વલસાડમાં અખિલ હિન્દ અંધજન ધ્વજ દિનની ઉજવણી
દર વર્ષે 14 સપ્ટેમ્બરે ઉજવાતા અખિલ હિન્દ અંધજન ધ્વજ દિન નિમિત્તે વલસાડના નનકવાડા સ્થિત અંધજન મંડળ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સહિત મહાનુભાવો, દાતાઓ, સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કલેકટર નિતીન સાંગવાને જણાવ્યું હતું કે દૃષ્ટિહીન દિવ્યાંગજનો સમાજનો અભિન્ન હિસ્સો છે. યોગ્ય શિક્ષણ, માર્ગદર્શન, તાલીમ અને અનુકૂળ તકો મળે તો તેઓ પોતાની ક્ષમતા અને પ્રતિભાના આધારે વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. તેમણે સમાજના દરેક વર્ગને દૃષ્ટિહીન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે સહભાગી બનવા અપીલ કરી હતી.

તેમણે દિવ્યાંગજનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો સાથે સમાન અધિકાર, સન્માન અને આત્મનિર્ભરતાની તક મળે તે માટે સહયોગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને બહાર લાવવા તથા તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા જણાવ્યું હતું. સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દિવ્યાંગજનો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

સંસ્થાના ડાયરેક્ટર અમીબેન પટેલે અંધજન મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નનકવાડા ગામના સરપંચ, ભીડ ભંજન મંદિરના શિવજી મહારાજ, દાતાશ્રીઓ, સંસ્થાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા દૃષ્ટિહીન દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા અને સહયોગની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
