ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા પશ્ચિમ રેલવેના અધિકારીઓને રજૂઆત કરી છે. વાપી જેવા મહત્વના ઔદ્યોગિક અને વ્યાપારી શહેરના રેલવે સ્ટેશનને મુસાફરોની જરૂરિયાત મુજબ વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *