News

ચીવલના પટેલ ફળિયામાં દીપડીનું બચ્ચું દેખાતાં ફફડાટ, વન વિભાગની ટીમ દોડી !

ચીવલના પટેલ ફળિયામાં દીપડીનું બચ્ચું દેખાતાં ફફડાટ, વન વિભાગની ટીમ દોડી

Advertisement

કોકિલાબેનના શેરડીના ખેતરમાં રોડ નજીક બચ્ચું નજરે પડ્યું; RFO દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા સૂચના અપાઈ

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના ચીવલ ગામના પટેલ ફળિયામાં દીપડીનું બચ્ચું દેખાતાં સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ગામના પટેલ ફળિયામાં કોકિલાબેનના શેરડીના ખેતરમાં રોડની નજીક દીપડીનું બચ્ચું નજરે પડતાં આસપાસના લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.

છેલ્લા ઘણા સમયથી ચીવલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાતો હોવાની ચર્ચાઓ સ્થાનિક લોકોમાં ચાલી રહી હતી. ત્યારે હવે શેરડીના ખેતરમાં દીપડીનું બચ્ચું દેખાતાં દીપડીની હાજરી હોવાની આશંકા વધુ મજબૂત બની છે. ખાસ કરીને ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો, ખેતમજૂરો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઘટનાની જાણ થતાં જ નાનાપોઢા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં તપાસ અને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મોડી રાત્રે વન વિભાગની ટીમ દ્વારા દીપડીની હાજરી તથા બચ્ચાંની સ્થિતિ અંગે જરૂરી તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન RFO દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. શેરડીનાં ખેતરો કે ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં એકલા ન જવા, રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવા અને બચ્ચાંની નજીક ન જવા અપીલ કરવામાં આવી હતી.

વન્યજીવની સુરક્ષા અને ગ્રામજનોની સલામતી બંને જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા તકેદારીપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે વન વિભાગની આગામી કાર્યવાહી પર ગ્રામજનોની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *