નવરાત્રિ નિમિત્તે આશ્રમની મુલાકાત લીધી; આધ્યાત્મિક સત્સંગમાં ભાગ લીધો, આદિવાસી મહિલાઓ અને દિવ્યાંગ બાળકો સાથે પણ સંવાદ કર્યો

ધરમપુર: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી પહોંચ્યાં હતાં. નવરાત્રિના પાવન અવસરે રવિવારે યોજાયેલી આ મુલાકાત દરમિયાન દંપતીએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ મેળવ્યા હતા અને આશ્રમની આધ્યાત્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની મુલાકાતની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રીતિ સાથે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ગુરુદેવશ્રી રાકેશજી સાથે આધ્યાત્મિક ક્ષણો વિતાવવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો હતો. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પ્રક્ષાલનની વિધિનો અનુભવ પણ અત્યંત ભાવપૂર્ણ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સાધના સાથે સેવાને જીવનમાં સ્થાન આપવાનો સંદેશ
મુલાકાત દરમિયાન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ સાધના અને સેવાના પરસ્પર સંબંધ પર ભાર મૂક્યો હતો. વ્યક્તિએ પોતાના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ માત્ર વ્યક્તિગત વિકાસ માટે નહીં, પરંતુ સમાજના વ્યાપક કલ્યાણ માટે પણ કરવો જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.
ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીએ આશ્રમના રાજ સભાગૃહમાં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. અહીં માનવજીવનના ઉદ્દેશ્ય, આધ્યાત્મિક સાધના અને જીવનમાં મૂલ્યોના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિશન સાથે જોડાયેલા યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ ગૌતમ અદાણીએ સંવાદ કર્યો હતો.
આદિવાસી મહિલાઓના કૌશલ્ય વિકાસની કામગીરી નિહાળી
ડૉ. પ્રીતિ અદાણીએ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેનની મુલાકાત લીધી હતી. અહીં કૌશલ્ય વિકાસ, રોજગારલક્ષી તાલીમ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોનો લાભ લઈ રહેલી આદિવાસી મહિલાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.
ત્યારબાદ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન તેઓ દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણ કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં. તેમણે જિનમંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના પણ કરી હતી.
માનવસેવાના કાર્યોમાં સહયોગની શક્યતા
મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ મિશનની માનવતાવાદી શાખા ‘શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર’ સાથે સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ, ડૉ. પ્રીતિ અદાણીએ અદાણી ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ સાથે સુસંગત રીતે સંસ્થાની દૃષ્ટિ સંભાળ પહેલમાં સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી.
આશ્રમના જણાવ્યા અનુસાર, ૩૫૫ એકરમાં ફેલાયેલું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ મિશનનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. વર્ષ ૧૯૯૪માં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સ્થાપિત આ મિશન છ ખંડોમાં ૧૪૨થી વધુ કેન્દ્રો ધરાવે છે. મિશન શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોથી પ્રેરિત થઈ શિક્ષણ, ધ્યાન, આંતરિક પરિવર્તન અને નિઃસ્વાર્થ સેવાને પ્રોત્સાહન આપે છે.
આરોગ્યસંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, પ્રાણીઓની સંભાળ અને પર્યાવરણના કલ્યાણ જેવા ક્ષેત્રોમાં મિશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગૌતમ અદાણી દંપતીની આ મુલાકાત દરમિયાન આધ્યાત્મિકતા સાથે સામાજિક સેવા, મહિલા સશક્તિકરણ અને આરોગ્યસંભાળ જેવા વિષયો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું હતું.
