સરપંચ મયંક પટેલની રજૂઆતને સફળતા; અંબાચ, ડુમલાવ, રોહિણા અને બરઈ સહિતના ગ્રામજનોને મળશે રાહત

ખેરલાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઈમરજન્સીના સમયે ઝડપી અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ થયો છે. સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત ખેરલાવ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ મયંક પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને સતત અનુસરણના પરિણામે આ સેવા ઉપલબ્ધ બની છે.

ખેરલાવ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ થતાં માત્ર ખેરલાવ જ નહીં, પરંતુ અંબાચ, ડુમલાવ, રોહિણા, બરઈ સહિત આસપાસના ગામોના નાગરિકોને પણ ઈમરજન્સીના સમયે ઝડપી સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા મળશે. ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક આરોગ્ય સેવાની ઉપલબ્ધતા ન હોવાના કારણે ઘણી વખત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સમય લાગતો હોય છે. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે.
અકસ્મિક અકસ્માત, સર્પદંશ, ગંભીર બીમારી, હૃદય સંબંધિત તકલીફ, પ્રસૂતિ સહિતની વિવિધ તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીને તબીબી સારવાર માટે ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં 108 સેવા મદદરૂપ બનશે. ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો માટે આ સુવિધાથી ઈમરજન્સીના સમયે મોટી રાહત મળશે.
સરપંચની રજૂઆતને સફળતા
ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ મયંક પટેલ દ્વારા ગામની આરોગ્યલક્ષી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર સમક્ષ ખેરલાવમાં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. સેવા શરૂ થાય તે માટે સતત અનુસરણ અને જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું. આખરે ખેરલાવને આ મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધા મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અદિતિ અંકિત પટેલ, પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિરેન પટેલ, બરઈના સરપંચ અશોકભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનો, ગ્રામજનો અને 108 સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
108 સેવાની ટીમ તરફથી EME દિલીપ વસાવા, Fleet હિતેશ રાઠોડ, EMT ભક્તેશ પટેલ તથા Pilot હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોને સીધો લાભ મળશે
આ પ્રસંગે સરપંચ મયંક પટેલે જણાવ્યું હતું કે, ખેરલાવ અને આસપાસના ગામોના નાગરિકોને ઈમરજન્સીના સમયે સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી. હવે સેવા શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને તેનો સીધો લાભ મળશે. આ સુવિધા માટે સહયોગ, માર્ગદર્શન અને સંકલન કરનાર તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરલાવ ગ્રામ પંચાયત દ્વારા 108 સેવા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપનાર લોકપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તથા 108ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સ્વચ્છતા અને અન્ય જનસુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે સતત કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સ્વસ્થ ખેરલાવ… સુરક્ષિત ખેરલાવ… સુવિધાયુક્ત ખેરલાવ…
ના સંકલ્પ સાથે ખેરલાવ ગ્રામ પંચાયત જનસેવા અને ગ્રામ વિકાસ માટે સતત કાર્યરત રહેશે.
