વિવિધ કવિઓની રચનાઓના કાવ્યગાન અને કાવ્યપઠનથી વિદ્યાર્થીઓએ વરસાદના વિવિધ રંગો અનુભવ્યા

મોટાપોઢા સ્થિત શ્રી મુમ્બાદેવી આર્ટસ અને શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા ‘ઋતુઓની રાણી વર્ષા’ વિષયને કેન્દ્રમાં રાખીને કાવ્યગાન અને કાવ્યપઠનનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગુજરાતી કવિઓની વર્ષાઋતુને લગતી રચનાઓને પોતાના સ્વર, લય અને ભાવસભર અભિવ્યક્તિ દ્વારા જીવંત કરી હતી.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સાહિત્યમાં વર્ષાઋતુના મહિમાની ચર્ચાથી થઈ હતી. કાલિદાસની અમર કૃતિઓ ‘ઋતુસંહાર’ અને ‘મેઘદૂત’માં જોવા મળતા વર્ષાના સૌંદર્ય અને સાહિત્યિક મહિમાનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતી કવિતામાં વર્ષાને જુદી-જુદી દૃષ્ટિએ નિહાળનારા અને ગાનારા કવિઓની રચનાઓની રસસભર સફર અંગે પ્રા. ડૉ. આશા ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું.

બાલમુકુન્દ દવેની રચના ‘શ્રાવણ નીતર્યો સરવડે, કોઈ ઝીલો જી…’ દ્વારા શ્રાવણની છલકાતી સુંદરતા અને પ્રકૃતિનું મનોહર ચિત્ર ઉપસ્યું હતું. દૂધે ધોયેલા ડુંગરો, ઝરણાંની વણઝાર અને વરસાદથી પવિત્ર બનેલી ધરતી જાણે કાવ્યના શબ્દોમાં જીવંત બની હતી.
પ્રહલાદ પારેખની રચનામાં ‘થાયે છે થેઈ થેઈકાર, ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર!’ જેવા શબ્દો દ્વારા વરસાદના આગમનનો ઉત્સવ અનુભવાયો હતો. રમેશ પારેખની રચનાઓએ વરસાદ સાથે ભીંજાતા મન, સ્મૃતિઓ અને લાગણીઓને સુંદર રીતે વ્યક્ત કરી હતી. ભગવતીકુમાર શર્માની સંવેદનશીલ પંક્તિ ‘અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે…’એ પ્રેમ અને સંબંધોની લાગણીને સ્પર્શી હતી.
યોગેશ જોશીની ‘ઝરમર વરસે ઝીણી’, ઉષા ઉપાધ્યાયની ‘નભ વચ્ચે આ કયો ખલાસી…’, નીતા રામૈયાની ‘પહેલે વરસાદે રાજ’, ગની દહીંવાલાની ‘મોરલા ને વેઠ્યો ન જાય વરસાદમાં’ અને રાવજી પટેલની ‘વરસાદી રાતે’ સહિત ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા કવિઓની રચનાઓ પણ રજૂ કરવામાં આવી હતી.
ક્રિષ્ના પટેલ, અંજલી ગાંવિત, વ્યોમા પટેલ, હેતલ પટેલ, હેમાક્ષી કળસરિયા, મલ્લિકા વળવી, હિરલ પટારા, છાયા પટેલ, સોહાની પટેલ, હસ્તી ધંધુકિયા, ડિમ્પલ કાર, મિતાલી નાયકા, નિયતિ કરસરિયા, પરીતા પટેલ અને જીનલ પટેલે ભાવસભર કાવ્યગાન અને કાવ્યપઠન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમનું આયોજન ઇનચાર્જ આચાર્ય ડૉ. એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. આશા ગોહિલ તથા પ્રા. નર્મદાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગના ડૉ. જે. એમ. સોલંકીએ કવિ ઉશનસનું ‘અષાઢે તણખલું ના તોડીએ જી’ કાવ્ય ગાઈ સંભળાવી વિદ્યાર્થીઓને આનંદિત કર્યા હતા. પ્રા. નર્મદાબેન પરમારે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની નોંધ લઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વરસાદને માત્ર કુદરતી ઘટના તરીકે નહીં, પરંતુ પ્રેમ, વિરહ, સ્મૃતિ, ઉત્સાહ અને પ્રકૃતિના સંગીત તરીકે અનુભવવામાં આવ્યો હતો. આ રીતે કવિતાના શબ્દોમાં સૌ ભીંજાઈ ગયા અને વર્ષાઋતુના વિવિધ રંગોને સાહિત્યના માધ્યમથી માણ્યા. ખરેખર, આકાશમાંથી વરસતું જળ ધરતીની તરસનું ગીત, મનની લાગણીઓનું સંગીત અને કવિની કલમને મળેલો અદભુત ઋતુ-વિષય બની રહ્યું.
