News

વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં કપરાડા સરકારી કોલેજની ઝળહળતી સિદ્ધિ

વલસાડ જિલ્લાના અંતરિયાળ અને બહુલ આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં શિક્ષણનું વટવૃક્ષ બની રહેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. માર્ચ 2026માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયોમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી કોલેજનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
કોલેજના તૃતીય વર્ષ બી.એ.માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની પૂનમ રાજપુરોહિતે સમગ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત કોલેજ દ્વારા તેમની પસંદગી ‘Student of the Year – 2025-26’ તરીકે પણ કરવામાં આવી છે. એક જ વિદ્યાર્થીની દ્વારા બે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરાતા કોલેજ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.
પૂનમ રાજપુરોહિતે Minor-VI: Sanskrit-VI વિષયમાં પણ 44માંથી 50 ગુણ મેળવી સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે કોલેજની અન્ય તેજસ્વી વિદ્યાર્થીની અવતાર અનિતાએ Minor-VI: Sociology વિષયમાં 44/50 ગુણ મેળવી યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
એક જ પરીક્ષામાં કોલેજની બે વિદ્યાર્થીનીઓએ અલગ-અલગ વિષયોમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવવું કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. આ સિદ્ધિ કોલેજના અધ્યાપકોના સતત માર્ગદર્શન, મહેનત અને શૈક્ષણિક વાતાવરણનું પણ પ્રતિબિંબ છે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય મનોજકુમાર પી. પટેલ, અધ્યાપકગણ અને સમગ્ર કોલેજ પરિવારે પૂનમ રાજપુરોહિત તથા અવતાર અનિતાને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *